Bhavnagar News/ પાલીતાણા હોસ્પિટલમાં મોટો ભાંડો ફૂટ્યો! ટાંકી બની નહીં છતાં રૂ.50.43 લાખનું બિલ

Palitana Hospital Scam: હોસ્પિટલમાં ટાંકી દેખાઈ નહીં, પરંતુ તેના નામે રૂ.50.43 લાખનું બિલ મંજૂરી માટે પહોંચી ગયું! આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન સમગ્ર મામલો સામે આવતા બે ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી શરૂ થઈ છે.

Gujarat Top Stories Others
Palitana Hospital Scam: ટાંકી બની નહીં છતાં રૂ.50 લાખનું બિલ પહોંચ્યું મંજૂરી માટે

Palitana News: ભાવનગર જિલ્લાના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકીના (Palitana Hospital Scam) કામને લઈને ગંભીર ગેરરીતિ સામે આવી છે. હોસ્પિટલમાં અંદાજે 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું કામ સ્થળ પર થયું જ ન હોવા છતાં રૂ.50.43 લાખનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું. મામલો સામે આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

મંત્રીની મુલાકાત દરમિયાન ખુલ્યો સમગ્ર મામલો

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ (Praful Pansheriya) આશરે 13 દિવસ પહેલાં પાલીતાણાની સરકારી હોસ્પિટલની (Gujarat Government Hospita) મુલાકાત લીધી હતી. આ દરમિયાન હોસ્પિટલ માટે મંજૂર કરવામાં આવેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા મળી નહોતી. ત્યારબાદ થયેલી તપાસમાં સામે આવ્યું હતું કે ટાંકીનું કામ સ્થળ પર પૂર્ણ (Water Tank Bill Scam) થયું ન હોવા છતાં તેના માટે લાખો રૂપિયાનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.

Palitana Hospital Scam: વીડિયો કોન્ફરન્સથી તાત્કાલિક તપાસ

મામલાની ગંભીરતા ધ્યાનમાં લેતાં આરોગ્ય મંત્રીએ તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ યોજીને પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવી હતી. કામ થયા વગર બિલ કેવી રીતે તૈયાર થયું અને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું તે અંગે જવાબદાર અધિકારીઓની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

Palitana Hospital Scam: ટાંકી બની નહીં છતાં રૂ.50 લાખનું બિલ પહોંચ્યું મંજૂરી માટે
Palitana Hospital Scam:પાલીતાણા સરકારી હોસ્પિટલમાં રૂ.50 લાખની ગેરરીતિ

બે ઈજનેર સામે કાર્યવાહી, સસ્પેન્ડ કરાયા

આ મામલામાં જવાબદારી નક્કી થતાં ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન. વી. કાલીયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને ઈજનેરોને સસ્પેન્ડ (Engineer Suspended) કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં તેમની ભૂમિકાને લઈને પોલીસ ફરિયાદ સહિતની કાયદાકીય કાર્યવાહી માટે પણ સૂચના આપવામાં આવી છે.

કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તૈયારી

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન, સુરત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કામ પૂર્ણ કર્યા વિના બિલ રજૂ કરવાના મામલે કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સંબંધિત તંત્રને સૂચના આપવામાં આવી છે.

રૂ.50 લાખથી વધુના બિલે ઊભા કર્યા સવાલો

સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, સ્થળ પર કામ થયું ન હોવા છતાં રૂ.50.43 લાખનું બિલ કયા આધારે તૈયાર થયું અને તે મંજૂરી માટે વડી કચેરી સુધી કેવી રીતે પહોંચ્યું? હવે આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈ અધિકારી અથવા જવાબદાર વ્યક્તિની ભૂમિકા હતી કે નહીં તેની પણ તપાસ મહત્વપૂર્ણ બનશે.

‘જાહેર નાણાંની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે’

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી આરોગ્ય સેવાઓ અને વિકાસકાર્યો માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

હાલ બે ઈજનેરો સામે કાર્યવાહી થઈ ચૂકી છે, જ્યારે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. હવે પોલીસ તપાસ અને વિભાગીય કાર્યવાહીમાં આ ‘ટાંકી વગરના રૂ.50.43 લાખના બિલ’ પાછળ જવાબદાર અન્ય લોકો સામે પણ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર નજર રહેશે.


આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લાં 11 વર્ષમાં 15.89 કરોડ કરતાં વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્યલક્ષી તપાસ: પ્રફુલ પાનસેરીયા

આ પણ વાંચો: ‘PM-JAY Ma’ યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે પ્રફુલ પાનસેરીયાની કડક કાર્યવાહી…

આ પણ વાંચો: કેબિનેટ વિસ્તરણઃ પ્રફુલ પાનસેરીયાએ નવા મંત્રીમંડળમાં પણ સ્થાન જાળવ્યું