સુરત/ પોલીસ કર્મીનો દીકરો વ્યાજના ચક્રમાં ફસાયો, આરોપીએ કરી આટલા લાખની વ્યાજની વસુલાત

વ્યાજખોરો પૈસા આપીને તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ખુદ પોલીસનો દીકરો વ્યાજખોરનો ભોગ બન્યો છે.

Gujarat Surat
વ્યાજખોરો

સુરત શહેરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ખુદ પોલીસનો પરિવાર વ્યાજખોરના ચક્રમાં ફસાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના દીકરાએ એક વ્યાજખોર પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા અને અઢી લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી છતાં વ્યાજખોર પોલીસ પુત્રને પરેશાન કરતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરી છે.

રાજ્યમાં વ્યાજખોર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે જરૂરિયાત મંદ લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને આ વ્યાજખોરો પૈસા આપીને તગડું વ્યાજ વસૂલતા હોવાના અનેક કિસ્સાઓ રાજ્યમાં એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ખુદ પોલીસનો દીકરો વ્યાજખોરનો ભોગ બન્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે નરેશ ચૌહાણ ફરજ બજાવે છે અને નરેશ ચૌહાણના દીકરા કેનિલ ચૌહાણે ડિસેમ્બર 2020માં તેના પરિચિત જનક ચુડાસમા નામના વ્યાજે પૈસા આપનાર વ્યક્તિ પાસેથી 2.50 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ કેનિલ આ વ્યાજખોરના ચક્રમાં ફસાતો ગયો. કેનીલ અને તેના પિતાએ વ્યાજખોરને 2.50 લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી અને છતાં પણ વ્યાજખોર જનક ચુડાસમાની ડાયરીમાં 43 લાખ રૂપિયાનો હિસાબ બાકી હતો.

વ્યાજખોર જનક ચુડાસમાનો ત્રાસ સતત વધતો હોવાના કારણે કેનિલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, વ્યાજખોર જનક ચુડાસમાએ પોતાની કાર કેનિલને કંપનીમાં ભાડે મૂકવા માટે આપી હતી પરંતુ કાર કંપનીમાં ભાડે ન ગઈ હોવા છતાં પણ આ વ્યાજખોર કેનિલ પાસેથી દર મહિને 30 હજાર રૂપિયાના કારના ભાડાની પણ વસુલાત કરતો હતો. તો પોલીસને આરોપી પાસેથી અન્ય કેટલાક લોકોના નામના બેન્કના કોરા ચેક પણ મળી આવ્યા છે. આગામી દિવસોમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે કે, તેને આ પ્રકારે કેટલા લોકોને રૂપિયા વ્યાજે આપ્યા છે. જો કે, પોલીસ પૂછપરછમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો:હળવદના ખેડૂતે કરી ઓર્ગેનિક ખેતી, 400 વીઘાની વાડીમાં દેશી ખાતરથી ખેતી

આ પણ વાંચો:મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક પડયો કૂવામાં, ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ

આ પણ વાંચો:8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપી ઝડપ્યા