Gondal/ ગોંડલમાં રાજકીય ઘમાસાણ : કથીરિયાએ કહ્યું- માના દૂધ પર સવાલ ઉઠ્યા એટલે જવું જરૂરી, જિગીષાએ કહ્યું, ગેંગરેપની ધમકી મળી, બોઘરા બોલ્યા- ગણેશની ભાષા છપરી-ગુંડાની

કેટલાક પાટીદાર આગેવાનોએ વિનુ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં સ્થાપવાને લઈને લડત શરૂ કરી

Gujarat

Gondal News : ગુજરાતમાં ગોંડલ ભગવતસિંહજીના ગોંડલ તરીકે ઓળખાતુ આવ્યું છે. જો કે, આઝાદી પછી અને ખાસ કરીને 1990 પછી તેનો રાજકીય ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. ગોંડલનો રાજકીય ઈતિહાસ લોહિયાળ પણ રહ્યો છે. ગત ચૂંટણીમાં ગોડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામેની બબાલ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. જો કે, અત્યારે ફરી ગોંડલમાં સામાજીક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. વિનુ શિંગાળાની મૂર્તિને ગોંડલમાં સ્થપવાને લઈને શરૂ થયેલી વાત જયરાજસિંહ v/s અલ્પેશ કથીરિયા થવા પામી છે.

કેટલાક પાટીદાર આગેવાનોએ વિનુ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં સ્થાપવાને લઈને લડત શરૂ કરી. સુરતમાં આ અંગેની મિટિંગમાં ગોંડલમાં ગુંડારાજ ચાલતુ હોવાની વાત પણ થઈ. આ વાત સામે આવ્યા પછી બીજા દિવસે ગોંડલના ગણેશ જાડેજાએ એક જાહેર સભા કરી. આ સભામાં તેમણે વિનુ શિંગાળા માટે લડાઈ શરૂ કરનારા જિગીષા પટેલ,અલ્પેશ કથીરિયા અને મેહુલ બોઘરા સહિતના લોકો પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, તમારા માનું ધાવણ ધાવ્યું હોય અને તાકાત હોય તો આડા આવી જજો.ગોંડલમાં આવી જજો.તેમણે પોતાના ઘરનું એડ્રેસ પણ આપ્યું અને આ લોકોને ગોંડલ આવવા ચેલેંજ ફેંકી.

આ ઘટનાના 48 કલાકમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, અમે 27 એપ્રિલને રવિવારે ખુલ્લેઆમ આખા ગોંડલમાં ફરીશું. જેને પણ ચેંલેજ ફેંકી હતી તે તૈયાર રહે. ત્યારે હવે ગોંડલમાં રવિવારે કંઈક મોટું થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે.જો કે, આ સમગ્ર વાતને લઈને અમે જિગીષા પટેલ, અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા સાથે વાતચીત કરી છે. જ્યારે અલ્પેશ ઢોલરિયાનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની સાથે વાતચીત થઈ શકી નથી.અમે સૌ પહેલા આ લડાઈ શરૂ કરનાર જિગીષા પટેલ સાથે વાતચીત કરી.

આ લડાઈ શરૂ થવાને લઈને તેઓ કહે છે કે, ગોંડલમાં હાલ 30 વર્ષ પહેલા હતી તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. રાજુ સોંલકીના દીકરા સાથેની ઘટના હોય, રાજકુમાર જાટની ઘટના હોય કે દેવ સાટોડિયા સાથેની મારામારી હોય તે જોઈને મને ખરાબ પરિસ્થિતિ લાગી. થોડા દિવસ પહેલા વિનુભાઈ શિગાળાની પુણ્યતીથિ આવતી હતી તે સમયે મને વિચાર આવ્યો કે તેમને ગોંડલને ભયમુક્ત કરવા અનેક કામ કર્યા છે. પોતાનો જીવ હોમી દીધો છે. તેમની પ્રતિમા ગોંડલમાં સ્થપાવી જોઈએ.

