New Delhi News : ભારતમાં પાસપોર્ટ (Passport)સેવાઓએ છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર વિકાસ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA)ના અધિકારીઓએ જણાવ્યું છે કે વર્ષ 2025 દરમિયાન દેશભરમાં 1.5 કરોડથી વધુ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તેમાં માત્ર પાસપોર્ટ જારી કરવાની સંખ્યા 1.39 કરોડ રહી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ સેવા કેન્દ્ર (Passport Service India) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSK) ખાતે અરજીની પ્રક્રિયા હવે 45 મિનિટથી પણ ઓછા સમયમાં પૂર્ણ થઈ રહી છે. પોલીસ વેરિફિકેશનને બાદ કરતાં સામાન્ય રીતે પાસપો
ર્ટ જારી થવામાં અંદાજે છ કાર્યકારી દિવસનો સમય લાગે છે.
પાસપોર્ટ (Passport)સેવાના માળખામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. દસ વર્ષ પહેલાં દેશમાં માત્ર 77 પાસપોર્ટ કેન્દ્રો કાર્યરત હતા, જ્યારે હાલમાં તેમની સંખ્યા વધીને 545 થઈ ગઈ છે. એટલે કે કેન્દ્રોની સંખ્યામાં લગભગ છ ગણો વધારો નોંધાયો છે. વિદેશ મંત્રાલયે ગયા વર્ષે 10 નવા POPSK શરૂ કર્યા હતા અને ચાલુ વર્ષે વધુ 10 કેન્દ્રો શરૂ કરવાની યોજના જાહેર કરી છે.
ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ વધુ સરળ બની રહી છે. MEAના જણાવ્યા અનુસાર, 2019માં ભારતીયોને વિઝા-મુક્ત પ્રવેશ આપતા દેશોની સંખ્યા 16 હતી, જે હવે વધીને 27 થઈ ગઈ છે. ઉપરાંત, 47 દેશો ભારતીયોને વિઝા-ઓન-અરાઈવલની સુવિધા આપે છે, જ્યારે 66 દેશો ઇ-વિઝા સેવા પ્રદાન કરે છે.
વિદેશ મંત્રાલયે યુરોપ સહિત અનેક દેશો સાથે મોબિલિટી કરારો કર્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે અવરજવર વધુ સરળ બની છે. સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રેશન સંબંધિત મુદ્દાઓને અસરકારક રીતે સંભાળવા માટે પણ આ કરારો મદદરૂપ બની રહ્યા છે.
14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે (S Jaishankar)પાસપોર્ટ સેવાઓના આધુનિકીકરણ અને ડિજિટલ પરિવર્તનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે અપગ્રેડેડ Passport Seva Programme (PSP V2.0) અને Global Passport Seva Programme (GPSP V2.0)ના અમલીકરણથી વિશ્વભરના ભારતીયોને વધુ ઝડપી અને પારદર્શક સેવાઓ મળી રહી છે.
જયશંકરે જણાવ્યું કે ચિપ આધારિત ઇ-પાસપોર્ટ ((Passport))નું સફળ અમલીકરણ ભારતની પાસપોર્ટ વ્યવસ્થાને વૈશ્વિક સુરક્ષા ધોરણો સાથે સુસંગત બનાવે છે. તેમણે પાસપોર્ટ સેવા કાર્યક્રમની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Minimum Government, Maximum Governance’ વિઝનને આપ્યો.
ઉલ્લેખનીય છે કે પાસપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનું સત્તાવાર દસ્તાવેજ છે અને તે નાગરિકતાનો અંતિમ પુરાવો માનવામાં આવતો નથી. તેમ છતાં, આધુનિક ટેક્નોલોજી અને વિસ્તરતા નેટવર્કના કારણે ભારતની પાસપોર્ટ સેવાઓ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને નાગરિક-કેન્દ્રિત બની રહી છે.
