Rajkot News: રાજકોટ શહેરમાં મંજૂર સ્થળ સિવાય અન્ય જગ્યાએ શાળા (Rajkot School) ચલાવવાના આક્ષેપો વચ્ચે શિક્ષણ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ અને ભક્તિનગર સર્કલ નજીકની અંબિકા વિદ્યાલયને લઈને મંજૂરી વિના સ્થળ ફેરફાર અને વિદ્યાર્થીઓની સલામતી સહિતના મુદ્દાઓ સામે આવ્યા છે. સમગ્ર મામલે રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress)ના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે શિક્ષણ વિભાગ અને મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, બંને શાળાઓમાં વિદ્યાર્થીઓને મંજૂર સ્થળથી અલગ જગ્યાએ બેસાડવામાં આવતા હોવાના મુદ્દે તપાસની જરૂરિયાત ઊભી થઈ હતી.
Rajkot School: ન્યૂ ફ્લોરા સ્કૂલને બંધ કરવાની નોટિસ
રોહિત રાજપૂતના જણાવ્યા મુજબ, વર્ષ 2024માં રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ પાસે ફાયર NOC અને BU સર્ટિફિકેટ ન હોવાના મુદ્દે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી.તેમનો આક્ષેપ છે કે ત્યારબાદ શાળાનું સ્થળ બદલવા માટે જરૂરી મંજૂરી લીધા વિના અન્ય સ્થળે શાળા શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ સાડીનું કારખાનું ચાલતું હોય તેવી જગ્યાએ પાર્ટિશન અને અન્ય માળખું ઊભું કરીને શાળા શરૂ કરવામાં આવી હતી.
રજૂઆતકર્તાના જણાવ્યા પ્રમાણે, આ સ્થળે છેલ્લા બે વર્ષથી શાળા ચાલી રહી હોવા છતાં લાંબા સમય સુધી સંબંધિત વિભાગો દ્વારા પૂરતી તપાસ કરવામાં આવી નહોતી.હવે રજૂઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે સ્કૂલ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હોવાનું જણાવાયું છે. પ્રથમ હિયરિંગ દરમિયાન શાળાના સંચાલકો હાજર ન રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
450 વિદ્યાર્થીઓની સલામતી અંગે સવાલ
ન્યૂ ફ્લોરા સ્કૂલ (New Flora School Rajkot)ના નવા સ્થળે અંદાજે 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રજૂઆતમાં શાળાના બિલ્ડિંગની સલામતી અને ફાયર સેફ્ટીને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.રોહિત રાજપૂતના જણાવ્યા મુજબ, શાળામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે એક જ માર્ગ હોવાનો આક્ષેપ છે. જો કોઈ આગ કે અન્ય દુર્ઘટના સર્જાય તો વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી છે.આ મામલે મહાનગરપાલિકા દ્વારા 18 જુલાઈએ ફાયર NOCના મુદ્દે નોટિસ આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

અંબિકા વિદ્યાલયના સ્થળને લઈને પણ સવાલ
બીજી તરફ, અંબિકા વિદ્યાલય (Ambika Vidyalaya Rajkot)ને લઈને પણ શાળાના મંજૂર સરનામા અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા સ્થળ વચ્ચે વિસંગતતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે.રજૂઆતકર્તાના જણાવ્યા મુજબ, એક વિદ્યાર્થીના લિવિંગ સર્ટિફિકેટમાં દર્શાવાયેલા સરનામા અને રાજ્ય સરકારની UDISE સિસ્ટમમાં દર્શાવાયેલા શાળા (Rajkot School)ના સરનામા વચ્ચે તફાવત જોવા મળ્યો હતો.આ બાબતની તપાસ દરમિયાન શહેરના 80 ફૂટ રોડ વિસ્તારમાં કોઠારિયા કોલોનીમાં અંબિકા વિદ્યાલય ચાલે છે, જ્યારે તેનું પ્રાઇમરી સેક્શન યુનિવર્સિટી રોડ પર આવેલી પ્રીમિયર સ્કૂલના બિલ્ડિંગમાં ચાલતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

‘બોગસ એડમિશન હોય તો રદ કરવામાં આવે’
આ મામલે રોહિત રાજપૂતે શાળા (Rajkot School)ના સ્થળ અને પ્રવેશ પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે જો વિદ્યાર્થીઓને મંજૂર સ્થળથી અલગ જગ્યાએ બેસાડવામાં આવતા હોય અથવા નિયમ વિરુદ્ધ પ્રવેશ આપવામાં આવ્યા હોય તો સમગ્ર પ્રક્રિયાની તપાસ થવી જોઈએ.તેમણે કથિત અનિયમિતતા સાબિત થાય તો સંબંધિત શાળા (Rajkot School)ઓ સામે કડક કાર્યવાહી કરવા અને બોગસ એડમિશન હોવાનું સાબિત થાય તો આવા પ્રવેશ રદ કરવાની માંગ કરી છે.
શિક્ષણ વિભાગની કાર્યવાહીથી મામલો ગરમાયો
મંજૂર સ્થળ સિવાય શાળા (Rajkot School) ચલાવવાના આક્ષેપો, ફાયર સેફ્ટી, NOC અને વિદ્યાર્થીઓની સલામતી જેવા મુદ્દાઓને કારણે રાજકોટમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે.હાલ ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે સ્કૂલ બંધ કરવાની નોટિસ સહિતની કાર્યવાહી ચર્ચામાં છે. બીજી તરફ અંબિકા વિદ્યાલય અને પ્રીમિયર સ્કૂલને લગતા આક્ષેપોની પણ યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.વિદ્યાર્થીઓનું શિક્ષણ અટક્યા વિના તેમની સુરક્ષા, શાળાની માન્યતા અને સ્થળની મંજૂરી સહિતના તમામ નિયમોનું પાલન થાય તે દિશામાં શિક્ષણ વિભાગ હવે શું પગલાં લે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો:રાજકોટમાં વાલીઓના ખિસ્સા પર બોજઃ સ્કૂલ વાન-રીક્ષા ભાડાંમાં વધારો