જેને લઈને મે લડાઈ શરૂ કરી હતી. વિનુભાઈની મૃતિ જોઈને તેમને જીવનભર અફસોસ થાય કે અમે જેની હત્યા કરી તે હજુ પણ લોકોના દિલ અને દિમાગમાં જીવે છે.વિનુભાઈની લડાઈ જયરાજસિંહ સુધી પહોંચવાને લઈને તેઓ કહે છે કે, તમને ખબર છે કે, વિનુભાઈની હત્યા સહિત અનેક હત્યાના આરોપ તેમના પર છે. અમે વિનુભાઈના ન્યાય માટે જ્યારે હત્યારા શબ્દ ઉચ્ચાર્યો ત્યારે તેમને લાગી આવ્યું હશે. અમે તો સુરતમાં વિનુભાઈની પ્રતિમાની સ્થાપના માટે મિટિંગ કરી હતી પરંતુ તેમને સુલતાનપુરમાં મિટિંગ કરી અને માથે ઓઢી લીધું.

ગોંડલમાં જાડેજા પરિવારની ભૂમિકાને ઉદાહરણ સાથે સમજાવતા તેઓ કહે છે કે, અકબરે પહેલા હિંદુ રાજાઓને માર્યા અને પછી પોતાના દરબારમાં હિંદુ રાજાઓને સ્થાન આપ્યું અને કહેતા રહ્યા કે હું તમારા માટે જ છું. ઔરંગઝેબે પણ હિંદુ રાજાઓને સાથે લઈને શિવાજી સામે યુદ્ધ કર્યું. હું કોઈને અકબર કે ઔરંગઝેબ સાથે નથી સરખાવતી પરંતુ પરિસ્થિતિ આવી છે.

તેઓ કહે છે કે, ગોંડલના લોકો ભયમાં છે પરિસ્થિતિ એવી છે કે, ગણેશ જાડેજાનું સમર્થન કરનારા અલ્પેશ ઢોલરિયાને પણ વિરોધ કરવો હોય તો પણ હાલ કરી શકે તેવી પરિસ્થિતિ નથી. પરંતુ સરદારે જેમ આરઝી હુકુમત કરીને લોકોને નવાબના ડરથી દૂર કર્યા હતા. એમ અમે પણ અલગ અલગ જગ્યાએથી લોકોને લાવીને ગોંડલમાં ડરને ખતમ કરીશું.ગણેશ જાડેજાની ચેલેન્જને લઈને તેઓ કહે છે કે, માનું ધાવણ પવિત્ર શબ્દ છે તે ગણેશના મોઢે શોભતો નથી.

આ ઉપરાંત તેઓ પોતાનું એડ્રેસ આપીને જેને પણ આવવું હોય તેને છૂટ એમ કહી બંણગા ફૂકે છે પરંતુ જ્યારે રાજુ સોંલકીના કેસમાં દલિત સમાજના લોકો ત્યા આવતા હતા ત્યારે કેમ રસ્તા ખોદી નાખ્યા હતા તેમને આવવા દેવા હતા ને.આવતીકાલની સંભાવનાને લઈને જિગીષા બેન કહે છે કે, પોતાના સ્વભાવ પ્રમાણે તે હાથ ઉપાડી શકે અથવા લોકો પાસે ઉપડાવી શકે છે. અથવા એટ્રોસિટી કે હનીટ્રેપ જેવા હથિયાર વાપરી અમને ડરાવી શકે છે. બીજું કંઈ એમનાથી થઈ શકે તેમ નથી.

