Rajkot Election TRP Game Zone Fire Impact: રાજકોટના ગોઝારા TRP ગેમ ઝોન અગ્નિકાંડની આગ હજુ લોકોના મનમાંથી સંપૂર્ણપણે ઠરી નથી, ત્યાં જ હવે તેની આંચ રાજકીય ગલિયારાઓમાં વર્તાવા લાગી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકોટ ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે મોટી હલચલ મચી ગઈ છે. હાઈકમાન્ડ દ્વારા આ વખતે ટિકિટ વહેંચણીમાં પહેલા કરતા અનેકગણી કડકાઈ દાખવવામાં આવી રહી છે, જેના કારણે અનેક પ્રસ્થાપિત નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે.
Rajkot અગ્નિકાંડ સાથે જોડાયેલા ચહેરાઓની થશે સીધી બાદબાકી
સૂત્રોના જણાવ્યા અનુસાર, TRP ગેમ ઝોન કાંડ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા કોઈપણ ચહેરાને આ વખતે બક્ષવામાં નહીં આવે. જેમની પણ બેદરકારી કે મિલીભગતની શંકા અગાઉ સેવાઈ હતી, તેવા તમામ વર્તમાન નેતાઓ અને કોર્પોરેટરોના પત્તા કાપવાના સ્પષ્ટ સંકેતો હાઈકમાન્ડ તરફથી આપી દેવામાં આવ્યા છે. પાર્ટી કોઈપણ ભોગે નથી ઈચ્છતી કે આ ગોઝારા કાંડનો ડાઘ આગામી ચૂંટણીમાં તેમના પરિણામો પર કોઈ વિપરીત અસર પાડે.
‘દાગી નેતાઓને ટિકિટ નહીં‘, સર્વેમાં જનતાનો સ્પષ્ટ અવાજ
ચૂંટણી પહેલા એક આંતરિક સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અગ્નિકાંડને લઈને રાજકોટના નાગરિકોમાં હજુ પણ ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે. લોકોએ સર્વેમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં પોતાનું મંતવ્ય આપ્યું છે કે, “દાગી અને ભ્રષ્ટ નેતાઓને કોઈપણ સંજોગોમાં ટિકિટ મળવી જોઈએ નહીં.” રાજકોટ ભાજપમાં આંતરિક હલચલ તેજ બની નાગરિકોની આ ઉગ્ર માંગ અને હાઈકમાન્ડની કડકાઈને કારણે હાલ રાજકોટ ભાજપમાં ભારે આંતરિક ગરમાવો જોવા મળી રહ્યો છે. જે નેતાઓ અગાઉ પોતાની ટિકિટ પાક્કી માનીને બેઠા હતા, તેઓ હવે પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવવા દોડધામ કરી રહ્યા છે. આ વખતે રાજકોટમાં અનેક જૂના જોગીઓને ઘરે બેસાડીને તેમના સ્થાને સ્વચ્છ છબી ધરાવતા એકદમ નવા ચહેરાઓને તક આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.
