Vadodara Open Drain Death Case: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી એક યુવકના જીવ માટે ઘાતક સાબિત થઈ છે. 26 ડિસેમ્બરની રાત્રે ખુલ્લી ગટર (Open Drain) માં પડી જવાથી નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહ ઝાલાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે મૃતકની પત્ની દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ‘ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ’ નામની એજન્સીના માલિકો તથા જવાબદાર કર્મચારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.
ખુલ્લી ગટર (Open Drain)માં પડવાથી યુવકનું મોત
મળતી વિગતો અનુસાર, બનાવના દિવસે મૃતક પોતાના પરિવાર સાથે દરબાર ચોકડી નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ચાઈનીઝ ખાવા ગયા હતા. આ દરમિયાન વિપુલસિંહ વાહન પાર્ક કરવા માટે ગયા હતા, પરંતુ લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેઓ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કમ્પાઉન્ડમાં આવેલી ખુલ્લી ગટર (Open Drain) માં પડી ગયા હોવાનું સામે આવ્યું.

તબીબોએ મૃત જાહેર કર્યો હતો
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમે અંદાજે 15 ફૂટ ઊંડા ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગટરના ઢાંકણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને ત્યાં કોઈ બેરિકેટિંગ કે ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યા નહોતા. આ ગંભીર બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. જેના આધારે માંજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે.
નાગરિક સુરક્ષામાં નિષ્ફળ તંત્ર
ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય વિપુલસિંહ ઝાલા એલેમ્બિક કંપનીમાં નોકરી કરતા હતા અને તેમના પરિવારમાં પત્ની તથા પાંચ વર્ષનો પુત્ર છે. આ દુર્ઘટનાથી એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાએ ફરી એક વખત શહેરી વિસ્તારોમાં ખુલ્લી ગટર (Open Drain) અને નાગરિક સુરક્ષા મુદ્દે તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
