Dharm & Bhakti: હિંદુ ધર્મ (Hinduism) સનાતન પરંપરાઓનું વહન કરે છે. આ પરંપરામાં શાસ્ત્રોક્ત રીતે શબ (Corpse) સાથે લગ્ન કરવા સંભવ છે ખરા કે નહિં એ વિશે અહિં જાણીશું. સનાતન પરંપરાઓ અનુસાર લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે…આપણા ભારત દેશનો કાનૂન આ ઘટના વિશે શું કહે છે એ વિશે પણ વિસ્તૃતપણે જાણીશું…
તાજેતરની એક અજીબ ઘટનામાં, મહારાષ્ટ્રના નાંદેડ ગામ (Nanded Village, Maharashtra) માં આંચલ નામની યુવતીએ પોતાના પ્રેમીની હત્યા થયા બાદ એના શબ સાથે લગ્ન કરી લીધા. અહિંથી આ ચર્ચા પ્રારંભ થઇ છે કે, શું હિંદુ ધર્મમાં શબ સાથે લગ્ન (Marriage)ની પરંપરા છે ખરી?

મહાભારતની એક કથા શું કહે છે?
મહાકાવ્ય મહાભારત (Mahabharata)ના આદિ પર્વમાં પાંડવોની માતા પોતાના પતિ અને હસ્તિનાપુરના રાજા પાંડુને એક કથા સંભળાવે છે. આ કથા અનુસાર, એક સમયે વ્યુષિતાશ્વ નામનો એક રાજા હતો જેણે અન્ય રાજાઓને પરાસ્ત કરીને ચારે દિશાઓમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતુ. એનું વિશાળ સામ્રાજ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું હતુ. એણે મોટા-મોટા યજ્ઞ કર્યા હતા જેમાં દેવતાઓના રાજા ઈન્દ્ર સહિત સઘળા દેવોને પણ આમંત્રણ આપ્યું હતુય પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા અને એથી તેની પ્રજા પ્રસન્ન રહેતી હતી. કક્ષીવાન નામના રાજાની પુત્રી ભદ્રા સાથે એના લગ્ન થયા હતા. રાજા પાતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. પત્ની પ્રત્યે અત્યાધિક કામાસક્ત હોવાને કારણે એમને ‘રાજયક્ષ્મા’ અર્થાત્ ક્ષય રોગ (Tuberculosis) થઇ ગયો અને એનાથી જ એ મૃત્યુ પણ પામ્યો!
વ્યુષિતાશ્વને પોતાનું કોઇ જ સંતાન હતુ નહિં અને આથી એમની અંતિમ વિદાય પછી રાણી ભદ્રા દુ:ખી થઇને પ્રાર્થના કરવા લાગી કે એની પણ મૃત્યુ થઇ જાય અને એ પણ એના પતિની સાથે પરલોક સિધાવી જાય! આ જ સમયે એક આકાશવાણી થઇ અને એના પતિ વ્યુષિતાશ્વનો આવાજ આવ્યો કે માસિક ધર્મ (ઋતુસ્ત્રાવ)ના સમયે એ એમના શબને પોતાની શય્યા પર સાથે લઇને સૂઇ જાય એનાથી એને સંતાન પ્રાપ્ત થશે. એણે એવું જ કર્યું અને રાજાના શબ દ્વારા રાણી ભદ્રાએ 6 પુત્રોને જન્મ આપ્યો!! ત્યાર બાદ, આ તમામ પુત્રો રાજા બન્યા હતા..!

નાંદેડમાં યુવતીએ શબ સાથે લગ્ન કર્યા
હિંદુ ધર્મગ્રંથોમાં આ એકમાત્ર કથા છે જ્યાં, પાર્થિવ શરીર દ્વારા દાંપત્ય જીવનનું કોઇ કાર્ય સિદ્ધ થયું હોય. રાજાના મૃત શરીર દ્વારા સંબંધ બનાવવાની આ કથા મહાભારતના આદિ પર્વના સંભવપર્વ માં છે. આ કથા સાથે થોડીક મળતી આવે એવી ઘટના હાલ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં જોવા મળી છે. આંચલ નામની એક યુવતી સક્ષમ નામના યુવક સાથે પ્રેમ કરતી હતી પણ પરિવાર એમની વિરુદ્ધમાં હતો. એ વિરોધ એટલો તો વધી ગયો કે, કથિત રીતે, આંચલના ભાઈ અને પિતાએ સક્ષમની હત્યા કરી નાખી!
