સાંસદ સસ્પેન્ડ/ સંસદમાં શિયાળુ સત્રના પ્રથમ દિવસે હોબાળા વચ્ચે 12 સાંસદ સસ્પેન્ડ

ભારે હોબાળાની વચ્ચે કૃષિ બિલ સંસદના બંને સદનમાં પસાર થયું હતું અને બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

Top Stories India
સંસદ

સંસદમાં શિયાળુ સત્રનો પ્રારંભ હોબાળા સાથે થયો છે. સત્રની શરૂઆતમાં જ વિપક્ષ દ્વારા કૃષિ બિલ અને અન્ય મુદ્દાઓને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો જેના કારણે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ભારે હોબાળાની વચ્ચે કૃષિ બિલ સંસદના બંને સદનમાં પસાર થયું હતું અને બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

મોન્સૂન સત્રમાં હોબાળો કરવા બદલ સાંસદો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં એલ્મારમ કરીમ (માકપા), ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ), છાયા વર્મા (કોંગ્રેસ), રિપુન બોરા (કોંગ્રેસ), બિનોય વિસ્વામ (ભાકપા), રાજમણી પટેલ (કોંગ્રેસ), ડોલા સેન (TMC), શાંત છેત્રી (TMC), સૈયદ નાસિર હુસૈન (કોંગ્રેસ), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના) અનિલ દેસાઈ (શિવસેના) અને અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે.

સંજય સિંહ, પ્રતાપ સિંહ બાજવા વગેરેને સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા કારણ કે તેમનો કેસ 10 ઓગસ્ટના રોજ હતો. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેઓનો મામલો 11 ઓગસ્ટનો છે, જે ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ હતો, તેથી જ આજે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે, 12 સાંસદોનું સસ્પેન્શન નિયમો વિરુદ્ધ છે. નિયમ 256 મુજબ, સભ્યને બાકીના સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. ચોમાસુ સત્ર 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થયું હોવાથી આ સત્રમાં સભ્યોને સસ્પેન્ડ કરવાની વાત ખોટી છે.

વિપક્ષના સભ્યોએ સસ્પેન્શન પર તીખી પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને સાંસદ મનોજ ઝાએ કહ્યું કે જો સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે તો કદાચ સમગ્ર વિપક્ષ આખા શિયાળુ સત્રનો બહિષ્કાર કરશે. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, ‘હું અધ્યક્ષને મળીશ. જો આ મામલે સુનાવણી નહીં થાય તો હું કોર્ટમાં પડકારીશ. બીજી તરફ, બીજેપી ક્વોટાના રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ ખાનગી મીડિયા ચેનલ સાથે  વાત કરતા કહ્યું કે, 12 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે તેમણે ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં અરાજકતા ફેલાવી હતી અને ગૃહની ગરિમાનું  ઉલ્લંઘન કર્યું હતું.