વાપીમાં ચલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.એલ. દાફડા 1 લાખની લાંચ લેતા વલસાડ એસીબીના હાથે ઝડપાઇ જતા ચકચાર મચી ગયો હતો. પકડાયેલા પીએસઆઇએ પહેલાં 4 લાખ રોકડા લીધા બાદ 86,700નું ઘરનું ફર્નિચર પણ લાંચમાં ખરીદાવ્યું હોવાની વિગતો એસીબનીને પ્રાપ્ત થઇ હતી.
જિલ્લા એન્ટી કરપ્શન બ્યૂરો માં વાપીના એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે, તે મેડિકલ એજન્સીમાં અગાઉ નોકરી કરી ગયેલા કર્મચારીના મિત્ર સાથે ભાગીદારીમાં મેડિકલ દવાનો હોલસેલ ધંધો શરૂ કરવાના હતા અને કર્મચારીના મિત્ર રાજસ્થાન ગયા બાદ રાજસ્થાનના પોલીસ સ્ટેશનમાં કોઇ ગુનામાં સંડોવાય જતાં તેમણે ફરિયાદીને વોટ્સએપ કોલ કરી ફરિયાદી પાસે રૂપિયા 10 લાખની માંગણી કરતા ફરિયાદીએ આપવાનીના પાડી હતી.જેથી કર્મચારીના મિત્રએ ફરિયાદીની મેડિકલ એજન્સીના નામે ખોટાં લેટર પેડ બનાવી ખોટી સહિઓ કરી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી અને રૂપિયા ન આપે તો ફરિયાદીને ખોટાં કેસમાં ફસાવી દેવાની તેમજ તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદીએ આ અંગે કર્મચારીના મિત્ર વિરુદ્ધમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં 14 એપ્રિલે લેખિત અરજી આપી હતી.
અરજીની તપાસ કરી રહેલા વાપી ટાઉન પોલીસ સ્ટેશન હસ્તકના ચલા પોલીસ ચોકીના સબ ઇન્સ્પેકટર પી.એલ.દાફડાએ એફઆઇઆર દાખલ કરવાના અવેજ પેટે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાંથી પીએસઆઇ દાફડાએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે 4 લાખ અગાઉ લઈ લીધા હતા અને એફઆઇઆર દાખલ કરી હતી. જે બાદ પોતાના ઘરના જરૂરી ફર્નિચર જેમાં 1 AC, 1 ફ્રીઝ, 2 સેટી, 2 ગાદી, 1 કબાટ, 1 ગીઝર મળી કુલ 86,700 રૂપિયાની ચીજ-વસ્તુઓ ખરીદાવી હતી.
બાકીના 1 લાખ રૂપિયા લાંચની રકમ પેટે લેવાના બાકી હોવાથી PSI દાફડાએ માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવોથી ફરિયાદીએ 22 મેના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશન વલસાડનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરી PSI દાફડાને ફરિયાદીના ઘરે બોલાવ્યા હતા. જ્યાં PSI પી.એલ.દાફડા 1 લાખની રકમ સ્વિકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