ગોંડલની લડાઈમાં મળેલી ધમકીઓને લઈ વાત કરતા તેઓ કહે છે કે, અમને ડર નથી લાગતો કારણ કે, ગોંડલના લોકોને ભયમુક્ત થવાનું કહીએ એ પહેલા અમારે ભયમુક્ત થવું પડે. લડાઈ શરૂ કરી એટલે અનેક ધમકીઓ મળી. ફોન આવ્યા કે અમે જયરાજસિંહના માણસ છીએ ક્યાં છે તારું લોકેશન આપ તને જોઈ લઈશું. મે લોકેશન આપ્યા પરંતુ મારા સુધી કોઈ આવ્યું નથી. મારા વિરુદ્ધ એક કોમેન્ટ થઈ કે આનો તો બધાએ ભેગા મળી ગેંગરેપ કરવો જોઈએ. આવી અનેક ધમકી મળી છે પરંતુ અમે તેનાથી ડરવાના નથી.આ લડાઈથી આડકતરી રીતે અનિરુદ્ધસિંહના સમર્થનને લઈ જિગીષા પટેલ કહે છે કે, હું સૌથી પહેલા પોપટ લાખા સોરઠિયાની હત્યાને લઈને બોલી હતી. અનિરુદ્ધસિંહે કેવી રીતે હત્યા કરી તેની આખી વાત પણ મેં લખી હતી. અમે તો ગુંડા તત્વો સામે જ લડાઈ શરૂ કરી હતી તેમણે સૌથી પહેલા માથે ઓઢી લીધું.

પાટીદાર vs ક્ષત્રિય થવાને લઈને જિગીષા પટેલ કહે છે કે, હું બન્ને સમાજને વિનંતી કરું છું કે આવી રીતે કોઈ પણ ભરમાવે ભરમાતા નહીં. આ લડાઈ કોઈ સમાજ માટે કે વિરુદ્ધ નથી આ લડાઈ ગુંડાગર્દી સામે છે. જ્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયની બહેનો ઉપર ટિપ્પણી કરી ત્યારે હું ક્ષત્રિય સમાજની બહેનો સાથે ઉભી હતી.

આ લડાઈ પાછળથી નિખિલ દોંગા ચલાવે છે તે વાતને લઈને જવાબ આપતા જિગીષા પટેલ કહે છે કે, અફવાઓ તો ઘણી ફેલાતી હોય છે. હું ક્યારેય તેમને મળી નથી. મારી નિખિલ દોંગા સાથે ક્યારેય વાતચીત પણ થઈ નથી. હું નિખિલ દોંગા વિશે વધારે જાણતી પણ નથી. અમારું કહેવું છે કે ગોંડલને એવા વ્યક્તિની જરૂર છે જે ગોંડલનો ખરા અર્થમાં વિકાસ કરે શોષણ નહીં. એટલે અમે એવો આગ્રહ ચોક્કસ રાખીશું કે કોઈ ગુંડાતત્વોને ટિકિટ ન મળે.

જિગીષા પટેલ કહે છે કે,અમારી વાત અમારા સમાજના અગ્રણી અને મસિહા વિનુ શિંગાળાની ધરોહર સ્થાપવાને લઈને શરૂ થઈ હતી પરંતુ આટલી વાતથી જાણે એમને ગોંડલમાં સાક્ષાત વિનુભાઈ દેખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.આવતીકાલના પ્રવાસને લઈને તેઓ કહે છે કે, અમારી ગોંડલ જવાની જાહેરાત બાદ આજુબાજુના જિલ્લાના લોકોના અમને ફોન આવ્યા છે. કેટલા લોકો આવશે એ તો નક્કી ન કહી શકાય પરંતુ કાલે ગોંડલમાં સહેલાણીઓ જેવો માહોલ હશે તે નક્કી છે. કારણ કે લોકો અમારી લડાઈ અને વિનુભાઈની વિચારધારા સાથે જોડાયેલા છે. લોકોએ કીધું છે કે સ્થળ અને સમય કહી દો અમે અમારા વાહનો સાથે પહોંચી જઈશું. સમાજના લોકો માટે નિસ્વાર્થ કામ કરતા અનેક લોકોના ફોન આવ્યા છે અને બધા લોકો કાલે અમારી સાથે આવવાના છીએ.

