અમદાવાદ/ વિકાસ ગાંડો થયો: અમદાવાદના તૂટેલા રોડની પાંચ વર્ષથી સમસ્યા

મેગાસિટી, હેરિટેજસિટી, સ્માર્ટસિટીના છોગાને શરમાવે છે, અમદાવાદના તૂટેલા અને ઉબડખાબડ રોડ. પાંચ વર્ષ પહેલાં પકડાયેલી ડામર ચોરી અને IOC ના ડામરના બોગસબિલો અંગે કોઈનેય દાખલો બેસે તેવી સજા નથી થઈ. કોઇની સામે પગલાં લેવાતા જ ના હોવાથી ‘ભય વગરનો ભ્રષ્ટાચાર’ ફાલ્યો ફૂલ્યો છે. જાહેર કરાતી ઇન્ક્વાયરી ક્યારેય સત્ય સુધી પહોંચતી નથી કે ઇન્ક્વાયરી પછી પગલાં લેવાતા નથી. રોડના ગાબડાંમાંથી વિકાસ ગાંડો થયાનું સૂત્ર પેદા થયું હતું, તે સ્થિતિમાં બહું મોટો ફેર નથી પડ્યો.

Ahmedabad Gujarat Mantavya Exclusive
વિકાસ ગાંડો

@પ્રફુલ્લ ત્રિવેદી 

અમદાવાદમાં તૂટેલા રોડ અને ઠેર ઠેર ગાબડાંની પાંચ વર્ષથી ચાલી આવતી સ્થિતિથી નાગરિકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘વિકાસ ગાંડો થયો’ નું સૂત્ર જ અમદાવાદના રોડના ગાબડાંઓમાંથી પેદા થયું હતું. હાલમાં જ ગુજરાત હાઇકોર્ટે અગાઉની જેમ AMCનો ઉધડો લીધો છે. દર વર્ષે 300 થી 350 કરોડ કરતાં પણ વધુ ખર્ચ રોડ-રસ્તા બનાવવા અને રીપેર કરવા પાછળ ખર્ચાય છે, પરંતુ મોટાપ્રમાણમાં ચાલતી કટકી અને સુપરવિઝનના અભાવના કારણે પ્રજાના પરસેવાના ટેક્સના નાણાં ખર્ચાયા બાદ પણ રોડની સ્થિતિમાં બહું ફેર પડતો નથી.

અગાઉ કમિશનર પદે મુકેશકુમાર હતા ત્યારે તૂટેલા રોડનો પ્રશ્ન બહું જ ચગ્યો હતો. પૂર્વ વિસ્તારનો એક નવો જ બનેલો રોડ તો પહેલાં વરસાદે જ ધોવાઈ જતાં ભારે ઉહાપોહ થયો હતો. નવા પશ્ચિમ ઝોનના રોડ પણ મોટા પ્રમાણમાં તૂટી ગયા હતા, તે સમયે વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી સત્તાધારી ભાજપના નેતાઓ પણ ગિન્નાયા હતા. આ સમયે 7 એડિશનલ એન્જિનિયરો સહિત 84 જેટલા એન્જિનિયરોને નોટિસો ફટકારાઇ હતી. ત્રણ કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરી દેવાયા હતા.

