સુરેન્દ્રનગર/ પાટડીની યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ વાળનું દાન

પાટડીની પચ્ચીસ વર્ષની ડબલ ગ્રેજ્યુએટ યુવતી માથાના લાંબાકાળા વાળ અને ઘુંધરાલી લટો આ બધુ કપાવી માથે મુંડન કરાવી નાખે એ માનવામાં ન આવે એવી વાત છે, છતાં પાટડીમાં આ ઘટના બની છે

Gujarat
16 12 પાટડીની યુવતિએ કેન્સર પિડીતો માટે કર્યુ વાળનું દાન

પાટડીની પચ્ચીસ વર્ષની ડબલ ગ્રેજ્યુએટ યુવતી માથાના લાંબાકાળા વાળ અને ઘુંધરાલી લટો આ બધુ કપાવી માથે મુંડન કરાવી નાખે એ માનવામાં ન આવે એવી વાત છે. છતાં પાટડીમાં આ ઘટના બની છે. જેમાં પાટડીની ડબલ ગ્રેજ્યુએટ યુવતિએ કેન્સર પિડીતો માટે કેશદાન કરી આજના હળાહળ કળયુગમાં માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે.

પાટડી પાંચહાટડી વિસ્તારમાં આવેલા અધ્યારૂના ડહેલામાં રહેતી વૃત્તિ મુકેશભાઇ અધ્યારૂ એમ.એ. ઇંગ્લીશ, પીજીડીસી કરેલી યુવતિ છે. તેમને એક સદકાર્યના હેતુથી પોતાના લાંબા કાળા વાળ અને લટો કેન્સરતી પીડિત માથાના વાળ ગુમાવી ચૂકેલી બહેનો માટે પાટડી ભાણાભાઇ વાણંદના સલૂનમાં વાળનું દાન કરી આજના હળાહળ કળયુગમાં પણ માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે.

પાછલા ઘણા સમયથી વૃત્તિને માનવસેવા માટે કાંઇક કરવાની ઇચ્છા હતી અને ઈન્ટરનેટ પર વિવિધ સાઇટ્સ પરથી માહિતી મેળવી અને “મદાત ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઇ”ને પસંદ કર્યુ. અને ત્યાંથી એજ્યુકેશન ઓફ સોશિયલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર (વિસનગર- જી.મહેસાણા )ના પ્રેસિડેન્ટ તૃપલભાઇ પટેલનો સંપર્ક કરવા જણાવાયું હતુ. ત્યારે પાટડીની વૃત્તિ અધ્યારૂએ અંગત ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું એક સ્ત્રી છુ અને સ્ત્રી માટે માથાના વાળનું મૂલ્ય શું છે તે સમજુ છુ. અને એવી સ્ત્રી કે જેણે બિમારીથી પોતાના વાળ ગુમાવ્યા છે. અને ફરી ક્યારેય આવવાના નથી. તેની અસહ્ય પીડા, વેદના હું અનુભવી શકુ છુ. તેથી જ આવી બહેનો માટે મને ખુબ ગમતા મારા લાંબા, કાળા અને ચમકદાર વાળ, સરસ મજાની લટો સહિત દાન કરવાનું સહર્ષ પસંદ કર્યુ.

પાટડીની વૃત્તિ અધ્યારૂના માતા-પિતા ઉષાબહેન અને મુકેશભાઇએ પ્રતિભાવ આપેલ કે, લોકો માનવસેવા માટે રક્તદાન તેમજ વિવિધ અંગોનું દાન દાન કરે છે. અમારી દિકરીને કેન્સરમાં વાળ ગુમાવી ચૂકેલી બહેનો માટે કેશ દાન કરવાની ઇચ્છા થઇ તો અમે તેને ખુશીથી વધાવી લીધી. અન્ય સ્ત્રીઓની જેમ વૃત્તિને પણ તેના લાંબા કાળા ચમકદાર વાળ, લટો ખુબ જ ગમતા. વૃત્તિએ તેની પ્રિય વસ્તુનું માનવસેવા અર્થે દાન કર્યું તેનું અમને ગૌરવ છે.

પાટડી વાળ લેવા આવેલા ઇ.એસ.એસ.આર.સી.ના પ્રેસિડેન્ટ તૃપલભાઇ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, તેમની ટાટા મેમોરિયલ ટ્રસ્ટ સાથે સંલગ્ન આ સંસ્થા ઘણા વર્ષોથી આ સદકાર્ય કરે છે. અને એમાં મળેલા વાળ મંગલ આનંદ હોસ્પિટલ (મુંબઈ)ને મોકલી દેવામાં આવે છે. ત્યાંથી વાળની વિગ બનાવવામાં આવે છે. જેનો ખર્ચ અઢારથી વીસ હજાર જેટલો થાય છે. અને કેન્સરથી વાળ ગુમાવેલી બહેનોને વિના મૂલ્યે અપાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની જાણ મુજબ કેશદાનનો પ્રસંગ સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલો જ છે. પાટડીના શિક્ષિત પરિવારની શિક્ષિત દિકરીના ઉમદા કાર્યથી સમાજને પ્રેરણાની સાથે જાગૃતિ આવશે.