Vadodara News : વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ (digital arrest)કરવાનો પ્રયાસ થયા બાદ તેમણે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ગંભીર રજૂઆત કરી છે. પત્રમાં તેમણે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રોડ અને લારીઓ પર બિલાડીના ટોપની જેમ વેચાતા સિમકાર્ડ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

ધારાસભ્યએ જણાવ્યું છે કે, સિમકાર્ડનું વેચાણ માત્ર કંપનીના ઓથોરાઇઝ્ડ ડીલર મારફતે જ થવું જોઈએ અને તેના માટે અલગથી કાયદો બનાવવાની જરૂર છે. સાથે જ સિમકાર્ડ લેનાર વ્યક્તિ સાથે બે સ્થાનિક સાક્ષીઓના ઓળખપત્ર અને બાયોમેટ્રિક પુરાવા ફરજિયાત લેવાં જોઈએ એવી માંગ પણ કરવામાં આવી છે. આ મુદ્દે વિધાનસભામાં અલગ કાયદો લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
28 ડિસેમ્બરના રોજ માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર માફિયાઓએ ફોન કરીને ડિજિટલ એરેસ્ટ (digital arrest)કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ પોલીસનો અધિકારી હોવાનું જણાવી ધારાસભ્ય વિરુદ્ધ નોટિસ હોવાનો દાવો કર્યો હતો.
ડિજિટલ એરેસ્ટ (digital arrest) ની શંકા જતા MLAએ પૂછ્યો વળતો સવાલ
યોગેશ પટેલે જણાવ્યું કે, સવારે 11:27 વાગ્યે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિ ગુજરાતીમાં વાત કરતી હતી અને નામ પુછ્યું હતું. નામ જણાવ્યા બાદ તેણે મુંબઈ પોલીસમાંથી બોલું છું એવું કહ્યું. મને તરત જ શંકા ગઈ અને મેં વળતો સવાલ કર્યો કે, “તું જે સ્કૂલમાં ભણ્યો હતો, એનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું.” આ સાંભળતાં જ સાયબર ઠગે તરત ફોન કાપી નાખ્યો.
ખોટો હતો મુંબઈ પોલીસનો લોગો
ડિજીટલ એરેસ્ટ (digital arrest) ના પ્રયાસની ઘટના બાદ ધારાસભ્યએ તાત્કાલિક વડોદરા શહેર પોલીસ કમિશનરને જાણ કરી. સાયબર સેલને ફોન કરનાર નંબરની વિગતો આપવામાં આવી છે. ફોન દરમિયાન મોબાઇલ સ્ક્રીન પર દેખાતો મુંબઈ પોલીસનો લોગો ગૂગલ પર ચેક કરતાં ખોટો હોવાનું બહાર આવ્યું.
લારીઓ પર ખુલ્લેઆમ સિમકાર્ડ વેચાય છે
યોગેશ પટેલે જણાવ્યું કે, વડોદરા સહિત અનેક શહેરોમાં રોડ પર લારીઓમાં ખુલ્લેઆમ સિમકાર્ડ વેચાય છે, જે અત્યંત જોખમી છે. આવા સિમકાર્ડ દ્વારા આધારકાર્ડ સહિતની વ્યક્તિગત માહિતીનો ગેરઉપયોગ થવાની સંભાવના રહે છે. લારી પરથી કાઢવામાં આવતા સિમકાર્ડ મોટા ભાગે બોગસ જ હોય છે.
કડક કાયદાની માગ
ડિજિટલ એરેસ્ટ (digital arrest) ના પ્રયાસ બાદ ધારાસભ્યએ જણાવ્યું કે, જેમ બેંકમાં ખાતું ખોલવા માટે કડક નિયમો છે, તેમ સિમકાર્ડ ખરીદવા માટે પણ બે સ્થાનિક સાક્ષી અને બાયોમેટ્રિક ફરજિયાત થવા જોઈએ. માત્ર કંપનીના ઓથોરાઇઝ્ડ ડેપો પરથી જ સિમકાર્ડ મળવા જોઈએ. રોજબરોજ લોકો ફ્રોડ કોલનો ભોગ બની રહ્યા છે, ત્યારે આ મુદ્દે કડક કાયદો બનાવવો અત્યંત જરૂરી છે.
