Rajkot News : રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી મેગા ડિમોલિશન કામગીરીનો ખર્ચ હવે નવા વિવાદમાં સપડાયો છે. જનરલ બોર્ડમાં રજૂ થયેલી વિગતો મુજબ સમગ્ર ડિમોલિશન કામગીરી પાછળ કુલ રૂ. 2.72 કરોડથી વધુનો ખર્ચ થયો હતો, જેમાં માત્ર પીવાના પાણી પાછળ રૂ. 22.92 લાખનો ખર્ચ (Water Expense)દર્શાવવામાં આવ્યો છે. આ આંકડાને લઈને કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને છેલ્લા બે વર્ષમાં પાણી ખરીદીના ખર્ચની વિગતો માંગતી RTIનો જવાબ ન મળતા મામલો કોર્ટ સુધી લઈ જવાની તૈયારી દર્શાવી છે.
RTIમાં પાણી ખરીદીની વિગતો માંગવામાં આવી
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કોમલ ભારાઈએ RTI હેઠળ પૂછ્યું હતું કે, જંગલેશ્વર ડિમોલિશન (Junglehwar Demolition)દરમિયાન પાણી સપ્લાય કરનાર ઉમિયાજી મંડપ પાસેથી છેલ્લા બે વર્ષમાં મનપાએ કેટલું પીવાનું પાણી ખરીદ્યું અને તેના બદલામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો.
જોકે મનપા તંત્રે જવાબ આપતા જણાવ્યું કે માંગવામાં આવેલી માહિતી ‘વિસ્તૃત અને ગોપનીય’ હોવાથી જાહેર કરી શકાય નહીં. આ જવાબ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવી જણાવ્યું છે કે જાહેર નાણાંથી થયેલા ખર્ચની માહિતી ગોપનીય કેવી રીતે હોઈ શકે.
કોંગ્રેસનો આક્ષેપ: પાણી ખરીદીમાં ગેરરીતિની આશંકા
કોંગ્રેસના નેતા રણજીત મૂંધવાએ આક્ષેપ કર્યો કે પાણીની બોટલો બજારમાં મળતા ભાવ કરતાં વધુ કિંમતે ખરીદવામાં આવી હોવાની આશંકા છે. તેમણે દાવો કર્યો કે લાખો રૂપિયાનું પાણી ખરીદવામાં આવ્યું હોવા છતાં તેની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે મનપા અને સપ્લાયર વચ્ચે સાંઠગાંઠ હોવાની શંકા વધુ મજબૂત બની રહી છે.
તેમણે જણાવ્યું કે જો માહિતી અપીલમાં પણ નહીં મળે તો કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવશે.
જમવાના ખર્ચ કરતાં પાણીનો ખર્ચ લગભગ બરાબર

ડિમોલિશન કામગીરી દરમિયાન સ્ટાફ માટે જમણ અને રિફ્રેશમેન્ટ પાછળ રૂ. 27.20 લાખનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે માત્ર પીવાના પાણી પાછળ રૂ. 22.92 લાખનો ખર્ચ નોંધાયો છે.
આ બંને ખર્ચ વચ્ચેનો નાનો તફાવત પણ ચર્ચાનો વિષય બન્યો છે. વિરોધ પક્ષે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જમવાના ખર્ચ જેટલો જ પાણી પાછળ ખર્ચ કેવી રીતે થઈ શકે.
21થી 27 ફેબ્રુઆરી સુધી ચાલી કામગીરી
મનપાની વિગતો મુજબ જંગલેશ્વર વિસ્તારમાં 21 અને 22 ફેબ્રુઆરીએ લોકોને સ્થળાંતર માટે સમજાવટ કરવામાં આવી હતી. ત્યારબાદ 23 અને 24 ફેબ્રુઆરીએ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જ્યારે 25થી 27 ફેબ્રુઆરી સુધી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં અંદાજે 4,600થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનો જોડાયા હતા.
ડિમોલિશન ખર્ચનો મુખ્ય હિસ્સો ક્યાં થયો?
જનરલ બોર્ડમાં રજૂ થયેલા ખર્ચ મુજબ:
- કુલ ખર્ચ : રૂ. 2,72,92,737
- વાહનો, મશીનરી અને માનવબળ : રૂ. 1.47 કરોડ
- પીવાનું પાણી : રૂ. 22.92 લાખ
- વીડિયોગ્રાફી અને ડ્રોન સર્વેલન્સ : રૂ. 28.05 લાખ
- સ્ટાફના જમણ અને રિફ્રેશમેન્ટ : રૂ. 27.20 લાખ
- C&D વેસ્ટ પરિવહન : રૂ. 11.80 લાખ
- મંડપ વ્યવસ્થા : રૂ. 9.09 લાખ
- બસ વ્યવસ્થા : રૂ. 6.69 લાખ
- હેલ્મેટ ખરીદી : રૂ. 4.71 લાખ
- એપ્રન ખરીદી : રૂ. 5.07 લાખ
- ડીઝલ ખર્ચ : રૂ. 3.56 લાખ
ઉમિયાજી મંડપને કેવી રીતે મળ્યો કોન્ટ્રાક્ટ?
મનપાની માહિતી મુજબ વર્ષ 2023માં દ્વિવાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં એજન્સીએ SOR કરતાં વધુ દર રજૂ કર્યા હતા. બાદમાં નેગોશિયેશન દરમિયાન 27 ટકા વધારાના દરે કામ કરવા સંમતિ આપતાં બે વર્ષ માટે કોન્ટ્રાક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો.
ખર્ચની તપાસ માટે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)એ કમિટી રચી
જંગલેશ્વર ડિમોલિશન ખર્ચની તપાસ માટે મનપાએ કમિટી રચી છે. હવે આ કમિટી પાણી ખરીદી સહિતના ખર્ચની નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં, તે મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે. બીજી તરફ RTIમાં માહિતી ન આપવાના નિર્ણય સામે કોંગ્રેસ કાનૂની લડત લડવાની તૈયારીમાં છે.
