Jamnagar News: જામનગરમાં વિદેશી દારૂનો જથ્થો (Foreign Liquor) કારમાંથી ઝડપાયો છે. આમ જામનગરમાં વિદેશી દારૂના શોખીનો વધ્યા છે. જામનગરમાં શેખપાટ ગામના પાટીયા પાસેથી કાર મળી આવી હતી. ખુલ્લા પ્લોટમાં પડેલી કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
કારમાંથી વિદેશી દારૂની 202 નંગ બોટલ મળી આવી હતી. કાર અને દારૂ સહિત રૂ. 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીની શોધખોળ જારી છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર રાજકોટ રોડ પરથી એક કાર મારફતે ઈંગ્લીશ દારૂનો જથ્થો જામનગરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન એક પ્લોટમાં સફેદ કલરની સ્કોડા કાર નજર પડી હતી.
એલસીબી*(LCB)ની ટુકડીએ નજીક જઈને નિરીક્ષણ કરતાં ઉપરોક્ત જીજે-3 ઇ.આર.0888 નંબરની કાર બિનવારસી પડેલી હતી. તે કારને ખોલીને અંદર નિરીક્ષણ કરતાં કારની અંદરથી 202 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઇંગ્લિશ દારૂ અને કાર સહિત રૂપિયા 4,66,400 ની માલમતા કબ્જે કરી લીધી છે, અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં દારૂબંધી ભંગ અંગે ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે, અને અજાણ્યા બુટલેગરને ફરાર જાહેર કર્યા પછી કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
આ સિવાય શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં આવેલ ભોઈવાડાના ઢાળિયા પાસેથી પ્રમોદકુમાર નોનીરામ મૌર્ય નામના પરપ્રાંતિય શખ્સને સિટી એ ડિવિઝન પોલીસે ઈંગ્લિશ દારૂની 25 બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 12,500નો મુદામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સામે પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં એસ.એમ.સી.એ લાખો રૂપિયાનો પરપ્રાંતિય વિદેશી દારૂ પકડ્યો
આ પણ વાંચોઃ એસ.ટી.વિભાગના વિજીલન્સના ચેકિંગમાં બસમાંથી નીકળ્યો દારૂનો જથ્થો