પ્રેમીની હત્યા બાદ, આંચલે પોતાના પરિવારને આ માટે દોષિત ગણાવ્યો અને કહ્યું કે સક્ષમને મારનારાઓને ફાંસીની સજા મળવી જોઇએ. એટલું જ નહિં, એ સક્ષમના ઘરે પહોંચી ગઇ અને એના પાર્થિવ દેહ સાથે લગ્ન કર્યા, પીઠી લગાવી, સિંદૂર પણ લગાવ્યું અને ધોષણા કરી કે હવેથી એ સક્ષમના ઘરે જ રહેશે!
આંચલે જે પણ કહ્યું એ એના હૃદયની વેદનાના અતિરેકની પ્રતિક્રિયા હતી. પરંતુ આ ઘટનાથી એક સવાલ ઊઠ્યો છે કે હિંદુ ધર્મમાં પાર્થિવ દેહ સાથે લગ્ન કરવા અંગે શું કહેવામાં આવ્યું છે?
હિંદુ ધર્મમાં શબ સાથે લગ્ન કરવા અંગે શું કહેવામાં આવ્યું છે?
હિંદુ પરંપરા અને જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનના મતે, નિષ્પ્રાણ શરીર તો કેવળ માટી છે. એની સાથે માંગલિક કાર્યો કરી શકાય નહિં. શબ સાથે લગ્નનો કોઇ ઉલ્લેખ ધર્મ શાસ્ત્રોમાં નથી. સત્યવાન અને સાવિત્રીની કથામાં પણ વિવાહ કર્યા બાદ સત્યવાનનું મૃત્યુ થયાનો ઉલ્લેખ છે. એ પછી જ એમની ધર્મપત્ની સાવિત્રી યમરાજ પાસેથી સત્યવાનના પ્રાણ પાછા લઇ આવે છે!
મૃત્યુ વિષય અંગે સંશોધન કરનાર એક અન્ય વિદ્વાનનું કહેવું છે કે, નાંદેડ જેવી ઘટના સામાન્ય રીતે જોવા મળતી નથી પરંતુ, આ તો વેદનાના અતિરેકનું એક્ટ્રીમ ઇમોશનલ રિએક્શન છે! અર્થાત્ આ યુવતીનું દુ:ખ એટલું વધી ગયું કે એનો વિરોધ આવી ભાવનાત્મક પ્રતિક્રિયાના સ્વરુપમાં બહાર ઉભરી આવ્યો છે. યુવક અને યુવતી પ્રેમમાં હતા અને પરસ્પર ભાવનાત્મક રુપથી ગાઢ રીતે જોડાયેલા હતા. આ પ્રેમ બે પાત્રો પૈકી એકની હત્યાનું કારણ બની ગયો આથી એવું પણ બની શકે કે યુવતીએ પોતાના પિતા અને ભાઈની વિચારધારાને પડકારવા માટે આ પગલું ભર્યું હોય! સામાન્યત: લગ્ન કરવાનો એનો કોઈ આશય નહિં હોય.
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય ના સંસ્કૃત વિદ્યા ધર્મ-વિજ્ઞાન વિષય સાથે સંલગ્ન વિદ્વાન આચાર્યના મતે, શબ સાથે લગ્ન કરવાની હિંદુ ધર્મ શાસ્ત્રોમાં કોઈ વ્યવસ્થા નથી, પરંતુ અહિં કિસ્સો જુદો જ છે!
એમણે વધુમાં જણાવ્યા અનુસાર, ભલે યુવતીએ ઔપચારિક રીતે પીઠી અને સિંદૂર (Sindoor) નથી લગાવ્યું પણ જ્યારથી એ બંનેએ જીવનભર સાથે રહેવાનો સંકલ્પ કર્યો હતો, એ ત્યારથી જ એની પત્ની બની ગઇ હતી!

આપણા દેશનો કાયદો શું કહે છે?
સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના વકીલ અરવિંદ મનિયમ (Arvind Maniam) નું કહેવું છે કે ભારતમાં લગ્નનો કાયદો માત્ર અપરાધ, પ્રક્રિયા અને સબૂત સાથે સંલગ્ન છે, લગ્નની કાયદેસરતાથી નહિં. ભારતમાં લગ્નનું સમગ્ર માળખું જ એ છે કે જ્યારે બંને પક્ષ જીવિત હોય અને ફ્રી કન્સેન્ટ આપે ત્યારે જ એ કાયદેસર માનવામાં આવે છે. શબ સાથે લગ્નનો કોઈ કોન્સેપ્ટ જૂના અથવા તે નવા કાયદા (IPC or BNS)માં નથી, આથી આવા લગ્નને શરુઆતથી જ શૂન્ય (void ab initio) માનવામાં આવે છે. આવા લગ્નોને કાયદેસરના લગ્ન બિલકુલ માનવામાં આવતા નથી. જૂનામાં પણ નહિં અને નવામાં પણ નહિં, કોઇ પણ કાયદાકીય માળખામાં એના માટે કોઈ વ્યવસ્થા નથી!
