peshawar-blast/ પાકિસ્તાનમાં ખદબદી રહેલો આતંક

પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પેશાવર પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા…

Mantavya Exclusive
Terror in Pakistan

Terror in Pakistan: પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને પાર પહોંચી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. પેશાવર પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, 221 ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, આવો જોઈએ પાકિસ્તાનમાં ખદબદી રહેલા આતંકવાદ વિશે…

રાજધાની ઈસ્લામાબાદમાં સંસદના ઉપલા ગૃહમાં આતંકવાદી હુમલાનો મામલો ઉઠાવવામાં આવ્યો હતો. હુમલાને રોકવામાં નિષ્ફળતા સામે સાંસદોએ રોષ વ્યક્ત કર્યો હતો. કહ્યું કે સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવી જોઈએ. જમાત-એ-ઈસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે કહ્યું કે આ સત્ર બંધ રૂમમાં યોજવું જોઈએ. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવી શકાય. તેમણે કહ્યું કે આપણો દેશ ગરીબ હોવા છતાં સશસ્ત્ર દળો, ન્યાયતંત્ર અને પોલીસને અબજો ડોલર આપી રહ્યો છે, તેથી સુરક્ષા સંસ્થાઓને એ પૂછવાનો અધિકાર છે કે આવી ઘટનાઓ કેમ બની રહી છે અને ગુપ્તચર એજન્સીઓ હુમલાને રોકવામાં કેમ નિષ્ફળ રહી છે.

ટીટીપીએ ગયા વર્ષે તેના કમાન્ડરની હત્યા બાદ પાકિસ્તાન સામે ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યારે ટીટીપીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેઓ કથિત ડુરંડ લાઇનની બંને બાજુ ઇસ્લામિક અમીરાત સ્થાપશે. આ વિસ્તારમાં પાકિસ્તાનના પેશાવર, ખૈબર પખ્તુનખ્વા, મલાકંદ, મર્દાન, ડેરા ઈસ્માઈલ ખાન, બન્નુ, કોહાટ અને ઝોબનો સમાવેશ થાય છે, જેમાં ટીટીપી સક્રિય છે. તેણે આ પ્રદેશને 2 પ્રાંતોમાં વિભાજિત કર્યો. અફઘાનિસ્તાનના વિસ્તારમાં તેનું નિયંત્રણ છે.

પાકિસ્તાનમાં છેલ્લાં 22 વર્ષમાં 15,997 આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં 28,918 લોકો માર્યા ગયા છે. એટલે કે રોજના સરેરાશ 4 લોકોનાં મોત થયાં હતાં. આ વર્ષે 30 જાન્યુઆરી સુધી પાકિસ્તાનમાં 31 આતંકી હુમલા થયા છે જેમાં 4 નાગરિકો સહિત 140 જવાનો શહીદ થયા હતા. 2022માં 365 હુમલા થયા જેમાં 229 લોકો માર્યા ગયા, 379 સૈનિકોએ જીવ ગુમાવ્યો.

હુમલામાં માર્યા ગયેલા ફિદાયીનનું માથું કબજે કરવામાં આવ્યું છે. TTP કમાન્ડર ઉમર ખાલિદ ખુરાસાનીના ભાઈએ દાવો કર્યો છે કે આ હુમલો તેના ભાઈની હત્યાનો બદલો હતો. TTP પાસે વિશાળ ઓપરેશનલ ક્ષમતાઓ, મજબૂત રાજકીય પહોંચ અને અંદાજિત 7 અબજ યુએસ ડોલરના લશ્કરી સાધનો હોવાનું માનવામાં આવે છે. તેને પડોશી દેશની સત્તાનો સીધો ટેકો મળે છે.

પાકિસ્તાનના પેશાવર શહેરમાં પોલીસલાઇનમાં બનેલી મસ્જિદની અંદર બ્લાસ્ટ થયો છે, જેને ફિદાઈન હુમલો જણાવવામાં આવે છે. લોકલ મીડિયા ખૈબર ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 59 પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે. 150થી વધુ લોકો ઘાયલ થયા હોય એવું જાણવા મળ્યું છે, તેમાંથી 47 લોકોની સ્થિતિ ગંભીર છે.

