Himachal Flood News: હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન કુદરતી આફતો અને માર્ગ અકસ્માતોએ ભારે તબાહી મચાવી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ, 30 જૂનથી 11 ઓગસ્ટ સુધીના 43 દિવસમાં કુલ 163 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 257 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે એક વ્યક્તિ હજુ લાપતા છે.
અહેવાલ પ્રમાણે, ચોમાસા સાથે સંકળાયેલી વિવિધ કુદરતી આફતોમાં 70 લોકોએ જીવ ગુમાવ્યો, જ્યારે માર્ગ અકસ્માતોમાં 93 લોકોના મોત નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યને અંદાજે ₹910.34 કરોડનું આર્થિક નુકસાન થયું છે.
વૃક્ષો અને ખડકો પડવાથી સૌથી વધુ મોત
કુદરતી આફતોમાં વૃક્ષો અથવા ઊંચાઈ પરથી ખડકો પડવાની ઘટનાઓ સૌથી ઘાતક સાબિત થઈ છે. આવી ઘટનાઓમાં રાજ્યમાં કુલ 23 લોકોના મોત થયા છે. તેમાં શિમલામાં 6, કુલ્લુમાં 5, ચંબામાં 4, મંડીમાં 3, કાંગડામાં 2 તથા હમીરપુર, કિન્નૌર અને સિરમૌરમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.
ભૂસ્ખલનને કારણે પણ 14 લોકોના જીવ ગયા છે. તેમાંથી સૌથી વધુ 13 મોત એકલા લાહૌલ-સ્પિતિ જિલ્લામાં નોંધાયા છે, જ્યારે ચંબામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
સાપ કરડવાથી 7 અને વીજળી પડવાથી 6નાં મોત
ચોમાસા દરમિયાન સાપ કરડવાની ઘટનાઓમાં પણ 7 લોકોના મોત થયા છે. કાંગડામાં 4, સિરમૌરમાં 2 અને ઉનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
તેમજ વીજળી પડવાથી કુલ 6 લોકોનાં મોત થયા છે. કાંગડા અને ઉનામાં બે-બે, જ્યારે હમીરપુર અને શિમલામાં એક-એક મૃત્યુ નોંધાયું છે. આ ઉપરાંત ડૂબી જવાથી 4, આગની ઘટનામાં એક અને કાંગડામાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે.
માર્ગ અકસ્માતોમાં 93 લોકોનાં મોત
ચોમાસા દરમિયાન ખરાબ રસ્તાઓ અને ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધી છે. 43 દિવસના સમયગાળામાં માર્ગ અકસ્માતોમાં 93 લોકોના મોત થયા છે.
જિલ્લાવાર આંકડા પ્રમાણે ચંબા 16 મોત સાથે સૌથી આગળ છે. ત્યારબાદ કુલ્લુમાં 13, સિરમૌરમાં 12, શિમલામાં 11 અને કાંગડામાં 10 લોકોનાં મોત થયા છે. સોલનમાં 8, ઉનામાં 6, કિન્નૌરમાં 5, બિલાસપુર અને લાહૌલ-સ્પિતિમાં 4-4, મંડીમાં 3 અને હમીરપુરમાં એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.
આ આંકડા દર્શાવે છે કે હિમાચલ પ્રદેશમાં ચાલુ ચોમાસા દરમિયાન કુદરતી આફતોની સાથે રસ્તા સુરક્ષા પણ મોટો પડકાર બની છે.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક બસ અકસ્માત, ખીણમાં ખાબકતા 7 લોકોના મોત
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા-વરસાદથી હાહાકાર, 685 રસ્તા બંધ, પ્રવાસીઓ ફસાયા
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં જાતિ ભેદભાવ અને ઉત્પીડનથી કંટાળી, છોકરાએ ઝેર પી લીધું…..