પાટીદાર અગ્રણીઓ અંગે જિગીષા પટેલ કહે છે કે, જે લોકોને સમાજ માટે માન હોય અને તેમના પ્રત્યે અંતરની લાગણી હોય તેમને સમાજ માટે ખુલીને બહાર આવવું જોઈએ.તેઓ કહે છે કે, પાટીદાર સમાજ ભયમાં છે તેઓ ખુલીને સામે નથી આવતા, પરંતુ તેમના પર દમનની અનેક ફરિયાદ મને મળી છે. એક છોકરો જુગારમા પૈસા હારી ગયો અને ભાગી ગયો તો તેના મિત્ર પાસેથી પૈસા વસુલવામાં આવ્યા. તેની સાથે મારામારી કરવામાં આવી તે છોકરાએ મને ફરીયાદ કરી પરંતુ તેઓ ખુલીને સામે નથી આવતા. આવનારા સમયમાં તે ભયમુક્ત થાય તેવા અમારા પ્રયાસો છે. છેલ્લે પોતાની વાત પૂરી કરતા તેઓ કહે છે કે, ગોંડલ કોઈના બાપની જાગીર નથી.

જિગીષા પટેલ બાદ અમે ગણેશ જાડેજાની ચેલેન્જ સ્વીકારીને રવિવારે ગોંડલમાં જવાની પોસ્ટ મુકનાર અલ્પેશ કથીરિયા સાથે વાત કરી.ગોંડલની મુલાકાતને લઈને અલ્પેશ કથીરિયા કહે છે કે, અમે કાલે સવારે 9 વાગ્યે ગોંડલ જઈશું. ગોંડલના મુખ્ય સ્થળો, ત્યાની બજારોમાં ફરીશું. આ સાથે અમે સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું. આ રીતે અમે સાંજ સુધી ત્યાં રહીશું.

તેઓ કહે છે કે, ગણેશ જાડેજાએ માના દૂધ પર સવાલ ઉઠાવ્યા પછી ગોંડલમાં જવું જરૂરી હતું. મારી સાથે કોણ અને કેટલા લોકો આવશે તે મારો વિષય નથી પરંતુ મારા નક્કી કરેલા કાર્યક્રમ મુજબ અમે ત્યાં જવાના છીએ. મારી સાથે જિગીષા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના લોકો આવવાના છે. જે લોકો કામના કારણે કદાચ નહીં આવી શકે તે પછી ગોંડલની મુલાકાત લેશે.અલ્પેશ કથીરિયાની જાહેરાત પછી ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથીરિયાને જાતિવાદી કહ્યા અને તેમના વિરુદ્ધ પોસ્ટર મુક્યા.

આ વાતને લઈને તેઓ કહે છે કે, આ લોકો તકવાદી લોકો છે. અમારા આંદોલનથી સમાજના 18 વર્ણને ફાયદો મળ્યો છે. તેમાં તેમનો સમાજ પણ સામેલ છે. અમે કણબી છીએ અમારા ખેતર દરેક માટે ખુલ્લા હોય છે અમે જાતિવાદી ક્યારેય ન હોઈ શકીએ. મારા 18 એય વર્ણના મિત્રો છે હું તેમના ઘરે ગમે ત્યારે જઈ શકુ છુ માટે તેમના આરોપો તદ્દન ખોટા છે.વિનુ શિંગાળા અને પોપટ સોરઠિયાના પરિવારને લઈને અલ્પેશ કથીરિયા કહે છે કે, અમે ગોંડલની મુલાકાત દરમિયાન આ પરિવારને નથી મળવાના. ભવિષ્યમાં તેમની સાથે અમારી ટીમ સંકલન કરશે. અમે અત્યારે તો વિનુ શિંગાળાના ભયમુક્ત ગોંડલના સપના માટે કામ કરી રહ્યા છીએ.

ગણેશ જાડેજા અને જયરાજસિંહને પાટીદારોના સમર્થનને લઈને અલ્પેશ કથીરિયા કહે છે કે, તે પોતાના 50 લોકો લઈને સુલતાનપુર મિટિંગ કરવા ગયા હતા. આ સાથે સ્ટેજ પર કચરા શેઠ અને એવા લોકોને બેસાડ્યા હતા. જેઓ સત્તામાં છે જેમના ટેન્ડરો ચાલે છે. તેથી પોતાના પદ કે ટેન્ડરની બીકથી તેઓએ સાથ આપ્યો હતો. અમને કોઈ સાથે વાંધો નથી તમે ચૂંટણી લડો અને જીતો પરંતુ બીજા કોઈએ નહીં ઉભુ રહેવાનું તેવી ધમકી આપો એ યોગ્ય નથી. ભગવતસિંહજીએ કોઈના નામે ગોંડલ નથી કરી આપ્યું.