બીજી તરફ વિજિલન્સ વિભાગે 90 જેટલાં રોડના મટિરિયલના નમૂના ત્રણ જુદી-જુદી લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલ્યા હતા. લેબ પરિક્ષણમાં ડામર સહિતના મટિરિયલ્સની ચોરી થઈ હોવાનું પુરવાર થયું હતું. નામ માત્રનો જ ડામર વપરાતો હોવાથી પહેલાં વરસાદે જ ગાબડાં પડી જતાં હોવાનું સાબિત થઈ ગયું હતું. ભ્રષ્ટાચારના નાણાં કોન્ટ્રાકટરો, ભ્રષ્ટઅધિકારીઓ-એન્જિનિયરો અને તેમને છાવરતા રાજકારણીઓના ખિસ્સામાં જતાં હતા. તે સમયના રોડ કમિટીના ચેરમેન જતિન પટેલ પણ ઘટનાક્રમથી ઉકળી ઉઠયા હતા. તેમણે ભારે જહેમત ઉઠાવીને IOC ના ડામરના બોગસબિલોનું કૌભાંડ પકડી પાડ્યું હતું. કોન્ટ્રાકટરો આવા બિલો મ્યુનિ.માં મૂકતાં અને એન્જિનિયરો તેના નાણાં પણ ચૂકવી દેતાં હતા. બહું મોટું અને ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું હતું.

ત્રીજી તરફ વિપક્ષના તેના દિનેશ શર્માએ રોડ કમિટીના ચેરમેન જતિન પટેલને સાથે રાખી ગુરુકુલ રોડના રિશરફેશીંગ દરમ્યાન હોટમિક્સની ગાડીઓ કાગળ પર જ દોડતી હોવાનું બીજું કૌભાંડ પકડી પાડ્યું હતું. ચોપડે 8 ગાડીઓ નોંધાઈ હતી જ્યારે રોડના સ્થળે માત્ર 4 ગાડીઓ જ પહોંચી હતી. કાગળ ઉપર દોડેલી ગાડીઓના નાણાંની કોન્ટ્રાકટર અને મ્યુનિ. ના એન્જિનિયરો વચ્ચે ભાગબટાઈ થઈ ગઈ હતી. એક સુપરવાઇઝરે તો નોંધ કરેલાં ચોપડાનું પાનું જ ફાડી નાખ્યું હતું.

રોડતૂટેલાનું કૌભાંડ હાઇકોર્ટ સુધી પહોંચ્યું હતું. આમ છતાં એક પણ એન્જિનિયર કે અધિકારીની સામે એવું પગલું નથી લેવાયું જેનાથી દાખલો બેસે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની વાતો હવામાં જ રહી ગઈ છે. નીચેના એન્જિનિયરોના બે કે ત્રણ ઇનક્રીમેન્ટ રોકીને જવા દેવાયા છે. જ્યારે 7 જેટલાં એડિશનલ એન્જિનિયરો સામે ચાર વર્ષથી નિવૃત જજની ઇન્ક્વાયરી ચાલે છે, કમિશનર વિજય નહેરના સમયમાં ચાલુ થયેલી આ ઇન્ક્વાયરી નિવેદનો લેવાથી આગળ વધી શકી નથી. એક એન્જિનિયર તો નિવૃતિ થઈ ગયા અને એ જ કમિશનની સહિત ઔડામાં એક્ષરેન્શન પણ મેળવી લીધું. અન્ય એન્જિનિયરો જેમની સામે ઇન્ક્વાયરી છે, તેમને પ્રમોશન આપી દેવાયા છે. જો કે, ઇન્ક્વાયરી ચાલુ હોવાથી સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકતા નથી. એફિશ્યન્સી ઝીરો લેવલે હોવાનું ચિત્ર ઉભુ થયું છે. સરવાળે ખોટ અમદાવાદના નાગરિકોને જ જાય છે, એક પણ વિકાસકામ ક્ષતિરહીત નથી હોતું. ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાના નારા વચ્ચે પગલાં લેવાતા ન હોવાથી ભય વગરનો ભ્રષ્ટાચાર જન્મે છે.

આ પણ વાંચો :રાજકોટના ઉધોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

આ પણ વાંચો :શું ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમશે ગુજરાત સરકાર, આ સ્કીમ અંગે આવશે ખાસ સમાચાર

આ પણ વાંચો :લીંબડી ભીમનાથ, ફુલનાથ સહિતના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં

આ પણ વાંચો : મહાશિવરાત્રીના દિવસે અંજારમાં નંદી મંદિર ખુલ્લું મુકાયું