ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીએ મુગલ શાસક અકબર વિશે એક નિવેદન આપ્યુ છે. સૈનીએ કહ્યુ કે, અકબર મહિલાઓનાં કપડા પહેરીને મીના બજારમાં જતો હતો અને ત્યા ગયા બાદ તે દુષ્કર્મ કરતો હતો. તેમણે વધુમાં કહ્યુ કે, અકબરે બિકાનેરની રાણી કિરણ દેવી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ વર્તન પર રાણીએ સમ્રાટનાં ગળા પર તલવાર રાખી દીધી હતી અને અકબરને પોતાના જીવન માટે રાણી પાસેથી ભીખ માંગવી પડી હતી.
ભાજપ અધ્યક્ષ દ્વારા આ નિવેદન સામે આવ્યા બાદ કોંગ્રેસે સૈની પર પ્રહારો શરૂ કરી દીધા છે. કોંગ્રેસનું કહેવુ છે કે, સૈનીનું આ નિવેદન સમાજમાં તણાવ પેદા કરનારુ અને ઇતિહાસને વિકૃત કરનાર છે. સૈનીએ આ નિવેદન ભાજપ કાર્યાલયમાં મહારાણા પ્રતાપની જયંતિનાં અવસર પર આયોજીત કાર્યક્રમ બાદ આપ્યુ હતુ. તેમણે અકબર મહાન કે મહારાણા પ્રતાપનાં સવાલ પર કહ્યુ કે, કોઇ વ્યક્તિની મહાનતાને તેના ચરિત્રથી આંકવી જોઇએ. ત્યારબાદ સૈનીએ કહ્યુ કે, અકબરે મીના બજાર લગાવ્યુ અને મીના બજારમાં બધા કામ મહિલાઓ જ કરતી હતી. અકબર મહિલાઓનાં વેશમાં ત્યા જતો હતો અને દુષ્કર્મ કરતો હતો. જો કે અંતમાં તેમણે કહ્યુ કે, દુષ્કર્મથી મારો મતલબ છેડતી છે.
ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સૈનીએ વધુમાં કહ્યુ કે, ચરિત્ર જોવુ પડશે કે મહાન કોણ થઇ શકે છે. દરમિયાન કોંગ્રેસની પ્રવક્તા અર્ચના શર્માએ આ નિવેદન પર કહ્યુ કે, તેમણે જે ભાવનાઓ વ્યક્ત કરી છે તે ઘણી નિંદનીય છે.