તમે સત્તાનો દુર ઉપયોગ કરો. લોકોની જમીન પચાવો દાદાગીરી કરો એ બિલકુલ ચલાવી ન લેવાય.અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજા બન્ને ભાજપના નેતા છે. ત્યારે અમે આ અંગે પાર્ટી સાથે કોઈ વાતચીત થઈ છે કે નહીં તે અંગે તેઓ કહે છે કે,અમારી પાર્ટી કે પાર્ટીની અમારી સાથે આ અંગે કોઈ વાતચીત થઈ નથી. અમે ગોંડલની સમસ્યાની વાત લઈને નીકળ્યા છીએ. અમે પાર્ટીની સમર્થનમાં કે વિરોધમાં આ અંગે કંઈ બોલતા નથી એટલે પાર્ટીનો કોઈ પ્રશ્ન રહેતો નથી.

અલ્પેશ કથીરિયા કહે છે કે,અમે પ્રાથમિક રૂપે આ લડાઈ શરૂ કરી છે. આગામી સમયમાં અમારે જ્યા જરૂર હશે ત્યા અમારા સમાજની સંસ્થાઓ અને વડીલોની પણ મુલાકાત કરીશું અને મદદની જરૂર હશે ત્યા મદદ પણ માંગીશું.આ આખી લડાઈ પાછળથી નિખિલ દોંગા ચલાવે છે તે આરોપને લઈને તેઓ કહે છે કે, નિખિલ દોંગાના નામને બગાડવાનો આ પ્રયાસ છે. અમે 2015થી લડાઈ લઈએ છીએ. અમે કંઈ અત્યારે ઉગીને ઉભા નથી થયા. અમે ગોંડલમાં બનેલી અનિચ્છિય અને ખરાબ ઘટનાઓના વિરોધમાં લડાઈ શરૂ કરી છે. નિખિલ દોંગા જેલમાં હતા હાલ જેલમુક્ત થયા છે. તેમના નામને બદનામ કરવાનો પ્રયાસ છે.

બાકી જે પોતાના લોકો સાથે લઈ જઈને 500 લોકોની મિટિંગ કરી તાકાત બતાવે છે અમે તો 25 લાખ લોકોને ભેગા કરી ચૂક્યા છીએ. અમે પટેલ સમાજ અને અન્ય સમાજ જેને પણ જરૂર હોય તેની સાથે ઉભા રહેતા આવ્યા છીએ.અલ્પેશ કથીરિયા આગામી લડાઈને લઈને કહે છે કે, અમે ગોંડલમાં લોકોને મળીશું. સ્થાનિકોની સમસ્યા અને તકલીફોને જાણીશું. આ પછી જે મુદ્દાઓની જરૂર હશે તે ઉઠાવીશું. આ સાથે મને જાણવા મળ્યું છે કે, અહીં બાયોડિઝલના અને ગેમ્બલિંગના ખોટા ધંધાઓ ચાલે છે. આ બધી વાતો અંગે અમે તંત્રને પણ અવગત કરીશું. અમારી ગોંડલની મુલાકાત બાદ અમે આયોજનબદ્ધ રીતે આગામી લડાઈની રણનીતિ બનાવીશું.

