Rajkot News : રાજકોટ મહાનગરપાલિકામાં જન્મના દાખલા (Birth Certificate) કઢાવવા આવનાર નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ સહિતના અનેક દસ્તાવેજો માટે જન્મનું પ્રમાણપત્ર (Birth Certificate)ફરજિયાત હોવા છતાં, તાજેતરમાં આધાર વિભાગે RMC દ્વારા આપવામાં આવેલા કેટલાક જૂના જન્મ પ્રમાણપત્રોને અમાન્ય ઠેરવ્યા છે. પરિણામે નવું, QR કોડવાળું જન્મ પ્રમાણપત્ર મેળવવા અરજદારોની લાંબી લાઈનો લાગી રહી છે.
ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર હવે જન્મ-મરણની તમામ એન્ટ્રીઓ કેન્દ્ર સરકારના CRS (Civil Registration System) પોર્ટલ પર કરવી ફરજિયાત બની છે. પરંતુ અહીં મોટી ટેકનિકલ અડચણ સામે આવી છે. CRS પોર્ટલમાં એક મહિનામાં માત્ર 100 એન્ટ્રી કરવાની મર્યાદા હોવાનો મેસેજ આવી રહ્યો છે, જ્યારે હકીકતમાં દરરોજ 400થી 500 અરજદારો મનપાની કચેરીએ રજૂઆત લઈને આવી રહ્યા છે.
જન્મના દાખલા (Birth Certificate) માં ફેરફાર માટે આવનાર નાગરિકોને દિવસો સુધી ધક્કા ખાવા પડે છે
આ પરિસ્થિતિને કારણે જન્મના દાખલા (Birth Certificate) માં ફેરફાર કરાવવા આવનાર નાગરિકોને દિવસો સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. મનપા કચેરીએ આવેલા અરજદાર દીપાબેને જણાવ્યું કે, આધારકાર્ડમાં જન્મતારીખ સુધારવા માટે જન્મનો દાખલો (Birth Certificate)અને મેરેજ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. નવું જન્મ પ્રમાણપત્ર કાઢાવ્યા બાદ પણ તે બારકોડવાળું ન હોવાથી સ્વીકારાતું નથી, જ્યારે જૂનું પ્રમાણપત્ર પણ અમાન્ય ગણવામાં આવે છે. મેરેજ સર્ટિફિકેટમાં નામની સ્પેલિંગની ભૂલ હોવાના કારણે તેમાં પણ સુધારો જરૂરી બન્યો છે. આમ, બંને સર્ટિફિકેટ નવા કાઢાવ્યા છતાં કામ અટવાઈ ગયું છે.
આ સમગ્ર મામલે રાજકોટ મનપાના જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું કે, હાલ ગુજરાત સરકાર દ્વારા ડેટા શિફ્ટિંગની કામગીરી ચાલી રહી હોવાથી ‘ઈ-ઓળખ’ વેબસાઈટ અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં જૂની વિગતો નોંધવા માટે CRS પોર્ટલનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં રહેલી મર્યાદાઓ ગંભીર સમસ્યા બની છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, લાખોની સંખ્યામાં પડતર અરજીઓ સામે માત્ર 100 એન્ટ્રીની મર્યાદા હોવાથી કોને પ્રાથમિકતા આપવી તે મોટો પ્રશ્ન બની ગયો છે. આ અંગે સરકારમાં લેખિત, મૌખિક તેમજ વોટ્સએપ મારફતે રજૂઆત કરી દેવામાં આવી છે. હાલ અરજદારોને ડેટા શિફ્ટિંગ પૂર્ણ થયા બાદ કામ શરૂ થશે તેવી આશ્વાસનરૂપ માહિતી આપવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરિણામે અરજદારોને એપ્રિલ મહિના સુધી રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાનું જન્મ-મરણ વિભાગ હાલમાં ત્રણ અલગ-અલગ પોર્ટલ પર કામ કરે છે. જેમાં 1944થી 2020 સુધીની એન્ટ્રીઓ મનપાના પોતાના પોર્ટલમાં છે, જે હવે આધારકાર્ડ માટે અમાન્ય બની છે. 2020થી 2025 સુધીની એન્ટ્રીઓ ‘ઈ-ઓળખ’ પોર્ટલમાં છે, જેમાં સ્થાનિક અધિકારીઓને ફેરફાર કરવાની સત્તા નથી. જ્યારે હવે CRS પોર્ટલમાં નવી એન્ટ્રીઓ થઈ રહી છે. આવી સ્થિતિમાં મનપાએ અત્યાર સુધી કરેલી 20 લાખથી વધુ એન્ટ્રીઓનું સ્થળાંતર કરવાની ફરજ ઊભી થઈ છે.
પર્યાપ્ત સ્ટાફ અને ટેકનિકલ સુવિધાઓના અભાવે એક તરફ નાગરિકો પરેશાન છે તો બીજી તરફ અધિકારીઓ પણ અસહાય સ્થિતિમાં મુકાયા છે. હવે સરકાર આ ગંભીર સમસ્યાનો ક્યારે અને શું ઉકેલ લાવે છે તે જોવું રહ્યું.
