Russia Ukraine News/ રશિયાના વધી રહેલા હુમલા પર પોપ ફ્રાન્સિસે કહ્યું- યુક્રેનમાં નરસંહાર બંધ થવો જોઈએ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 18 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયાના હુમલામાં અત્યાર સુધી યુક્રેનના હજારો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય જોઈને દરેક લોકો પરેશાન છે,

Top Stories World
4 23 રશિયાના વધી રહેલા હુમલા પર પોપ ફ્રાન્સિસે કહ્યું- યુક્રેનમાં નરસંહાર બંધ થવો જોઈએ

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 18 દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલામાં અત્યાર સુધી યુક્રેનના હજારો નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય જોઈને દરેક લોકો પરેશાન છે. આ દરમિયાન પોપ ફ્રાન્સિસે રવિવારે ફરી એકવાર યુક્રેન પર રશિયન આક્રમણની નિંદા કરી હતી. તેમણે બાળકોની હોસ્પિટલો અને નાગરિક સુવિધાઓ પર રશિયાના બોમ્બ ધડાકાને બર્બર કૃત્ય ગણાવ્યું હતું. સાપ્તાહિક પ્રાર્થના પછી પોપ ફ્રાન્સિસે કહ્યું, “ભગવાનના નામે… આ હત્યાકાંડ બંધ કરો.”

પોપનું આ નિવેદન રશિયા અને યુક્રેનની સેનાઓ વચ્ચે સતત 18માં દિવસે ભીષણ લડાઈ વચ્ચે આવ્યું છે. પોપ ફ્રાન્સિસે કહ્યું કે “યુક્રેનિયન શહેરો” કબ્રસ્તાનમાં ફેરવાઈ જવાના જોખમમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ યુક્રેનના લ્વિવમાં સૈન્ય મથક પર અનેક મિસાઇલો છોડી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા અને 134 લોકો ઘાયલ થયા. પ્રાદેશિક ગવર્નર મેક્સિમ કોઝિટસ્કીના જણાવ્યા અનુસાર, રશિયન વિમાનોએ લગભગ 30 રોકેટ છોડ્યા. રશિયન હુમલાઓને કારણે યુક્રેનના તમામ શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

યુક્રેનના વિદેશ મંત્રીએ રવિવારે કહ્યું કે રશિયાએ યુક્રેનના અન્ય મેયરનું અપહરણ કર્યું છે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, નીપ્રોરુડને શહેરના વડા યેવગેન માતવેયેવનું રશિયન લડવૈયાઓએ અપહરણ કરી લીધું છે. તેમણે તમામ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને યુક્રેન અને લોકશાહી વિરુદ્ધ રશિયન આતંકવાદને રોકવા માટે હાકલ કરી હતી.

આ પહેલા શનિવારે રશિયાએ મેલિટોપોલના મેયરનું અપહરણ કર્યું હતું. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયન આક્રમણકારોને સ્થાનિક લોકો તરફથી બિલકુલ સમર્થન મળી રહ્યું નથી. જેના કારણે રશિયન આક્રમણખોરો રોષે ભરાયા છે અને આતંક ફેલાવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ રશિયાના આ કૃત્યને આતંકવાદી ગણાવ્યું હતું અને તેની તુલના ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથે કરી હતી.