અલ્પેશભાઈ કહે છે કે, જયરાજસિંહ ગોંડલમાં સત્તા પર છે તેમના પર આરોપો છે તેને લઈને અમે તેમની સામે લડીએ છીએ. બીજી કોઈ જગ્યાએ પણ આવી વાત હશે તો અમે તે મુદ્દો પણ ઉઠાવીશું. અમારી લડાઈ કોઈ વ્યક્તિ નહીં પરંતુ ગુંડાગર્દી સામે છે.સામાજીક લડાઈ રાજકીય બનવાને લઈને અલ્પેશ કથીરિયા કહે છે કે, આઝાદીની લડાઈથી લઈ અત્યાર સુધી અનેકવાર આવુ બની ચુક્યું છે. પરંતુ આવું ન થાય તેને રોકીએ તે તમે કે હું નક્કી ન કરી શકીએ. મારા મતે તે લોકો પર છોડી દેવું જોઈએ. ભવિષ્યમાં આવુ કંઈ થશે તો તે અંગે લોકો નિર્ણય કરશે.

આવતીકાલે શું થઈ શકે છે તે અંગે પૂછતા તેઓ જણાવે છે કે, ગણેશ અને તેમના લોકો અમારું સ્વાગત કરે, લડાઈ કરે, મારામારી કરે તેમને જે કરવું હોય તે તેમની મરજી છે. અમે અમારું કામ કરતા રહીશું. તે અમારી સાથે સંવાદ કરે તેવી શક્યતા ઓછી છે. જો એવું કરવું હોત તો તે કહી ચૂક્યા હોત.છેલ્લે તેઓ પોતાની વાત પૂરી કરતા ગોંડલના લોકોને કહે છે કે, જો તમને કોઈ તકલીફ હોય તમારી કોઈ સમસ્યા હોય તો આવતીકાલે અમને મળજો. અમારી સમક્ષ તમારી વાત રજૂ કરજો અમે તમારી સાથે ઉભા રહીશું.

અલ્પેશ કથીરિયા બાદ અમે સુરતના જાણીતા વકીલ અને આ મુદ્દે લડાઈ લડનાર મેહુલ બોઘરા સાથે વાતચીત કરી.અમે સૌ પહેલા પૂછ્યું કે તમે આ લડાઈમાં કેમ જોડાયા? તેના જવાબમાં તેઓ કહે છે કે, કોઈના કહેવાથી અમે જોડાયા તે વાત તદ્દન ખોટી છે. મે ગોંડલને લઈને કેટલાક ભાષણો સાંભળ્યા. એક ભાષણમાં જયરાજસિંહે કહ્યું કે, ગોંડલમાં તો અમારી પેઢીનું જ ચાલશે. બીજી તરફ અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે 25 વર્ષ સુધી ગોંડલની સીટ માટે કોઈએ લાળ ટપકાવવી જ નહીં. આ બધુ કહેનાર જયરાજસિંહ પોતે મર્ડરના આરોપી છે. જેલમાં પણ જઈ ચૂક્યા છે. આ બધુ જોઈને મને લાગ્યું કે લોકશાહીમાં આ બધુ ન ચાલે. મારી લડાઈ કોઈ વ્યક્તિ કે સમુદાયને લઈને નહીં પરંતુ લોકશાહી માટે છે.

અમે કાયદાકીય લડાઈ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, જ્યા જરૂર હશે ત્યાં અમે કાયદાકીય લડાઈ પણ ચોક્કસ લડવાના છીએ. હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી મારો કોઈ બીજો એજંડા નથી. પણ એટલું ચોક્કસ કહીશ કે, રાજકુમાર જાટની હત્યા થાય લોકો તેના સમર્થનમાં આવે. તેના પિતા લડાઈ લડે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છતા પણ ફરિયાદ ન લેવાય તે કેવી રીતે ચાલે? એટલે આ વાતના ન્યાય માટે સોશિયલ મીડિયા પર પણ લડાઈ ખૂબ જરૂરી છે.

ગણેશ ગોંડલના નિવેદનને લઈ તેઓ કહે છે કે, માનું દૂધ પીધુ હોય તો આવી જજો. આ બધી કોઈ નેતા કે રાજકીય ઉમેદવારની ભાષા ન હોય શકે. આ ભાષા એ છપરી અને ગુંડાઓની ભાષા છે. જો કે, જેનો બાપ મર્ડરનો આરોપી હોય તેની પાસેથી બીજી અપેક્ષા પણ શું રાખવી? મારા મતે આ બધી વાતો ડાયલોગબાજી છે. પરંતુ લોકશાહીમાં દરેકને લડવાનો અને ચૂંટણીમાં ઉભા રહેવાનો અધિકાર હોય છે. તમે ગોંડલને તમારા બાપાની પેઢી સમજી લો એ ન ચાલે.

તેઓ ઉમેરે છે કે, હું પટેલ સમાજના ખભે બંદૂક ફોડવા નથી માંગતો. મારી લડાઈ માત્ર ગુંડાગર્દી સામે છે. તે લોકો 25 વર્ષથી ગોંડલમાં રાજ કરે છે. તેમને એવો વિચાર નથી આવતો કે ભલે બીજા કોઈની ઈચ્છા હોય અને સારો માણસ લડે તો અમે પણ તેમની પડખે ઉભા રહીશું. આ વિચાર નથી આવતો અમે માત્ર તેની વિરોધમાં છીએ.મેહુલ બોઘરા કહે છે કે લોકો કહે છે તેનાથી પરિસ્થિતિ તદ્દન અલગ છે. ગોંડલ ગોકુળિયું નથી. ગોંડલના લોકો ભયમાં જીવે છે. તે લોકો મજબૂરીને કારણે પોતાનો અવાજ ઉઠાવી નથી શકતા. જો કે, અમે આ લોકોના ડરને દૂર કરવાનું જ કામ કરી રહ્યા છીએ.

મેહુલભાઈ કહે છે કે, હું સ્વતંત્ર છું કોઈ પાર્ટી સાથે જોડાયેલ નથી. જો આ લોકો સુધી જાય તો મારે કોઈ લડાઈ લડવાની પણ જરૂર નથી. મારો આ લડાઈમાં કોઈ સ્વાર્થ પણ નથી. મારે ક્યારેય ટિકિટ નથી જોઈતી અને ચૂંટણી પણ નથી લડવી. પરંતુ આ લોકો ન સુધરે તો અમે ગોંડલના ચોકમાં તો જઈશું જ પરંતુ ગોંડલના લોકોને જાગૃત કરવા જ્યાં પણ અને જે પણ કાર્યક્રમ કરવા પડશે તે કરીશું.

માત્ર જયરાજસિંહ સામે જ લડાઈ છે? અનિરુદ્ધસિંહ સામે નહીં? તેના જવાબમાં મેહુલભાઈ કહે છે કે, જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ મને કોઈ ફેર પડતો નથી. છે તો બન્ને મર્ડરના આરોપી અને તેવા લોકોના સમર્થનમાં હું ક્યારેય ન હોઉં. મારે ગુંડાઓ મુક્ત ગોંડલ જોઈએ છીએ. એમા આ બન્ને આવી જાય છે.આગામી લડાઈને લઈને મેહુલભાઈ કહે છે કે, હજું ચૂંટણીને 1-1.5 વર્ષની વાર છે. અમારી એક નાની મિટિંગથી આ લોકોના પેટમાં તેલ રેડાઈ ગયું છે. જો અમારી મીટિંગ સભા બની ગઈ ત્યારે શું થશે એ જાણી લેવું જોઈએ. એટલે આ લોકો સુધરી જાય તો સારું છે નહીં તો અમે અમારી આગામી લડાઈને લઈને તૈયાર છીએ.

ભાજપ જયરાજસિંહ સહિતના લોકોને કેમ સાથ આપે છે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે કે, હાઈકમાન્ડ એક તરફ ગુંડારાજ ખતમ કરવાની વાત કરે છે પરંતુ આ લોકો પ્રત્યેનું તેમનું વલણ મને સમજાતું નથી. બીજી તરફ આ લોકોના ડરથી ગોંડલનું કોઈ વ્યક્તિ ટિકિટ માંગવા પણ હાઈકમાન્ડ સામે જતું નથી. સરકારે યોગી આદિત્યનાથની સરકારની જેમ કરવું જોઈએ. આવા ગુંડાઓનું એન્કાઉન્ટર ન કરે તો કાઈ નહીં પરંતુ જેલભેગા કરે તો પણ ઘણું છે.

અમે નિખિલ દોંગાની વાત કરી તો મેહુલભાઈએ કહ્યું કે, ગુંડા તો આખરે ગુંડા હોય છે. તે કોઈ જ્ઞાતિ કે સમાજના છે તેનાથી ફેર પડતો નથી. અમે ગુંડાને ગોંડલથી ટિકિટ મળે તેવું નથી ઈચ્છતા. જો કે, જેના પર ગુના હોય તે ગુંડા હોય તે પણ જરૂરી નથી. અમારી સામે પણ ગુના છે પરંતુ તે લોકોની ભલાઈ માટે થયેલા ગુના છે. અમારા મતે સારા માણસને ટિકિટ મળવી જોઈએ. એવો માણસ જે ગોંડલને ભયમુક્ત કરે અને ગોંડલના લોકોના સારા કામ કરે.

મેહુલ બોઘરા કહે છે કે, જ્યારે પણ કોઈ અન્યાય થાય ત્યારે ગોંડલના લોકો પાસે સમાધાન સિવાય કોઈ વિકલ્પ હોતો જ નથી. ત્યાનું તંત્ર તેમના ઈશારા પર ચાલે છે. એટલે ગોંડલને લઈને પાર્ટીએ વિચારવું જોઈએ. કે અમારું પ્રતિનિધિત્વ કેવા લોકો કરે છે. તેનાથી પાર્ટી કેટલી બદનામ થાય છે.

ગોંડલની જનતા માટે મેહુલ બોઘરા કહે છે કે, બહું સમય થઈ ગયો છે. તમે લોકો વર્ષોથી ગુલામીમાં છો. ભયભીત થઈને રહો છો પરંતુ તમારે ભયમુક્ત થવાની જરૂર છે. અને તમારી પાસે રસ્તો છે વોટનો. ગોંડલના લોકોએ નક્કી કરવું જોઈએ કે જ્યા સુધી કોઈ સારા વ્યક્તિને ટિકિટ ન મળે ત્યા સુધી અમે વોટિંગનો બહિષ્કાર કરીશું અથવા નોટાને પસંદ કરીશું.છેલ્લે તેઓ ગણેશ જાડેજા માટે કહે છે કે, મારા મતે તેમને થોડા મેચ્યોર થવાની જરૂર છે. અને તેમના નિવેદનનો જવાબ મારે આપવાની જરૂર નથી તેઓ કોમેન્ટમાં વાચી લે જનતાએ તેમને જવાબ આપી દીધો છે. મને ચિંતા છે કે, જો આવા વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવશે અને કદાચ તે ગોંડલમાં જીતી જશે તો ગોંડલનું શું થશે?

છેલ્લે તેઓ ગણેશ જાડેજા માટે કહે છે કે, મારા મતે તેમને થોડા મેચ્યોર થવાની જરૂર છે. અને તેમના નિવેદનનો જવાબ મારે આપવાની જરૂર નથી તેઓ કોમેન્ટમાં વાચી લે જનતાએ તેમને જવાબ આપી દીધો છે. મને ચિંતા છે કે, જો આવા વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવશે અને કદાચ તે ગોંડલમાં જીતી જશે તો ગોંડલનું શું થશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલગામ હુમલાનું હમાસ કનેક્શન… ઇઝરાયલે શું કહ્યું, તે ભારત-પેલેસ્ટાઇન સંબંધોને અસર કરશે

આ પણ વાંચો:જો કોઈ વિમાન પાકિસ્તાનમાંથી પસાર થયું તો…! શાહબાઝ સરકારે ભારતને આપી મોટી ચેતવણી

આ પણ વાંચો:જ્યારે ભારતે પાણી બંધ કર્યું, ત્યારે પાકિસ્તાનનું ગળું સુકાવા લાગ્યું, સુરક્ષા નિષ્ણાતો કરી રહ્યા છે બાલાકોટને યાદ