Vadodara News/ વડોદરામાં દુષ્કર્મ પીડિતાનો અંતે આપઘાત : પીડિતાએ કોર્ટમાં જુબાની પણ આપી હતી, ડિપ્રેશનમાં રહેતી હતી

અમારા વતનમાં મારી દીકરીના મારા હાથે અંતિમસંસ્કાર કરીને આવ્યો છું

Vadodara Top Stories Gujarat

Vadodara News : વડોદરામાં દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીરાએ ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. શહેર નજીક પોર આંબાવાડીમાં રહેતા આદિવાસી પરિવારની સગીરાએ ઝાડ પર પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. આરોપી પિતરાઇ ભાઇની હવસનો ભોગ બનેલી સગીરા 19, ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. ત્યાર પછીથી તે ડિપ્રેશનમાં રહેતી હતી.

આપઘાત કરનાર પીડિતાના પિતાએ ટેલિફોનિક વાતચીતમાં રડતાં રડતાં જણાવ્યું હતું કે આરોપીનાં પરિવારજનો દીકરીને કેસ પરત ખેંચી લેવા માટે ધમકી આપતાં હતાં. આજે અમારા વતનમાં મેં મારા હાથે દીકરીના અંતિમસંસ્કાર કર્યા છે. હવે દીકરીને ન્યાય મળે એની રાહ જોવાની છે.

આ કેસની વિગત મુજબ  વડોદરા નજીક આવેલા પોર ગ્રામપંચાયતની આંબાવાડીમાં દાહોદનો આદિવાસી  પરિવાર રહે છે. પરિવારમાં ચાર‌ સંતાન છે, જે પૈકી સૌથી મોટી 17 વર્ષની દીકરીને વર્ષ 2023માં દાહોદના નવા ગામમાં રહેતા 23 વર્ષીય સગા પિતરાઇ ભાઇ બાબુ રતનભાઇ સંગાડાએ ધાક-ધમકીઓ આપી એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સંદર્ભે દાહોદ જીલ્લાના કતવારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

બીજીતરફ પોલીસે ફરિયાદના આધારે આરોપી બાબુ રતન સંગાડાની ધરપકડ કરી હતી.  બાદમાં પોલીસે પુરાવા એકત્ર કરી આરોપી સામે દાહોદ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એ અંગેનો કેસ હાલ ચાલી રહ્યો છે. આ કેસ સંદર્ભે પીડિત સગીરા પલક 19, ફેબ્રુઆરી 2025ના રોજ કોર્ટમાં જુબાની આપવા પણ ગઇ હતી. જુબાની આપીને પરત આવ્યા બાદથી સગીરા  ટેન્શનમાં રહેતી હતી.

દરમિયાન 25, ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7 વાગ્યા પહેલાં દુષ્કર્મ પીડિતાએ આંબાના ઝાડ પર પ્લાસ્ટિકની દોરી વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારને જાણ થતાં ચોંકી ઊઠ્યો હતો. દીકરીના આપઘાતથી પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. પરિવારના હૈયાફાટ રુદનથી આંબાવાડીમાં સન્નાટો છવાઇ ગયો હતો. બાદમાં આ બનાવની જાણ વરણામા પોલીસ મથકમાં કરવામાં આવતાં એ.એસ.આઇ. સંતોષ સૂર્યમણિ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી અને પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.

મૃતક સગીરાના પિતાનું કહેવું છે કે આજે સવારે અમારા વતનમાં મારી દીકરીના મારા હાથે અંતિમસંસ્કાર કરીને આવ્યો છું. પલક મારાં ચાર સંતાનોમાં સૌથી મોટી દીકરી હતી. વર્ષ 2023માં અમે પરિવારજનો લગ્નપ્રસંગમાં ગયાં હતાં. એ દરમિયાન ભાઇના દીકરા બાબુ સંગાડાએ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આ અંગે કોઇને જાણ ન કરવાની અને અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો.

શરૂઆતમાં દીકરીએ બદનામી અને બાબુની ધમકીના ડરથી વાત છુપાવી હતી, પરંતુ દીકરીની જિંદગી બગાડનાર હવસખોર બાબુ સંગાડાએ ફોટા વાઇરલ કરતાં મામલો ગ્રામપંચાયતના પંચમાં પહોંચ્યો હતો, પરંતુ દીકરીએ પંચમાં સમાધાન કરવાનો ઇનકાર કરી દેતાં આખરે દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકમાં હવસખોર બાબુ સંગાડા સામે ફરિયાદ નોંધાવી હતી.

આજે દીકરીના અંતિમસંસ્કાર કરનાર પિતાએ ચોધાર આંસુએ રડતાં રડતાં વધુમાં જણાવ્યું હતું કે હાલ દાહોદ પોક્સો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આરોપી જેલમાં છે. મુદતો પડી રહી છે. ગત 19 ફેબ્રુઆરી 25ના રોજ તેની જુબાની લેવામાં આવી હતી. આ ચાલી રહેલા કેસ દરમિયાન આરોપીના ભાઇઓ અને પરિવારજનો દ્વારા દીકરી અને અમને કેસ પરત ખેંચી લેવા માટે ધમકીઓ આપવામાં આવતી હતી.

પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દીકરી અને અમને ધમકી આપનારા આરોપીઓ સામે સ્થાનિક પોલીસ મથકમાં અરજીઓ પણ આપવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. એ તો ઠીક અમે અમારા વકીલ મારફત પણ પોલીસ મથકમાં અરજીઓ આપવામાં આવી હતી છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દીકરી સાથે થયેલા દુષ્કર્મ  બાદ અમે તમામ પરિવારજનો પોર આવી ગયાં હતાં. જ્યારે કોર્ટમાં મુદત હોય ત્યારે દીકરીને લઇ દાહોદ પોક્સો કોર્ટમાં હાજર થઇ જતા હતા.

પીડિતાના પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તા. 19 ફેબ્રુઆરી 25ના રોજ દીકરીની જુબાની હતી. બની શકે કે એ દિવસે પણ આરોપી બાબુ સંગાડાનાં પરિવારજનો દ્વારા દીકરીને ધમકી આપવામાં આવી હોય. જોકે માારી દીકરીએ અમને કોર્ટમાં શું થયું? એ અંગેની કોઇ વાત કરી નથી, પરંતુ આ મુદત બાદ તે માનસિક રીતે ભાંગી પડી હતી. દાહોદ કોર્ટથી વડોદરા આવતાં સુધીમાં અમારી સાથે વાત પણ કરી ન હતી.

એ તો ઠીક આપઘાત પૂર્વેના દિવસોમાં પણ તે ઘરમાં કોઇની સાથે વાત કરતી ન હતી અને સૂનમૂન બેસી રહેતી હતી અને તા. 25.2.025ની વહેલી સવારે આંબાવાડીમાં આંબાના ઝાડની ડાળી ઉપર પ્લાસ્ટિકની દોરીથી ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી.આ ચકચારી બનાવ અંગે વરણામા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ એએસઆઇ સંતોષપ્રસાદ સૂર્યમણિ ચલાવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી