અમદાવાદ,
અમદાવાદના શાહઆલમ વિસ્તારના મજૂરગામ ત્રણ રસ્તા પર 15 જુનની રાત્રે 10 વાગ્યા આસપાસ એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 25 વર્ષીય રાશીદ શેખ નામના યુવક પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
જેમાં રાશીદને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે રાશીદના પરિવારજનોનું કહેવું છે કે, રાશીદ અને તેનો મિત્ર ઇદની ખરીદી કરવા માટે મજૂરગામ ત્રણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ત્રણ રસ્તા પર કેટલાક લોકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને આ ઝઘડામાં રાશીદ અને તેના મિત્રને કેટલાક અજાણ્યા શખ્સોએ બાઇક પરથી નીચે પાડીને તેના પર છરી વડે હુમલો કર્યો.
પરિવારનો એવો પણ આક્ષેપ છે કે રાશિદે માથા પર ટોપી પહેરી હોવાથી તેના પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ પાસે નિવેદન નોંધાવ્યું છે. હાલ પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.