Gandhinagar News/ રોગોથી બચવું છે? તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ, વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગંભીર ચેતવણી

ગુજરાત વિધાનસભા ખાતે પ્રાકૃતિક કૃષિ (Prakrutik Kheti) પરિસંવાદ યોજાયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલે રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું.

Gujarat Gandhinagar Top Stories
Prakrutik Kheti in Gujarat

Prakrutik Kheti in Gujarat: જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને બચાવવા માટે હવે રાસાયણિક ખેતી છોડીને ‘પ્રાકૃતિક ખેતી’ (Natural Farming) અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

નવજાત શિશુના માતાના દૂધમાં પણ ઝેર!

પરિસંવાદને સંબોધતા રાજ્યપાલે ખૂબ જ ગંભીર ચિંતા વ્યક્ત કરી કે, “વર્ષો પહેલાં કેન્સર, ડાયાબિટીસ કે હાર્ટએટેક જેવા રોગોનું પ્રમાણ નહિવત હતું. જ્યારે આજે રાસાયણિક ખેતીના પાપે નાના બાળકોમાં પણ કેન્સર જોવા મળે છે. એટલું જ નહીં, અમૃત સમાન માતાના દૂધમાં પણ હવે યૂરિયા અને જંતુનાશકો મળી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે, હરિત ક્રાંતિ સમયે દેશની ધરતીનો ઓર્ગેનિક કાર્બન 2% થી વધુ હતો, જે આજે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘટીને 0.5% થી પણ નીચે જતો રહ્યો છે. જેના કારણે જમીન બંજર અને કઠણ બની ગઈ છે.

Prakrutik Kheti in Gujarat

Prakrutik Kheti એટલે જીવાણુઓની ખેતી

જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવતા રાજ્યપાલે કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ ખરેખર સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ જીવાણુઓ હોય છે. ગૌમૂત્ર અને છાણમાંથી બનતું જીવામૃત જમીનમાં અળસિયા અને મિત્ર કીટકો વધારે છે, જે કુદરતી રીતે જ જમીનને ફળદ્રુપ બનાવે છે. તેમણે તમામ ધારાસભ્યોને આહવાન કર્યું હતું કે, દરેક સભ્ય પોતાના વિસ્તારના ઓછામાં ઓછા એક ગામને ‘પ્રાકૃતિક ગામ’ ચોક્કસ બનાવે.

‘પહેલું સુખ તે જાત નિરોગી’: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, “આજના અને આવનારા સમયની સૌથી મોટી જરૂરિયાત પ્રાકૃતિક ખેતી છે. ‘પહેલું સુખ તે જાત નિરોગી’ ની આપણી પરંપરાગત ઉક્તિને સાર્થક કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર તારણોપાય છે.”

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બેક ટુ બેઝિક’ મંત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ખેડૂતો ધીમે ધીમે રસાયણમુક્ત ખેતી તરફ વળી રહ્યા છે અને આ અભિયાન હવે ગુજરાતમાં જનઆંદોલન બની ચૂક્યું છે.

Prakrutik Kheti in Gujarat

પ્રકૃતિના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: શંકરભાઈ ચૌધરી

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સૌને આવકારતાં કહ્યું કે, જીવન જીવવા માટે હવા અને પાણીને શુદ્ધ રાખવા પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવું જ પડશે. આ કામ માત્ર સરકારનું નથી, પરંતુ પ્રજાના પ્રતિનિધિઓ અને મીડિયાએ પણ જાગૃતિ લાવવામાં મોટી ભૂમિકા ભજવવી પડશે.

આ પરિસંવાદમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્યો, યુનિવર્સિટીના કુલપતિઓ, વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો: વિધાનસભામાં પોલીસ ભરતી પર મોટો નિર્ણય! રાજ્યમાં ટૂંક સમયમાં 10 હજાર કોન્સ્ટેબલોની ભરતી કરાશે

આ પણ વાંચો: હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, ગાંધીનગર વિધાનસભામાં ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ શરૂ

આ પણ વાંચો: આજથી લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર થશે,વિધાનસભામાં ના. મુખ્યમંત્રી હર્ષ સંઘવી કરશે જાહેરાત