Not Set/ પ્રજાને ભિખારી ન કહેવાય

1. તાજનો સાક્ષી નહીં, પણ સાક્ષી વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન સરકાર તરફથી હોસ્પિટલમાં વિનામૂલ્યે અપાતી સીટી સ્કેન સહિતની સુવિધાનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો. જેમાં ભાગ લેતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં મળતી કંગાળ સુવિધાનો હું તાજનો સાક્ષી છું. વ્યવસાયે વકીલ રહી ચૂકેલા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ તરત જ તેમને અટકાવ્યા અને હસીને […]

Mantavya Exclusive
WhatsApp Image 2021 03 20 at 6.31.30 PM 2 પ્રજાને ભિખારી ન કહેવાય
1. તાજનો સાક્ષી નહીં, પણ સાક્ષી
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમ્યાન સરકાર તરફથી હોસ્પિટલમાં વિનામૂલ્યે અપાતી સીટી સ્કેન સહિતની સુવિધાનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો. જેમાં ભાગ લેતા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં મળતી કંગાળ સુવિધાનો હું તાજનો સાક્ષી છું. વ્યવસાયે વકીલ રહી ચૂકેલા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ તરત જ તેમને અટકાવ્યા અને હસીને કહ્યું, જે ગુનેગાર હોય એ જ તાજનો સાક્ષી હોય માટે શબ્દ સુધારો. હું સાક્ષી છું એમ કહો.
2. કોંગ્રેસના સભ્યો તરફ નહી જોવાનું
બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંગે ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડયાએ પ્રશ્ન પુછેલો. જેના મુદ્દા જણાવવા શશીકાંત બોલી રહયા હતા ત્યારે બાજુની કતારમાં બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે વચ્ચે કોમેન્ટ પાસ કરી રહયા હતા. જેનાથી શશીકાંત પંડ્યા વિચલિત થતા તરત જ અધ્યક્ષે તેમને કહ્યું, એ બાજુ ન જુઓ. કૉમેન્ટ્સ થી અકળાયેલા શશીકાંત બોલ્યા, સાહેબ જુઓને ડીસ્ટર્બ કરે છે. અધ્યક્ષે હસતા હસતા કહ્યું, એ તો એવું જ ચાલવાનું, આગળ બોલો.
3. ભીખાભાઇ ખેડૂતોની ચિંતા અમને કરવા દો
પ્રધાનમંત્રી કૃષિ યોજના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જવાબ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ જુનાગઢ માં આ યોજનાનો લાભ ખેડુતો ને મળતો ન હોવાની વાત કરતા નીતિન પટેલે તેમને કટાક્ષમાં જવાબ આપ્યો હતો. નીતિન પટેલે કહ્યું, ભીખાભાઇ તમે વકીલની સલાહ લો અને તમારા પર ચાલી રહેલા કેસની ચિંતા કરો. ખેડૂતો ની ચિંતા અમને કરવા દો.
4. માસ્ક પહેરો અથવા ઓક્સિજન માસ્ક પહેરો
અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહમાં શિસ્ત પાલનના આગ્રહી છે. ધારાસભ્યો ને તેમના તરફથી અનેક વખત માસ્ક પહેરી રાખવા સૂચના અપાય છે. આ જ સંદર્ભે મંત્રી આર. સી. ફળદુ અને અધ્યક્ષ વચ્ચે ગૃહ બહાર વાત થઈ હશે જેને યાદ કરતા ગૃહમાં અધ્યક્ષે જણાવ્યું કે, ફળદુ તમે કહેતા હતા ને કે માસ્ક પહેરી રાખવાનું અઘરો વિષય છે. પણ આ માટે એક જ વિકલ્પ છે, માસ્ક પહેરો અથવા હોસ્પિટલમાં જઈને ઓક્સિજન માસ્ક પહેરો.
5. ‘લોકશાહીના ધબકારા’માં માત્ર નીતિનકાકા જ કેમ દેખાય?
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે માહિતી અને પ્રસારણ વિભાગની ચર્ચામાં ભાગ લેતા માગણી મૂકી કે, સરકાર તરફથી વિધાનસભા ગૃહની કામગીરી દર્શાવતો કાર્યક્રમ ‘લોકશાહીના ધબકારા’ દરોજ વિવિધ ન્યુઝ ચેનલો પરથી પ્રસારિત કરાય છે. આ કાર્યક્રમમાં માત્ર નીતિનકાકા જ કેમ દેખાય? અમારા પરેશભાઈ પણ દેખાય તેવું કરો. પ્રજા જાણવા માગે છે કે કોંગ્રેસ ના ધારાસભ્યો ગૃહમાં શુ કરે છે.
6. ધારાસભ્યો અને પત્રકારો ને માસ્ક વિતરિત કરાયા
ગૃહમાં મંગળવારે ધારાસભ્યો ના પોઝિટિવ આવવાથી ગૃહમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહમાં માસ્ક પહેરી રાખવા મુદ્દે કડક પાલન કરાવતા હોય છે ત્યારે અધ્યક્ષ તરફથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના ધારાસભ્યો ને આરોગ્ય વિભાગ પાસેથી મેળવેલા N-95 માસ્ક વિતરિત કરાયા હતા. જેના પગલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો એકસરખા માસ્કમાં જોવા મળ્યા હતા. પત્રકારોને પણ  અધ્યક્ષ તરફથી N-95 માસ્ક અપાયા હતા.
7. પ્રજાને ભિખારી ન કહેવાય
ગૃહમાં વિભાગોની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય પુનમભાઈ પરમારે કહ્યું કે, પ્રજાની હાલત ભિખારી જેવી થઈ ગઈ છે. તરત જ અધ્યક્ષે તેમને અટકાવ્યા અને કહ્યું, પ્રજાને ભિખારી ન કહેવાય. અધ્યક્ષની ટકોર છતાં પણ પુનમભાઈ પરમારે તેમના વક્તવ્યમાં આ વાક્યનો ફરી ઉપયોગ કરતા અધ્યક્ષ અકળાયા હતા અને તેમને સમજાવ્યુ કે પ્રજા પાસે તો આપણે મતનું દાન લેવા જઈએ છીએ તો પ્રજાને ભિખારી કેવી રીતે કહી શકાય? પુનમભાઈ પરમારે સોરી કહીને અધ્યક્ષની માફી માગી હતી. જોકે ચર્ચા પૂર્ણ થયા બાદ શિક્ષણમંત્રીએ પણ પુનમભાઈ ના આ વાક્યની નોંધ લઈ બોલ્યા કે, આજે શિક્ષણ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં પુનમભાઈ પરમારને બાદ કરતાં બધા ધારાસભ્યો એ તેમની વાત શિષ્ટ ભાષામાં વિશિષ્ટ રીતે રજૂ કરી.
8. વિપક્ષના મુદ્દાઓ પર ધ્યાન આપવા સીએમની ટકોર
શિક્ષણ વિભાગની માગણીઓ પરની ચર્ચા બાદ બોલવા ઉભા થયેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ગૃહમાં જણાવ્યું કે, આજે મળેલી કેબિનેટ બાદ મુખ્યમંત્રી એ જે સુંદર વાત કરી તે મારે ગૃહ સમક્ષ કહેવી છે. તેમણે ઉમેર્યું કે, કેબિનેટ બાદ મુખ્યમંત્રી એ સીએસ ની હાજરીમાં સેક્રેટરીઓને સૂચના આપી કે વિપક્ષના સભ્યો આપણું ધ્યાન દોરે છે અને તેમણે આપેલા મુદ્દા પર ધ્યાન આપી વિભાગો તેનો ઉકેલ લાવે.