Mumbai Fire and Kurla Landslide News: મુંબઈમાં મોડી રાત્રે અને વહેલી સવારે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓથી શહેરમાં ચકચાર મચી ગઈ હતી. વિલે પાર્લે વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી, જ્યારે કુર્લા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે કેટલાક ઝૂંપડાં કાટમાળ નીચે દટાઈ ગયાં હતા.
Mumbaiના વિલે પાર્લેમાં બિલ્ડિંગના 11મા માળે આગ
Mumbai ના વિલે પાર્લે વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતના 11મા માળે આવેલા બે ફ્લેટમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે ફ્લેટમાં રહેલું ફર્નિચર, ઇલેક્ટ્રિક વાયરિંગ, એસી યુનિટ અને ફોલ્સ સીલિંગ તેની ઝપેટમાં આવી ગયાં હતાં. આગના કારણે ફ્લેટમાં ધુમાડો ભરાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ રાત્રે આશરે એક વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.
અઢી વર્ષના બાળક સહિત બે લોકોનાં મોત
આ દુર્ઘટનામાં અઢી વર્ષના બાળક અબીર અને 23 વર્ષીય યુવતી અંકિતાનું મોત થયું છે. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય છ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
કુર્લામાં ભૂસ્ખલનથી ઝૂંપડાં દટાયાં
બીજી તરફ, કુર્લાના ચિરાગ નગર વિસ્તારમાં વહેલી સવારે ભૂસ્ખલનની ઘટના બની હતી. ગૌસિયા ચૌલ વિસ્તારમાં ભૂસ્ખલન થતાં ત્રણથી ચાર ઝૂંપડાં કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
એક જ રાતમાં બે દુર્ઘટનાઓથી ચિંતા
મુંબઈમાં(Mumbai) એક જ રાત દરમિયાન બનેલી આ બંને ઘટનાઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. એક તરફ રહેણાંક ઈમારતોમાં આગની સુરક્ષા અંગે ચિંતા છે, તો બીજી તરફ ભૂસ્ખલનના જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી પણ મહત્વનો મુદ્દો બની છે. હાલ બંને ઘટનામાં સંબંધિત ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વિદેશીઓએ દિલ્હીને આપ્યો ‘ઝીરો’ સ્કોર! મુંબઈને ગણાવ્યું વિદેશી પ્રવાસીઓ માટે બેસ્ટ શહેર
આ પણ વાંચો: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ દરોમાં વધારો: ગોધરા-વડોદરા સેક્શન માટે NHAIએ જાહેર કર્યા નવા ચાર્જ
આ પણ વાંચો: મુંબઈમાં વરસાદનો કહેર: રસ્તાઓ પાણીમાં ગરકાવ, અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ અને વીજળી ગુલ
