Lifestyle: સોશિયલ મીડિયા (Social Media) પર રિલેશનશિપના નામ પર નવી-નવી ટર્મ વાયરલ (Viral) થઇ રહી છે. હવે તાજેતરમાં એક નવો ટ્રેન્ડ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે, એને ‘બર્ડ ટેસ્ટ’ (Bird Test) એવું નામ આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે, રિલેશનશિપમાં આજકાલ આ ‘બર્ડ ટેસ્ટ’નું નવું તૂત શું છે અને યંગસ્ટર્સમાં કેમ એનો ક્રેઝ વધી રહ્યો છે?
આજના યુગમાં ડેટિંગ (Dating) કરવું એ પણ લોઢાના ચણા ચાવવા સમાન થઇ ગયું છે. એવું પ્રતીત થાય છે કે, નોકરી શોધવી આનાથી તો ઘણી સરળ છે! રિલેશનશિપના નામ પર કેટલાય પ્રકારના ટ્રેન્ડ જેમ કે ‘બેન્ચિંગ’, ‘ઘોસ્ટિંગ’, ‘બ્રેડ ક્રમ્બિંગ’ (Benching, Ghosting, Bread crumbing) વગેરે ચલણમાં છે અને હવે વળી પાછો એક નવો ટ્રેન્ડ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ ક્રેઝ ખાસ કરીને, યુવાપેઢીમાં અત્યંત ઝડપભેર વધી રહ્યો છે! આ રિલેશનશિપ ટ્રેન્ડ (Relationship Trend) ચર્ચાના ચગડોળે ચડેલો છે અને એનું નામ છે ‘બર્ડ ટેસ્ટ’!! આ ટેસ્ટ દ્વારા તમે જાણી શકો છો કે તમારો પાર્ટનર તમારા માટે કેટલો ગંભીર છે અને તમે એમના જીવનમાં શું સ્થાન ધરાવો છો? જો તમે પણ તમારા પાર્ટનર સાથે આ ‘બર્ડ ટેસ્ટ’ કરવા માગતા હો તો અહિં પ્રસ્તુત છે એની જાણકારી…

પાર્ટનર પર શી રીતે કરશો ‘બર્ડ ટેસ્ટ’?
સંબંધો ચકાસવા માટેનો આ રિલેશનશિપ ટેસ્ટ (Relationship Test) ઘણો જ આસાન પણ છે અને મુશ્કેલ પણ! એમાં તમારે તમારા પાર્ટનરને કહેવાનું છે, “જુઓ તો…કેટલું સુંદર પંખી છે!!”… આ વાક્ય બોલ્યા પછી તમારે તમારા પાર્ટનરના રિએક્શનની રાહ જોવાની છે. જો તમારો પાર્ટનર આ વાત પર ધ્યાન આપે અને પોઝિટિવ રિએક્શન (Reaction) આપે તો જાણી લો કે, એ તમારી નાનામાં નાની બાબતને પણ મહત્વ આપે છે અને તમારી સાથે સંવેદનાત્મક જોડાણ અને અભિગમ, બંને ધરાવે છે. પરંતુ, જો…એ તમારી વાતને ઉડાવી દે કે અવગણે તો એ સંકેત છે કે એ તમારી સાથે એટલું ભાવનાત્મક જોડાણ (Emotional Bonding) ધરાવતો નથી અથવા તો તમારાથી ડિસકનેક્ટેડ મહેસૂસ કરે છે!

ક્યારે કરશો આ ‘બર્ડ ટેસ્ટ’?
આ ટેસ્ટ જેટલો સરળ લાગે છે એટલો હકીકતમાં છે નહિં! જ્યારે તમારો પાર્ટનર (Partner) કોઇ કામમાં વ્યસ્ત હોય ત્યારે આ ટેસ્ટ કરવાનો રહેશે. આવું કરવાથી તમે રિલેશનશિપની ગહનતાનો તાગ મેળવી શકો છો. જો તમારો પાર્ટનર તમારી વાત પર ધ્યાન આપે તો તમે મહત્વના છો એ દર્શાવે છે. પણ જો તે કેવળ ‘હા….હમ્’ વગેરે જવાબો આપે તો તમારે સાવધાન રહેવાની જરુર છે!

‘Bird Test’ ના આઇડિયાનું મૂળ ક્યાં છે?
જ્હોન ગોટમેન (John Gottman) નામના એક વિખ્યાત રિલેશનશિપ રિસર્ચરના એક કન્સેપ્ટ ‘Bids for connection’ પર આધારિત આ ટેસ્ટ છે. એમને આ રિસર્ચ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, સફળતમ સંબંધોમાં પાર્ટનર્સ, એક-બીજાની સાથે ‘સ્મૉલ બિડ્સ’ અર્થાત્ નાના-નાના સંબંધ-મણકાઓથી જોડાયેલા રહે છે જેમ કે, વાતો કરવી, કશુંક બતાવવું, મજેદાર વસ્તુઓ શૅર કરવી આ તમામ બાબતો પર તેઓ હકારાત્મક પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.
આ પણ વાંચો: જો તમે તમારા સંબંધોમાં ખોવાયેલો રોમાંસ પાછો લાવવા માંગતા હોવ તો આ ટિપ્સને ફોલો કરો
આ પણ વાંચો: જો સંબંધોમાંથી રોમાંસ ગાયબ થઈ રહ્યો છે, તો તરત જ કરો આ 5 કામ
આ પણ વાંચો: હેપ્પી કપલમાં હોય છે આ 7 આદતો, શું તમારામાં એ છે ખરી?- રિલેશનશિપ એક્સપર્ટ
