રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દાઝી ગયેલા, ઘાયલ થઈ ગયેલા દર્દીઓને સ્કીનની તાતી જરૂરિયાત પડી રહી છે જેને ધ્યાનમાં રાખી થોડા મહિનાઓ અગાઉ જ પ્રાઈવેટ સ્કીન બેન્ક શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં પણ ટૂંક સમયમાં નવી સ્કીન બેન્કનો પ્રારંભ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્કીન બેન્ક શરૂ કરનારી ગુજરાતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની જશે.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું કે, પ્રાઇવેટ હોસ્પિટલમાં તો સ્કિન બેન્ક કાર્યરત છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલ ગુજરાતની એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બનશે જેમાં સ્કિન બેન્ક કાર્યરત થશે.
તાજેતરમાં જ સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, બી.જે.મેડિકલ કોલેજના વડા તેમજ સુરત મેડિકલ કોલેજના વડાએ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેન્કને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાનું ઈન્સ્પેક્શન કર્યું હતું. આ ઈન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ એક સપ્તાહની અંદર સુપ્રત કરવામાં આવશે. જો કે સંપૂર્ણ રીતે સ્કીન બેન્ક ટૂંક સમયમાં શરુ થશે.
મોટાભાગે સ્કિન બેન્કની સુવિધા કોવિડ (પીએમએસએસવાય) બિલ્ડિંગમાં જ કરવામાં આવી શકે છે. અત્યારે આ બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ કાર્યરત છે અને ત્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને સ્કિનની જરૂર પડે તો તેમને વિનામૂલ્યે આપવામાં આવશે. જ્યારે પ્રાઈવેટ કે ટ્રસ્ટની હોસ્પિટલને સ્કિનની જરૂરિયાત ઉભી થાય તો તેમને રાહતદરે સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કિન આપવામાં આવશે. આ માટે ડેઝિગ્નેટેડ ડૉક્ટર, ટેક્નિશ્યન, નર્સિંગ સ્ટાફ ઉપરાંત એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવાની હોય છે જે પૂર્ણ થઈ ગઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ
સુરેન્દ્રનગર/લીંબડીમાં બે ભાઈઓએ એક જ યુવક પર કર્યું ફાયરીંગ, દુષ્કર્મ સાથે જોડાયેલો છે મામલો
અમરેલી/લીલીય તાલુકાના આ ગામમાં વૃધ્ધ દંપતી પર અજાણ્યા શખ્સોનો હુમલો, લૂંટના ઈરાદાએ કરાયો હોવાની આશંકા