Onion regarding Meeting: રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નૂકશાન સંદર્ભે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં એપીએમસીના આગેવાનોએ કરેલી રજૂઆતને ગંભીરતાથી સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
અગાઉ પણ આ પ્રશ્ને ખેડૂત આગેવાનોએ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજુઆતો કરેલ હતી. જેના પ્રતિભાવમાં રાઘવજી પટેલ દ્વારા ખેડૂતોને સહાય કરવા માટે હૈયા ધારણ આપવામા આવી હતી. ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ હકારાત્મક પ્રતિભાવ આપવા બદલ આગેવાનોએ અને ધારાસભ્યઓએ CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો વતી આભાર માન્યો હતો.
ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નૂકશાનથી બચાવવા રાજ્ય સરકારે ગત વર્ષે 100 કરોડની સહાય જાહેર કરી હતી. જેમાં રાજય સરકારે ખેડૂતો દ્વારા અરજી કર્યા બાદ કુલ 31674 ખેડૂતોને કુલ 69.26 કરોડની સહાય ચુકવવામાં આવી હતી. જેથી આ વખતે પણ સરકાર જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં ડુંગળીના ઘટી ગયેલા ભાવ સંદર્ભે ખેડૂતો માટે યોગ્ય નિર્ણય લેવા આજે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખા બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને તળાજા ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ રજૂઆતને ખૂબ જ સંવેદના સાથે ગંભીરતાથી સાંભળી હતી અને ખેડૂતોને થઈ રહેલા નુકસાનને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેવા તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચો: Cricket/કાંગારૂ ટીમમાં 2 ઘાતક ખેલાડીઓની એન્ટ્રીથી ટીમ ઈન્ડિયામાં ખળભળાટ
આ પણ વાંચો: Tech News/60 વર્ષ બાદ નવા લોગો સાથે માર્કેટમાં આવ્યું નોકિયા, કેમ કર્યો ફેરફાર?
આ પણ વાંચો: Climate Change/બદલાતા હવામાનમાં કુશળ ખેતી પર કાર્યશાળા, ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ
