Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સલુણ ગામે શુક્રવારે સાંજે અગમ્ય કારણોસર 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં પથ્થરમારો થયો હતો અને લાકડીઓ તેમજ અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિણામે 5 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 2 ને વધુ ઈજાઓ થતાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની શરૂઆત સલુણ બસ સ્ટેન્ડ પાસે બનેલી એક સામાન્ય બોલાચાલીથી થઈ હતી. વિશાલ મકવાણા નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તે સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયો હતો, જ્યાં અગાઉના ઝઘડાનું વેર રાખી સંજયે ગાળો ભાંડતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ સંજયે જ્ઞાતિસૂચક શબ્દો બોલ્યા અને 15 જેટલા લોકોનું ટોળું લાકડાના દંડા, ઈંટો અને લોખંડની પાઈપ સાથે ધસી આવ્યું હતું. આ ટોળાએ વિશાલ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો.
સામા પક્ષે પ્રવીણભાઈ તળપદાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ફોઈના દીકરા સંજયની દુકાને કેટલાક લોકો કારમાં આવી હોર્ન વગાડી સિગારેટનું પેકેટ માંગી રહ્યા હતા. દુકાન પર ગ્રાહકો વધુ હોવાથી સંજયે તેમને દુકાને આવીને લઈ જવા કહ્યું હતું, જેના કારણે કારમાં સવાર લોકોએ ગાળાગાળી શરૂ કરી હતી. ત્યારબાદ આ લોકો ટોળું લઈને આવ્યા અને દુકાનદાર સંજય, તેમના સંબંધી સતિષભાઈ અને વિનોદભાઈને માર માર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો.
આ ઘટનાને પગલે નડિયાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી છે. વિશાલ મકવાણાની ફરિયાદમાં 20 લોકો સામે નામજોગ અને 30ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પ્રવીણભાઈ તળપદાની ફરિયાદમાં 8 વ્યક્તિઓના નામ જોગ અને 15થી 20 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે કાર્યવાહી કરતાં સલુણ ગામના ચાર આરોપીઓ ભાવિનસિંહ મહિડા, વિશાલ મકવાણા, સહદેવસિંહ મહિડા અને ધ્રુવીલ પ્રજાપતિની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો: નડિયાદમાં હિટ એન્ડ રનની કરુણ ઘટના, રક્ષિત કાંડની જેમ જ નડિયાદમાં થયું અકસ્માત, યુવકનો ગયો જીવ
આ પણ વાંચો: નડિયાદની શર્મસાર ઘટના! સાત દિવસનાં નવજાત શિશુને અનાથ આશ્રમમાં છોડી દીધું
