New Delhi News : ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, અધ્યક્ષ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા 19 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરી, 2026ના રોજ પૂર્ણ થશે. આ સાથે જ નીતિન નવીન (Nitin Naveen)ના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના રસ્તા લગભગ નિશ્ચિત થઈ ગયા છે.
ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી અને રાજ્યસભા સાંસદ કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, 19 જાન્યુઆરીએ બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઉમેદવારો નામાંકન પત્રો દાખલ કરી શકશે. તે જ દિવસે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે સાંજે 5 થી 6 વાગ્યા સુધી નામાંકન પાછા ખેંચવાની પ્રક્રિયા રહેશે.
જો એકથી વધુ ઉમેદવારો મેદાનમાં રહેશે તો 20 જાન્યુઆરીએ મતદાન યોજાશે અને તે જ દિવસે નવા ચૂંટાયેલા ભાજપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાશે.
ઉલ્લેખનીય છે કે નીતિન નવીન (Nitin Naveen) ને અગાઉ 14 ડિસેમ્બરે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ, તેઓ બિનહરીફ ચૂંટાઈ આવવાની શક્યતા છે, કારણ કે અન્ય કોઈ વરિષ્ઠ નેતા દાવો કરે તેવી શક્યતા અત્યંત ઓછી માનવામાં આવી રહી છે.
નીતિન નવીન (Nitin Naveen)કોણ છે?
નીતિન નવીન (Nitin Naveen) પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિંહના પુત્ર છે. તેઓ સંગઠન પ્રત્યેની મજબૂત નિષ્ઠા, તીક્ષ્ણ ભાષા અને દ્રઢ વૈચારિક અભિગમ માટે જાણીતા છે. 45 વર્ષીય નીતિન નવીન બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની NDA સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.
પાંચ વખત ધારાસભ્ય રહેલા નીતિન નવીન (Nitin Naveen) પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ બિહાર સરકારમાં બે વખત મંત્રી રહ્યા છે તેમજ છત્તીસગઢના ભાજપ પ્રભારી તરીકે તેમનો કાર્યકાળ પણ પ્રશંસનીય રહ્યો છે. આ દરમિયાન સંગઠનને મજબૂત બનાવવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે સામે આવી હતી.
ભાજપના આંતરિક સૂત્રો મુજબ, સંગઠન અને RSS સાથેની તેમની ગાઢ જોડાણ અને વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને પાર્ટીનું ટોચનું નેતૃત્વ તેમના નામ પર સહમતિ ધરાવે છે.
