Pakistan News: પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની સ્થિતિને કારણે પાકિસ્તાનમાં ગંભીર ઈંધણ સંકટ ઉભું થયું છે. પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ચિંતાજનક ખુલાસો કરતા જણાવ્યું છે કે દેશમાં માત્ર એક દિવસ પૂરતો પણ વ્યૂહાત્મક પેટ્રોલિયમ જથ્થો ઉપલબ્ધ નથી.
એક અહેવાલ મુજબ પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે દેશની ઊર્જા સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પાકિસ્તાન એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. મલિકના કહેવા મુજબ, ભારત પાસે મોટા પ્રમાણમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર હોવા છતાં પાકિસ્તાન પાસે માત્ર 5 થી 7 દિવસ પૂરતો વ્યાપારી ક્રૂડ ઓઇલ જથ્થો ઉપલબ્ધ છે, જે સ્થિતિને અત્યંત ચિંતાજનક બનાવે છે.
પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે જણાવ્યું કે પાકિસ્તાન પાસે કોઈ વ્યૂહાત્મક તેલ ભંડાર ઉપલબ્ધ નથી અને દેશ માત્ર વ્યાપારી જથ્થા પર નિર્ભર છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિમાં પાકિસ્તાન પાસે માત્ર 5 થી 7 દિવસ પૂરતો ક્રૂડ ઓઇલ જથ્થો છે, જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પાસે રહેલું રિફાઇન્ડ ઈંધણ પણ માત્ર 20 થી 21 દિવસ સુધી જ પૂરતું રહેશે.
મલિકે ભારત સાથે તુલના કરતા જણાવ્યું કે આપણે ભારત જેવા નથી, ભારત પાસે 60 થી 70 દિવસ જેટલો મોટો પેટ્રોલિયમ ભંડાર છે, જેને જરૂર પડે ત્યારે એક જ નિર્ણય દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે.
યુદ્ધે ના કારણે તેલ ભંડારની મોટી ખામીઓ
તેમણે વધુમાં જણાવ્યું કે યુદ્ધની સ્થિતિએ પાકિસ્તાનની ઈંધણ સંગ્રહ ક્ષમતા વધારવાની અને લાંબા ગાળાની ઊર્જા તૈયારીને મજબૂત કરવાની જરૂરિયાતને સ્પષ્ટ કરી છે. આ મુદ્દે એક વિગતવાર અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દેશના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારોને સક્રિય કરવાની રીતો દર્શાવવામાં આવી છે.
તેમના જણાવ્યા મુજબ, આ અહેવાલ પર હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી કારણ કે આ પ્રકારના ભંડારોને સક્રિય કરવા માટે અબજો ડોલર જેટલો ભારે ખર્ચ આવી શકે છે. તેમણે ઉમેર્યું કે ઐતિહાસિક રીતે પણ દુબઈમાં ક્રૂડ ઓઇલના ભાવ ક્યારેય $170 સુધી પહોંચ્યા નથી, જે વૈશ્વિક બજારમાં અસાધારણ અસ્થિરતાનું સંકેત આપે છે.
મલિકે જણાવ્યું કે શાહબાઝ શરીફની સરકાર હાલ જનતાની મુશ્કેલીઓ ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે અને શક્ય ત્યાં સુધી સબસિડી પણ આપવામાં આવી રહી છે.
ઈંધણ અને ભંડાર મામલે પાકિસ્તાન (Pakistan) ભારતથી પાછળ
ભારત પાસે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (SPR)ની કુલ ક્ષમતા 5.33 મિલિયન મેટ્રિક ટન છે, જે અંદાજે 36.92 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ જેટલું થાય છે.
બીજી તરફ, પાકિસ્તાન પાસે સમર્પિત વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર ઉપલબ્ધ નથી અને તે માત્ર મર્યાદિત વ્યાપારી જથ્થા પર નિર્ભર છે. હોર્મુઝ જલડમધ્યની સંભવિત જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇસ્લામાબાદ સરકારે 90 દિવસ સુધીના ઈંધણ ભંડાર રાખવાની યોજનાઓ જાહેર કરી છે.
આ પણ વાંચો : ઈરાને પાકિસ્તાનને કહ્યું ‘અવિશ્વસનીય’, અમેરિકા અને ટ્રમ્પ તરફ પક્ષપાત કરવાનો ગંભીર આક્ષેપ
આ પણ વાંચો : પાકિસ્તાન પાસે માત્ર 7 દિવસનું તેલ વધ્યું, શાળાઓ-ઓફિસો બંધ કરવાની તૈયારી, જાણો ભારત પર શું થશે અસર
આ પણ વાંચો : પાકિસ્તાની કપડાની બ્રાન્ડ દ્રારા આલિયા ભટ્ટની AI નકલી તસવીરો બનાવવા પર વિવાદ
