Rajkot News:સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂસ્તરીય હલચલ યથાવત રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપ (Earthquake)ના અનેક હળવા આંચકા અનુભવાયા છે. આ આંચકાઓએ સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે, જેના કારણે ઘણા પરિવારો રાત્રે અને વહેલી સવારે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.ISR અને અન્ય સ્ત્રોતો અનુસાર, ગઈ રાત્રે (8 જાન્યુઆરી) રાત્રે આશરે 8:43 વાગ્યે 3.3 તીવ્રતાનો પ્રથમ આંચકો અનુભવાયો હતો.
જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપ (Earthquake)ના આંચકા
ત્યારબાદ આજે વહેલી સવારે 6:18-6:19 વાગ્યે 3.8 તીવ્રતાનો સૌથી મજબૂત આંચકો આવ્યો, જેનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી આશરે 28-30 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પછી 6:58, 8:21 (3.0 તીવ્રતા) અને 8:34 (3.2 તીવ્રતા) વાગ્યે વધુ આંચકા અનુભવાયા. માહિતી અનુસાર, સવારના માત્ર બે કલાકમાં 7 આંચકા અને આખા દિવસમાં વધુ અનુભવાયા હોવાના અહેવાલ છે.આ ભૂકંપના આંચકા મુખ્યત્વે ધોરાજી, ઉપલેટા અને જેતપુર શહેરો તેમજ જેતલસર, પેઢલા, સરધારપુર, પાંચપીપળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટપણે અનુભવાયા.

સદનસીબે, આ તમામ આંચકા હળવા હોવાથી કોઈ જાનહાનિ કે મોટા પ્રકારના માલના નુકસાનના અહેવાલ નથી. જોકે, સતત આંચકાઓને કારણે ધોરાજી અને આસપાસની કેટલીક ખાનગી શાળાઓએ સાવચેતીરૂપે આજે રજા જાહેર કરી દીધી છે અને શાળાએ ગયેલા બાળકોને પણ ઘરે મોકલી આપવામાં આવ્યા છે.આ વિસ્તારમાં ભૂકંપ (Earthquake)ના આંચકા નવી વાત નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કચ્છ સહિત અનેક વિસ્તારોમાં આવા હળવા આંચકાઓનો સિલસિલો જોવા મળી રહ્યો છે.
