Yellow Register Button EVM : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે આ વખતે મતદાન કરવાની પદ્ધતિમાં કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ઈવીએમ (EVM) પર મતદાન કરતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે. ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા મુજબ, જ્યાં સુધી તમે ઈવીએમમાં રહેલું ‘પીળું રજિસ્ટર બટન’ નહીં દબાવો, ત્યાં સુધી તમારો વોટ માન્ય ગણાશે નહીં.
શું છે આ ‘Yellow Register Button’?
મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં સામાન્ય રીતે ચાર ઉમેદવારોની પેનલ હોય છે. મતદાર પોતાની પસંદગી મુજબ મહત્તમ ચાર ઉમેદવારને મત આપી શકે છે. તમે તમારી પસંદગીના 1, 2, 3 કે 4 ઉમેદવારોના નામ સામેના બટન દબાવ્યા બાદ, પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈવીએમમાં નીચેના ભાગે આપેલું પીળા રંગનું ‘રજિસ્ટર’ બટન દબાવવું ફરજિયાત છે. જો તમે આ બટન નહીં દબાવો તો તમારું મતદાન અધૂરું ગણાશે અને વોટ રજિસ્ટર થશે નહીં.

પેનલ સિસ્ટમમાં મતદાનની રીત
પેનલ વોટિંગ: મતદાર આખી પેનલને (એક જ પક્ષના 4 ઉમેદવાર) અથવા અલગ-અલગ પક્ષના ઉમેદવારોને પણ મત આપી શકે છે.
મર્યાદિત વોટિંગ: જો તમારે 4 થી ઓછા ઉમેદવારને મત આપવો હોય, તો તમે માત્ર તમારી પસંદગીના ઉમેદવારનું બટન દબાવીને સીધું ‘રજિસ્ટર’ બટન દબાવી શકો છો.
નૉટા (NOTA): જો તમે કોઈ ઉમેદવારને પસંદ કરવા ન માંગતા હોવ, તો નોટાનું બટન પણ દબાવી શકો છો.
VVPAT વગર થશે મતદાન
આ વખતે મતદાન પ્રક્રિયામાં વીવીપેટ (VVPAT) મશીનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. દરેક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી એક બૂથ પર 2 થી 3 ઈવીએમ રાખવામાં આવશે. દરેક ઈવીએમમાં ઉમેદવારોના નામ અને નોટા સહિત કુલ 15 બટન હશે. મતદાન મથકો પર ભીડ ટાળવા માટે દરેક મથક દીઠ 800 મતદારોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે.
મતદાન કરવા માટે જરૂરી દસ્તાવેજો
મતદાન કરવા જાવ ત્યારે તમારી પાસે ચૂંટણી કાર્ડ (Voter ID) હોવું હિતાવહ છે. જો તમારી પાસે વોટર આઈડી ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલા 12 વૈકલ્પિક પુરાવાઓ (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે) માંથી કોઈ પણ એક બતાવીને તમે મતાધિકારનો ઉપયોગ કરી શકશો.
કેવી રીતે કરશો મતદાન? (સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ)
પસંદગી: ઈવીએમ પર તમારા પસંદગીના ઉમેદવારના નામ સામેનું બટન દબાવો.
લાઈટ કન્ફર્મેશન: બટન દબાવતા જ ઉમેદવારના નામ સામે લાલ લાઈટ થશે. (મહત્તમ 4 લાલ લાઈટ સુધી તમે પસંદગી કરી શકો છો).
પૂર્ણતા: તમારી પસંદગી પૂર્ણ થયા બાદ છેલ્લે પીળું રજિસ્ટર બટન દબાવો.
બીપ અવાજ: રજિસ્ટર બટન દબાવતા જ લાંબો ‘બીપ’ અવાજ આવશે, જેનો અર્થ છે કે તમારો મત સફળતાપૂર્વક નોંધાઈ ગયો છે.
આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવારનો ધમકી-હેરાનગતિનો દાવો
આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે
