Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 10 જૂન સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાં વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. દમણ તેમજ દાદરા અને નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેવાની સંભાવના હોવાથી લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