એક સાક્ષીએ કહ્યું- નમાઝ સમયે મસ્જિદમાં 550 જેટલા લોકો હાજર હતા. ફિદાઈન હુમલો કરનાર વચ્ચેની કોઈ લાઇનમાં હતો. તે પોલીસલાઇનમાં કેવી રીતે પહોંચ્યો એની કોઈ સ્પષ્ટતા મળી નથી, કેમ કે અહીં અંદર જવા માટે ગેટ પાસ બતાવવો પડે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મસ્જિદ ધરાશાયી થઈ ગઈ છે અને એના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાનું માનવામાં આવે છે.

જિયો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટ ખૂબ જ શક્તિશાળી હતો અને એનો અવાજ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસલાઇનમાં રહેલા લોકોના જણાવ્યા પ્રમાણે, આ ધમાકા પછી ધૂળ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એ પછી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.

પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોનના અહેવાલ પ્રમાણે આ વિસ્ફોટ લગભગ 1.40 વાગે થયો હતો. ધમાકાની સૂચના મળ્યા પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને તેની નિંદા કરી છે. ભૂતપૂર્વ હ્યુમન રાઇટ્સ મિનિસ્ટર શિરીન મઝારીએ પણ ટ્વીટ કરીને કહ્યું- ‘અમારી પોલીસ આતંકવાદીઓ સામે ફ્રન્ટલાઈન ડિફેન્ડર્સ છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને સાધનો સહિત વધુ સારાં સંસાધનોની જરૂર છે’

ઇસ્લામાબાદના ઇન્સ્પેક્ટર જનરલ ડૉ. અકબર નાસિર ખાને રાજધાનીમાં “સિક્યોરિટી હાઇ-એલર્ટ” રાખવાના નિર્દેશો જારી કર્યા હતા, ઇસ્લામાબાદ પોલીસ દ્વારા એક ટ્વિટમાં આ અંગે જણાવાયું હતું. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન – TTPએ આ હુમલાની જવાબદારી લીધી છે. આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન – TTP પાકિસ્તાનનું ખાસ પ્રભુત્વ છે અને ભૂતકાળમાં પણ આ જ સંગઠને અહીં હુમલો કરવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. જેમાં ઘાયલોને હોસ્પિટલ લઈ જતા જોઈ શકાય છે.

પાકિસ્તાન તાલિબાનના કમાન્ડર ઉમર ખાલિદ ખુર્સાનીના ભાઈએ આ આત્મઘાતી હુમલાની જવાબદારી લેતા કહ્યું હતું કે આ હુમલો બદલો લેવા માટે કર્યો છે. તેના ભાઈને એટલે કે ઉમર ખાલિદને અફઘાનિસ્તાનમાં ગત વર્ષે ઓગસ્ટમાં ઠાર કરવામાં આવ્યો હતો, એનો બદલો લેવા માટે આ હુમલો થયો હતો. હુમલામાં માત્ર સૈનિકો-પોલીસ કર્મચારીઓ જ નહીં, સામાન્ય નાગરિકોનો પણ ભોગ લેવાયો હતો.

બધા જ ઘાયલ લોકોની સારવાર માટે પેશાવરના લેડી હાર્ડિંગ હોસ્પિટલ શરૂ કરાઈ છે. હોસ્પિટલ તરફથી આવેલા નિવેદનમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સામાન્ય લોકો જેટલું બની શકે એટલું જલદી બલ્ડ ડોનેટ કરવા માટે હોસ્પિટલ પહોંચે. આ દરમિયાન મિલિટરીના ડોક્ટરોની એક ટીમ પણ આ હોસ્પિટલ પહોંચી ગઈ છે.

