Surat News/ સુરત ખાડીપૂર દુર્ઘટના: 42થી વધુ મોત બાદ પરિવારનો આક્ષેપ- ‘સમયસર રેસ્ક્યૂ થયું હોત તો અનેક જીવ બચી જાત’

સુરત ખાડીપૂરની દુર્ઘટનામાં 42થી વધુ લોકોના મોત બાદ મૃતકોના પરિવારજનોએ બચાવ કામગીરીમાં ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે બચાવ કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી હતી.

Gujarat Top Stories Surat Breaking News
flood tragedy

Surat News: સુરતમાં ધોધમાર વરસાદ બાદ સર્જાયેલી ખાડીપૂરની દુર્ઘટના અનેક પરિવારો માટે ક્યારેય ન ભૂંસાઈ શકે તેવી કરુણ યાદ બની ગઈ છે. અત્યાર સુધીમાં 42થી વધુ લોકોના મોત થતાં અનેક ઘરોના આશાના દીવા બુઝાઈ ગયા છે. કોઈએ પિતા ગુમાવ્યો છે તો કોઈએ દીકરો, કોઈએ પતિ ગુમાવ્યો છે તો કોઈએ પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય. આ સમગ્ર ઘટનામાં સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય એક 6 વર્ષના માસૂમ બાળકનો નિર્દોષ સવાલ છે—”મારા ડેડી ક્યારે આવશે?” બીજી તરફ મૃતકોના પરિવારજનોએ બચાવ કામગીરીમાં ગંભીર બેદરકારી, મોડું રેસ્ક્યૂ અને તંત્રની નિષ્ક્રિયતા અંગે આકરા આક્ષેપો કર્યા છે.

પૂર દુર્ઘટના (Flood Tragedy)માં મૃતકોના પરિજનોનો તંત્ર પર આક્ષેપ

સુરતમાં ભારે વરસાદ (Heavy Rain)બાદ સર્જાયેલી ખાડીપૂરની દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. અત્યાર સુધીમાં 42થી વધુ લોકોના મોત નોંધાયા છે, જ્યારે અનેક પરિવારો પોતાના સ્વજનોને ગુમાવી ચૂક્યા છે. સતત ત્રણ દિવસ સુધી વિવિધ સ્થળોએથી મૃતદેહો મળતા રહ્યા હતા. આ દુર્ઘટનાએ માત્ર માનવજીવન જ નહીં પરંતુ અનેક પરિવારોના ભવિષ્યને પણ અંધકારમાં ધકેલી દીધું છે.

6 વર્ષના માસૂમના સવાલે સૌની આંખો કરી ભીની 

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 35 વર્ષીય અલ્પેશ રમેશભાઈ દેસાઈના ઘરે આજે માત્ર શોકનો માહોલ છે. તેમના નિધન બાદ પત્ની અને 6 વર્ષનો પુત્ર સતત તેમની રાહ જોઈ રહ્યા છે. મૃતકની પત્નીએ ભારે હૈયે જણાવ્યું કે તેમનો 6 વર્ષનો દીકરો વારંવાર પૂછે છે કે, “મમ્મી… મારા ડેડી ક્યારે આવશે?” દરેક વખત આ પ્રશ્ન સાંભળીને હૈયું તૂટી જાય છે. હવે તેને કેવી રીતે સમજાવવું કે તેના પિતા (Father)ક્યારેય પાછા નહીં આવે? ઘરના એકમાત્ર કમાઉ સભ્યના નિધન બાદ હવે બાળક અને વૃદ્ધ માતા-પિતાના ભવિષ્યની ચિંતા પરિવારને સતાવી રહી છે.

ઘરે પરત ફરતી વખતે વેરી બન્યો વરસાદ

મોટા વરાછા (Mota Varachha)પેડલ રોડ વિસ્તારમાં રહેતા અલ્પેશ દેસાઈ ગત 7મી તારીખે કડોદરા ખાતે પોતાનું કામ પૂર્ણ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાત્રે લાંબો સમય વીતી જવા છતાં તેઓ ઘરે ન પહોંચતા પરિવારજનોએ ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહીં. ત્યારબાદ પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બે દિવસ બાદ પાલક પાટીયા નજીક નવી બની રહેલી ઈન્ફિનિટી બિલ્ડિંગ પાસે ખાડીના પાણીમાંથી ફાયર વિભાગે (Fire Brigade)તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

