india news/ ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન, 120 રસ્તા બંધ; કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂર જેવી સ્થિતિ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ઉત્તરાખંડ (Uttarakhand) માં ભૂસ્ખલનથી 120 રસ્તા બંધ થયા છે

Top Stories India
Uttarakhand

India Monsoon Update: દેશના અનેક રાજ્યોમાં શનિવારે ભારે વરસાદે જનજીવન પર વ્યાપક અસર કરી હતી. સૌથી વધુ અસર ઉત્તરાખંડ (Uttarakhand) અને હિમાચલ પ્રદેશમાં જોવા મળી, જ્યાં સતત વરસાદના કારણે ભૂસ્ખલન, રસ્તા ધોવાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને મેઘાલયમાં ભારે વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મિઝોરમ, તમિલનાડુ અને કેરળના અનેક વિસ્તારોમાં પણ વરસાદે જોર પકડ્યું હતું.

ઉત્તરાખંડ (Uttarakhand)માં 120 રસ્તા બંધ, યાત્રાળુઓને બચાવાયા

ઉત્તરાખંડ (Uttarakhand) માં ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત કુલ 120 રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ ધોવાઈ જતાં માર્ગ બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો.

ઉત્તરકાશીના સ્યાનચટ્ટી વિસ્તારમાં કાટમાળ રસ્તા પર આવી જતાં SDRF દ્વારા વિશેષ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દોરડાની મદદથી સલામત માર્ગ તૈયાર કરીને લગભગ 100 યાત્રાળુઓને એક પછી એક સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.

Uttarakhand

હિમાચલમાં ભૂસ્ખલન, કામચલાઉ પુલ તૂટી પડ્યો

હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદના કારણે શિમલા સહિત અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. કિન્નૌરના સાંગલા વિસ્તારમાં ગયા વર્ષે બનાવાયેલો કામચલાઉ પુલ તૂટી પડ્યો હતો. જિલ્લામાં આવેલા પૂરના પાણી એક માળના મકાનમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કાશ્મીરના પહેલગામમાં વાદળ ફાટતાં અચાનક પૂર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ અને અનંતનાગ જિલ્લાના ઉપરવાસમાં શનિવારે સાંજે વાદળ ફાટવાની ઘટનાને કારણે અચાનક પૂર આવ્યું હતું. પૂરથી ઓછામાં ઓછી છ હોટલો અને કેટલાક રહેણાંક મકાનોને નુકસાન પહોંચ્યું હતું.

સાવચેતીના ભાગરૂપે હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર હાલ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત તથા દેખરેખની કામગીરી ચાલુ છે. શ્રી અમરનાથ યાત્રા પર આ ઘટનાની કોઈ અસર થઈ નથી.

Uttarakhand

પ્રાથમિક માહિતી મુજબ પહેલગામના અવૂરા અને દેહવાથુ જંગલ વિસ્તારમાં અચાનક મુશળધાર વરસાદ પડતાં અવૂરા નાળામાં પૂર આવ્યું, જે બાદમાં બટકોટ વિસ્તારમાં લિડર નાળામાં ભળી ગયું હતું.

દિલ્હીમાં વરસાદથી રાહત, તાપમાનમાં વધારો

બીજી તરફ દિલ્હીમાં શનિવારે વરસાદ નોંધાયો ન હતો અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. સફદરજંગ ખાતે મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.2 ડિગ્રી વધુ અને શુક્રવારની સરખામણીએ 2.4 ડિગ્રી વધારે હતું. IMDએ આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની પરંતુ વરસાદની શક્યતા ઓછી હોવાનું જણાવ્યું છે.


આ પણ વાંચો: ગુજરાતમાં સિઝનનો 24.63% વરસાદ: નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ એલર્ટ પર, 7 દિવસ ભારે વરસાદની આગાહી નહીં

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ હવે મેઘરાજા લેશે વિરામ! ગુજરાત સહિતના રાજ્યોમાં ઉકળાટભરી ગરમીની આગાહી

આ પણ વાંચો: દિલ્હી સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા