Porbandar Beach Clean Up Drive: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પર્યાવરણ સુરક્ષા અને દરિયાઈ જીવસૃષ્ટિના જતન માટે એક પ્રશંસનીય લોક-અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર ચોપાટી ખાતે વહીવટી તંત્ર, વન વિભાગ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ‘બીચ ક્લિન-અપ ડ્રાઈવ’નું આયોજન કરાયું હતું. આ ગ્રીન ઇવેન્ટમાં રાજ્યના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખાસ હાજરી આપી હતી. મંત્રીએ સામાન્ય નેતાઓથી અલગ પડીને જાતે જ સતત 1 કલાક સુધી ચોપાટીના 1 કિલોમીટરથી વધુ વિસ્તારમાં સફાઈ કરી શ્રમ યજ્ઞ આદર્યો હતો અને પોરબંદરવાસીઓને સ્વચ્છતાનો જીવન મંત્ર આપ્યો હતો.

સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, જીવનશૈલી બનવી જોઈએ: વન મંત્રી
બીચ ક્લિન-અપ અભિયાન દરમિયાન જનમેદની અને સ્વયંસેવકોને સંબોધિત કરતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ માત્ર એક દિવસનું અભિયાન નહીં પરંતુ આપણી રોજિંદી જીવનશૈલી બનવી જોઈએ. જો દરેક નાગરિક સ્વચ્છતાને પોતાનો પરમ મંત્ર બનાવી લેશે, તો જ આવનારી પેઢી માટે આપણે એક હરિયાળું, સુંદર અને રહેવા લાયક સક્ષમ ભારત, ગુજરાત અને પોરબંદરનું નિર્માણ કરી શકીશું.”
તેમણે જનતાને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવા, કચરો ગમે ત્યાં જાહેર સ્થળો પર ન ફેંકવા, કચરાપેટીનો ઉપયોગ કરવા તેમજ કચરાના યોગ્ય વિભાજન (સેગ્રિગેશન) પર વિશેષ ભાર મૂકવા નમ્ર અપીલ કરી હતી.
Porbandar : પર્યાવરણ દિવસનો અનોખો સંગમ
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આજનો આ દિવસ વિશેષ છે, કારણ કે વિશ્વ પર્યાવરણ દિવસની સાથે દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત 12 વર્ષના જનસેવા, અભૂતપૂર્વ વિકાસ અને અખંડ વિશ્વાસના કાર્યકાળની પણ દેશભરમાં ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિના કાર્યો થઈ રહ્યા છે. પોરબંદરના દરિયાકિનારેથી પ્લાસ્ટિક અને અન્ય નકામો કચરો એકત્ર કરીને તમામ મહાનુભાવોએ દરિયાઈ સંસાધનો અને કુદરતના રક્ષણ માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો દમદાર સંદેશ આપ્યો હતો. મંત્રીશ્રીએ સફાઈ મિત્રોને પણ સ્ટેજ પર પ્રોત્સાહિત કર્યા હતા.

વહીવટી તંત્ર અને રાજકીય અગ્રણીઓનો જબરદસ્ત જમાવડો
પોરબંદરને પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત કરવાના આ મહા-અભિયાનમાં શહેરના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી તેમજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) બી.બી. ચૌધરીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમની સાથે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ભગીરથસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહિલ સહિત ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ, બ્રહ્માકુમારી સંસ્થાના સ્વયંસેવકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને હજારો જાગૃત નાગરિકોએ સાથે મળીને પોરબંદર ચોપાટીને ચકાચક કરી દીધી હતી.
આ પણ વાંચો: પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદી ચૂંટાયા
આ પણ વાંચો: પોરબંદર મહાનગરપાલિકાના મેયર તરીકે સાગર મોદી ચૂંટાયા
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના દરિયાકિનારે પોરબંદર-જૂનાગઢમાં માછીમારી પર પ્રતિબંધ