16 ડિસેમ્બર 2014ના રોજ પેશાવરના આર્મી પબ્લિક સ્કૂલ ઉપર આતંકી હુમલો થયો હતો, જેમાં 148 લોકો માર્યા ગયા હતા. એમાં 132 સ્કૂલનાં બાળકો હતાં. આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન – TTPએ હુમલાની જવાબદારી લીધી હતી.

પાકિસ્તાનમાં TTPના હુમલાઓ સતત વધી રહ્યા છે, જેના નિશાનામાં રાજધાની ઇસ્લામાબાદ પણ આવી ગઈ છે. ગયા મહિને ઇસ્લામાબાદમાં એક આત્મઘાતી હુમલો થયો હતો. એમાં એક પોલીસ ઓફિસર માર્યો ગયો અને 6 લોકો ઘાયલ થયા હતા. એ પછી શાહબાજ શરીફે કેબિનેટ મીટિંગ બોલાવી હતી. મીટિંગ પછી હોમ મિનિસ્ટર રાણા સનાઉલ્લાહે કહ્યું- પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. જો અફઘાનિસ્તાનની તાબિલાન હકૂમત TTPએ અટકાવી નહીં તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારીશું.

TTPને લઈને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ખૂબ જ ખતરનાક સ્વરૂપ લઈ રહ્યો છે. બંને દેશની વચ્ચે ડૂરંડલાઇન પર તમામ એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે બે મહિનામાં બંને દેશની વચ્ચે ફાયરિંગમાં લગભગ 16 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.

પેશાવરમાં પોલીસ લાઈન મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલાથી પાકિસ્તાની સેના હચમચી ગઈ છે. હુમલાની તીવ્રતા એટલી હતી કે મસ્જિદની છત ઉડી ગઈ હતી. આ હુમલામાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ છે. મૃતકોમાં મોટાભાગના પાકિસ્તાની પોલીસ અને સેનાના જવાનો છે. આ મામલે તપાસ કરી રહેલી પોલીસના હાથ હજુ ખાલી છે. જોકે, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી ચોક્કસપણે લીધી છે. આ હુમલા બાદ તરત જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને ગુપ્તચર એજન્સી ISI ચીફ નદીમ અંજુમ સહિત પોલીસ અધિકારીઓ અને અન્ય વહીવટી લોકો સામેલ હતા.

બેઠક બાદ પાકિસ્તાન સેનાએ કહ્યું કે તે પોલીસ લાઈન વિસ્તારમાં મસ્જિદ પર થયેલા આત્મઘાતી હુમલા માટે જવાબદાર દોષિતોને ન્યાયના કઠેડામાં લાવશે. તેમણે કહ્યું કે ગુનેગારો કોઈપણ હોય, તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. પાકિસ્તાની સેનાએ વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે મુલાકાત કર્યા બાદ કોર્પ્સ કમાન્ડરની કોન્ફરન્સ યોજી હતી અને આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. પાકિસ્તાન આર્મીની બેઠકમાં તમામ કોર્પ્સના કમાન્ડરો સહિત ISIના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને રોકવાનો હતો.

ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ -ISPR દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, જનરલ હેડક્વાર્ટર ખાતે 255મી કોર્પ્સ કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાઈ હતી અને તેની અધ્યક્ષતા ચીફ ઓફ આર્મી સ્ટાફ -COAS જનરલ અસીમ મુનીરે કરી હતી. આ દરમિયાન, તમામ કમાન્ડરોને વર્તમાન અને ઉભરતા જોખમો, જમ્મુ અને કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને જેએમમાં આતંકવાદીઓ અને તેમના સપોર્ટ નેટવર્ક વચ્ચેના જોડાણને તોડવા માટે કરવામાં આવી રહેલી ગુપ્ત માહિતી આધારિત કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ પેશાવર હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને સંકલ્પ કર્યો કે ગુનેગારોને અનુકરણીય સજા દ્વારા ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

બેઠકમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું કે આવા અનૈતિક અને કાયરતાપૂર્ણ કૃત્યો દેશના સંકલ્પને ડગમગાવી શકશે નહીં અને કોઈપણ આતંકવાદી સંગઠનો સામે વિના સંકોચે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં સફળતા મેળવવાનો સંકલ્પ પણ લીધો હતો. COASએ તમામ સેના કમાન્ડરોને ગુપ્તચર અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરીને આતંકવાદ વિરોધી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં સુધી સ્થાયી શાંતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલામાં 10 જવાનો શહીદ થયાના સમાચાર સામે આવ્યાં. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું કે, બલૂચિસ્તાનનાં કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.. સેનાની મીડિયાએ પણ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના 25થી 26 જાન્યુઆરીની વચ્ચે રાત્રે બની હતી, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને અન્ય ઘણાં ઘાયલ થયા હતાં.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સશસ્ત્ર દળો આપણી ધરતી પરથી આતંકવાદીઓને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે, ગમે તેટલી કિંમત હોય. અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાન પાકિસ્તાન માટે ખરાબ સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી એક મહિનાના યુદ્ધવિરામ હોવા છતાં આતંકવાદી હુમલાની સંખ્યામાં ઘટાડો થયો નથી. પાકિસ્તાનમાં દર મહીને આતંકવાદી હુમલાઓની સરેરાશ સંખ્યા 2020 માં 16 થી વધીને 2021 માં 25 થઈ ગઈ છે, જે 2017 પછી સૌથી વધુ છે.

ડેટા દર્શાવે છે કે, બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. જ્યાં 103 હુમલાઓમાં 170 લોકોનાં મોત થયા છે. રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનમાં સૌથી વધુ ઘાયલોની સંખ્યા પણ નોંધાઇ છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોમાંથી 50 ટકાથી વધુ લોકો આ પ્રાંતમાં જ હુમલાનો વધુ શિકાર થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બલૂચિસ્તાન પછી ખૈબર પખ્તુનખ્વા બીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલને લઈને નિષ્ણાંતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ માને છે કે, પાકિસ્તાન જાહેરમાં તાલિબાનને સમર્થન આપી રહ્યું છે, જેનાથી માત્ર પ્રાદેશિક સંઘર્ષ વધશે.

પાકિસ્તાની સરકારોએ ઝેર પાઈને ઉછરેલા આ તાલિબાની આતંકવાદીઓ હવે નાગરિકોને નિશાન બનાવવા લાગ્યા હોવાથી પાકિસ્તાની યુઝર્સે સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની ટીકા કરતા કહ્યું હતું કે ઈસ્લામમાં આવા કૃત્યોની કોઈ જ પરવાનગી નથી આપવામાં આવતી. આ હુમલાનો જવાબ આપવામાં આવશે અને આખો દેશ આતંકવાદ સામે લડશે.

જોકે, હકીકત એ છે કે પાકિસ્તાન અને ચીન વૈશ્વિક મંચ પર આતંકવાદીઓને બચાવતા આવે છે. પાકિસ્તાન તો મસૂદ અઝહરથી થઈને હાફિઝ સઈદ સહિતના અસંખ્ય આતંકવાદીઓને છાવરે છે. યુએન આવા આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકે છે છતાં આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં રહીને ભારત સહિતના દેશોમાં આતંકવાદી હુમલા કરે છે. પાકિસ્તાને અમેરિકા પાસેથી આટલા વર્ષોમાં આતંકવાદના ખાતમા માટે અબજો ડોલરનું ફંડ મેળવ્યું છે, છતાં એ જ ફંડનો ભારતમાં આતંકવાદી હુમલા કરાવવા માટે પાકિસ્તાન ઉપયોગ કરે છે. પાકિસ્તાનની સરકારોની આ અનીતિના કારણે હવે સામાન્ય નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે.

આ પણ વાંચો: Budget/રાહુલ ગાંધી હાફ શર્ટમાં સંસદ પહોંચ્યા, કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા ઝિંદાબાદના નારા