શબ સાથે લગ્ન કરવા કાનૂની અપરાધ છે?
અરવિંદ મનિયમનું કહેવું છે કે, નાંદેડ કેસમાં યુવતી આંચલ શબ સાથે લગ્ન કરવા છતાં એ મૃતક સક્ષમની કાયદેસરની પત્ની બનવા પામી નથી. આ સંજોગોમાં એને ન તો ઉત્તરાધિકાર પ્રાપ્ત થશે, ન તો એ દ્વારા કોઇ પેન્શન, ન ઇન્શ્યોરન્સ ક્લેમ કે ન તો પરિવારની સંપત્તિમાં એને કોઇ અધિકાર પ્રાપ્ત થશે. સમગ્ર રીતે જોઇએ તો નવા ક્રિમિનલ કાયદા અનુસાર, શબ સાથે લગ્નને કોઈ જાતની કાયદેસર માન્યતા પ્રાપ્ત નથી અને એનાથી એને કોઈ વારસાનો પણ અધિકાર પ્રાપ્ત થતો નથી.
તેઓ વધુમાં જણાવે છે કે, લગ્ન કરવાનો એક્ટ ક્રિમિનલ નથી પરંતુ, શબ સાથે લગ્ન કરવાથી ડેડબોડી (Dead body) સાથે છેડછાડ કરવા અંગેની કાનૂની કાર્યવાહી થઇ શકે છે. એવું કૃત્ય દંડનીય (Punishable) ગણાય છે. ભારતીય ન્યાય સંહિતા ના સેક્શન 314 અનુસાર, આવા કિસ્સાઓમાં શબનું અપમાન કરવા, અંતિમ સંસ્કારમાં ખલેલ પહોંચાડવા અને શબની ગરિમાને પ્રભાવિત કરવા અથવા તો તપાસમાં વિઘ્ન નાખવા અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે.
મૃતકો સાથે લગ્નની પરંપરા
હિંદુ ધર્મમાં શબ સાથે લગ્નની કોઈ પરંપરા જોવા મળતી નથી પરંતુ, દક્ષિણ કર્ણાટક અને કેરળ (Kerala)ના કેટલાક ભાગોમાં વર્ષો અગાઉ મરી ગયેલા બાળકોના પ્રતીકાત્મક લગ્ન કરાવવાની પ્રથા છે. આને ‘પ્રેત કલ્યાણમ્’ (Pret Kalyalam) કહેવામાં આવે છે. 3 ઓગસ્ટ 2022 માં પ્રસિદ્ધ એક મીડિયા રિપોર્ટ અનુસાર, શોભા અને ચંદપ્પાના લગ્નનો ઉલ્લેખ છે. બંનેના મૃત્યુ 30 વર્ષ પહેલા થઈ ચૂક્યા હતા. એવું કહેવાય છે કે મૃત્યુના આટલા વર્ષો પછી એમની મુક્તિ અર્થે ‘પ્રેત વિવાહ’ કરવામાં આવ્યા હતા!
આ લગ્નનો સીધો અર્થ એ છે કે, ‘મૃતકોના લગ્ન’…આ રિવાજ ત્યારે પાળવામાં આવે છે જ્યારે કોઇના મૃત્યુને 30 વર્ષ વીતી ચૂક્યા હોય! આ લગ્નમાં એક સામાન્ય લગ્નમાં હોય એ તમામ રીત-રિવાજોનું પાલન કરવામાં આવે છે. આમાં ફરક માત્ર એટલો જ હોય છે કે વર અને વધૂ અહિં શારીરિક રીતે ઉપસ્થિત હોતા નથી. બંને પરિવાર મળીને આ રીત-રિવાજને અનુસરે છે જેથી યુવક-યુવતીના આત્માનું સન્માન કરી શકાય! આ માટે એમના પૂતળાં કે પ્રતિમાઓ રાખવામાં આવે છે અને પછી નોર્મલ લગ્નમાં જેમ હોય એ રીતે સમારંભ યોજીને સૌ આમંત્રિતોને ભોજન પણ કરાવવામાં આવે છે!
આ પણ વાંચો: વિશ્વનું એક માત્ર સીતા માતાનું મંદિર! આજે પણ જોવા મળે છે અશોક વાટિકાના નિશાન
આ પણ વાંચો: 94 અંક…અંધવિશ્વાસ કે આસ્થા? અંતિમ સંસ્કાર બાદ ચિતાની રાખમાં લખવા પાછળનું રહસ્ય શું છે?!!
આ પણ વાંચો: ઓમ જાપ નિયમઃ ૐ મંત્રનું ઉચ્ચારણ કરતા પહેલા ‘આ’ બાબતોનું રાખો ધ્યાન
