PM Modi Speech: દેશભરમાં આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 13મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કર્યા.
રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ દેશના વિકાસ સાથે સામાજિક એકતા અને યુવાનોની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે સમાજમાં હિંસા, અરાજકતા અને વિભાજનને પ્રોત્સાહન આપતી વિચારસરણીથી સાવચેત રહેવાની અપીલ કરી.
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં યુવાનોની ઊર્જા અને તેમની સકારાત્મક વિચારસરણી મહત્વપૂર્ણ છે. તેમણે યુવાનોને હિંસા અને અશાંતિથી દૂર રહીને દેશના વિકાસ, એકતા અને રચનાત્મક કાર્યોમાં જોડાવા અનુરોધ કર્યો.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં નક્સલવાદ અને તેની વિચારધારા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે સરકારના કડક પગલાંને કારણે જંગલ વિસ્તારોમાં સક્રિય સશસ્ત્ર નક્સલવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને સશસ્ત્ર બળવાખોરી અગાઉની સરખામણીએ ઘણી નબળી પડી છે.
જોકે, પીએમ મોદીએ ચેતવણી આપી કે સશસ્ત્ર નક્સલવાદ નબળો પડ્યો હોવા છતાં તેની વિચારધારા સાથે જોડાયેલા તત્વો હજુ પણ સમાજમાં સક્રિય હોઈ શકે છે. આવા તત્વો નવી રીતોથી યુવાનો અને સમાજને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે, તેવી ચિંતા તેમણે વ્યક્ત કરી.
વડાપ્રધાને દેશવાસીઓને આવી વિચારસરણીને ઓળખવા અને તેનાથી સાવચેત રહેવાની અપીલ કરી. ખાસ કરીને યુવાનોને ભટકાવનારા પ્રભાવોથી દૂર રાખીને તેમને ‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય સંકલ્પ સાથે જોડવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.
તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે યુવાનોની શક્તિને યોગ્ય દિશા આપવી જરૂરી છે. વિકાસ, રાષ્ટ્રીય એકતા અને રચનાત્મક વિચારસરણીના માધ્યમથી જ ભારતને વધુ મજબૂત અને વિકસિત બનાવવાની દિશામાં આગળ વધી શકાય છે.
આ પણ વાંચો: 80મા સ્વતંત્રતા દિવસની દેશભરમાં ઉજવણી, લાલ કિલ્લા પર પહેલીવાર ઔપચારિક રીતે ગુંજશે ‘વંદે માતરમ’
આ પણ વાંચો: 15 ઓગસ્ટે પીએમ મોદી કયો રેકોર્ડ બનાવી શકે છે, જાણો આ વખતે લાલ કિલ્લા પર શું હશે ખાસ?