“બે કલાક સુધી કોઈ આવ્યું જ નહીં” – પરિવારનો ગંભીર આક્ષેપ

મૃતકના ભત્રીજા પ્રિન્સ દેસાઈએ જણાવ્યું કે અકસ્માતની જાણ થતાં જ પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ, પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ સતત ફોન કરવા છતાં લગભગ બે કલાક સુધી કોઈ બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી નહોતી. બાદમાં જે ટીમ આવી હતી તેણે પણ પાણીમાં ઉતરીને યોગ્ય રીતે શોધખોળ કરવાને બદલે સવારે કાર્યવાહી કરવાની વાત કહીને સ્થળ છોડી દીધું હતું. પરિવારનો આક્ષેપ છે કે જો સમયસર અને ગંભીરતાથી બચાવ કામગીરી (Rescue Operation)હાથ ધરાઈ હોત તો કદાચ અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત.

રાજકીય ભલામણ બાદ જ રેસ્ક્યૂ ઝડપથી શરૂ થયું હોવાનો આરોપ

પરિવારજનોએ વધુમાં આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્તરે રજૂઆતો છતાં કોઈ અસર થઈ નહોતી. આખરે એક પ્રભાવશાળી રાજકીય આગેવાન અને મંત્રી સુધી વાત પહોંચાડ્યા બાદ જ વહીવટી તંત્ર સક્રિય બન્યું અને બચાવ કામગીરીમાં ઝડપ બની હતી. પરિવારજનોએ સવાલ ઉઠાવ્યો કે શું સામાન્ય નાગરિકને સમયસર મદદ મેળવવા માટે પણ રાજકીય ભલામણ જરૂરી બની ગઈ છે?

“ચૂંટણી વખતે મોટા વાયદા થાય છે, મુશ્કેલીમાં કોઈ દેખાતું નથી”

મૃતકના સંબંધી નીલમબેને સરકાર અને રાજકીય નેતાઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ચૂંટણી વખતે લોકોની સેવા અને સુરક્ષાના મોટા મોટા વાયદા કરવામાં આવે છે, પરંતુ જ્યારે સામાન્ય નાગરિક મુશ્કેલીમાં હોય ત્યારે કોઈ જવાબદાર વ્યક્તિ મદદ માટે આગળ આવતી નથી. તેમણે સરકાર સમક્ષ માગ કરી કે મૃતકોના પરિવારોને પૂરતું વળતર આપવામાં આવે, બાળકોના શિક્ષણની જવાબદારી લેવામાં આવે અને વૃદ્ધ માતા-પિતાને આર્થિક સહાય આપવામાં આવે.

72 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી મળ્યો

આ દુર્ઘટનામાં નંદુરબારના વતની અને હાલ સુરતમાં રહેતા 72 વર્ષીય શાંતારામ જયરામ પાટીલ પણ વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા. તેઓ પરિવારની આર્થિક મદદ માટે સફાઈ કામ કરતા હતા. ભારે વરસાદ દરમિયાન ઘરે આવવાનો પ્રયાસ કરતા તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રણ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

તે જ રીતે ભેસ્તાન વિસ્તારમાં રહેતા 37 વર્ષીય ઈમરાન શેરખાન પઠાણનું પણ પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. તેઓ રિક્ષા ચલાવી પત્ની અને ત્રણ સંતાનોનું ભરણપોષણ કરતા હતા. તેમનો મૃતદેહ પણ ત્રણ દિવસ બાદ મળી આવ્યો હતો.

42થી વધુ મોત બાદ પણ અનેક સવાલો યથાવત

સુરત ખાડીપૂરની આ દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં બચાવ તંત્ર કેટલું સજ્જ છે પરિવારજનોએ દાવો કર્યો છે કે સમયસર કાર્યવાહી થઈ હોત તો અનેક લોકોના જીવ બચાવી શકાયા હોત. હવે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે અસરકારક આયોજન કરવાની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચો:સુરત શહેરમાં પૂરગ્રસ્તોને ઝડપથી સહાય મળે તે માટે જિલ્લા કલેકટરનો મોટો નિર્ણય 65 નવી સર્વે ટીમો મેદાનમાં

આ પણ વાંચો:ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન, 120 રસ્તા બંધ; કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂર જેવી સ્થિતિ

આ પણ વાંચો:સુરત પૂર બાદ રાજ્ય સરકાર લાવશે વિશેષ રાહત પેકેજ, 3 દિવસમાં સર્વે પૂર્ણ થયા બાદ સહાયની જાહેરાત