દિલ્હી
પદ્માવત ફિલ્મ શરૂઆતથી વિવાદમાં છે. આ ફિલ્મનો વિરોધ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કરવામાં આવ્યો હતો. એટલુ જ નહિ મંગળવારે હરીયાણામાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્થાન સહિત હવે હરિયાણામાં પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જો કે હવે સંજય લીલા ભણસાલીએ આ રાજ્યો પર મુકાયેલા પ્રતિબંધની સામે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરી છે.
પીટીશનમાં કહેવામાં આવ્યું છે, કે સેન્સર બોર્ડે આ ફિલ્મને રીલીઝ કરવાનું સર્ટીફિકેટ આપ્યું છે અને બોર્ડના કહેવા પ્રમાણે ફિલ્મનું નામ પદ્માવતીથી બદલીને પદ્માવત પણ કરવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે રીલીઝ કરવાની મંજુરી આપ્યા પછી આ અમુક રાજ્યોમાં પ્રતિબંધ યોગ્ય નથી.

બીજી તરફ સેન્સર બોર્ડ દ્રારા પાસ કરાયા બાદ આ ફિલ્મ ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. જો કે હવે ફિલ્મ ૨૫ જાન્યુઆરી નહિ પરંતુ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદનો સામનો કરી રહી છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે, જે પેઇડ કરવામાં આવશે. આ ફિલ્મ હિન્દીની સાથે જ તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. પદ્માવત આઈમેક્સ થ્રીડીમાં રિલીઝ થનારી ભારતની પહેલી ફિલ્મ છે.
