સુરેન્દ્રનગર/ વરસાદને કારણે ભોગાવા નદીમાં પાણી આવતા સૌકા-લીંબડી વચ્ચેનો પુલ ધોવાયો

વિકાસની મોટી મોટી વાતો વચ્ચે છેલ્લા 5 વર્ષથી સૌકા, લીયાદ અને લાલીયાદના ગ્રામજનોનો પુલ બનવાની વાટ જોઈ રહ્યા છે.

Gujarat Others

આજે વરસેલા 21 ઈંચ વરસાદને કારણે સૌકા, ઉઘલ અને પાણશીણા ગામના બેઠા કોઝ-વે તૂટી ગયા હતા. રાજય સરકારે સૌકા, પાણશીણા અને ઉઘલ ગામના તૂટેલા કોઝ-વેની જગ્યાએ પુલ મંજૂર કરી આપ્યા હતા. સમય જતાં પાણશીણા અને ઉઘલ ગામના પુલ બની ગયા. પરંતુ 5 વર્ષના વહાણાં વીતી ગયા છતાંય સૌકા-લીંબડીને જોડતો પુલ બન્યો નહીં.

સૌકા-લીંબડી વચ્ચે 2017માં તૂટેલા કોઝ-વેની જગ્યાએ તંત્ર દ્વારા સીમેન્ટના પાઈપ નાંખી તેના પર માટી નાંખી કાચો પુલ તૈયાર કરી દેવામાં આવે છે. દર વર્ષે ચોમાસામાં વધુ વરસાદ આવે કે વડોદ ડેમમાંથી પાણી છોડાય એટલે સૌકા-લીંબડી વચ્ચેનો માટીનો પુલ તૂટી જાય છે. જેના કારણે સૌકા, લીયાદ અને લાલીયાદના 10 હજારથી વધુ લોકો લીંબડી સાથેનો સંપર્ક તૂટી જાય છે.

વિકાસની મોટી મોટી વાતો વચ્ચે છેલ્લા 5 વર્ષથી સૌકા, લીયાદ અને લાલીયાદના ગ્રામજનોનો પુલ બનવાની વાટ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે વડોદ ડેમ 19 ટકા જ ભરાયો છે. છેલ્લા 3 દિવસમાં લીંબડી તાલુકામાં વરસેલા વરસાદને કારણે ભોગાવા નદીમાં પાણી વહેતું થયું હતું. ભોગાવા નદીમાં પાણીની આવક આવતાં જ સૌકા-લીંબડીને જોડતો એકમાત્ર કાચો કોઝ-વે ધોવાઈ ગયો છે. જો કે સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ધોવાણ થયેલા કોઝ-વે પર માટી નાંખી દ્વિચક્રી વાહનો માટે રસ્તો કાર્યરત કરી દીધો છે. પરંતુ એસ.ટી સહિતના મોટા વાહનો આ તૂટેલા કોઝ-વે પરથી પસાર થઈ શકે તેમ નથી. સૌકા-લીંબડીને જોડતો પુલનું કામ વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી 10 હજારથી વધુ લોકોએ માગ કરી હતી.