એશિયા કપ 2018 માં શુક્રવારે બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર પર્ફોમન્સ આપનાર ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે તેઓ ભારતીય ટીમમાં આ કમબેકને હમેંશા યાદ રાખશે કારણકે આ વખતે ઘણા લાંબા સમય સુધી તેઓ બહાર હતા. આ સાથે જાડેજાએ કહ્યું હતું કે, એમને કોઈને પણ કંઈપણ સાબિત કરવાની જરૂર નથી. જાડેજાએ 29 રન આપીને 4 વિકેટ ઝડપીને બાંગ્લાદેશ સામેની મેચમાં જીત હાંસિલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
જાડેજા 480 દિવસનાં બ્રેક બાદ ભારતીય ટીમમાં પાછા આવ્યા છે. જાડેજાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કહ્યું કે, ‘હું હમેશા આ કમબેકને યાદ રાખીશ કારણકે મેં લગભગ 480 દિવસ બાદ ભારતીય ટીમમાં કમબેક કર્યું છે. આ પહેલાં હું આટલા લાંબા સમય સુધી બહાર રહ્યો ન હતો.’ ત્યારબાદ એમણે કહ્યું કે, ‘મારે કોઈને કઈ જ સાબિત નથી કરવું. મારે મારી સ્કીલ્સને વધુ ડેવલપ કરવાની જરૂર છે. મારે કોઈને એ દેખાડવાની જરૂર નથી કે હું શું કરી શકું છું. મારે મારી જાતને જ ચેલેન્જ આપવાની જરૂર છે.’
હવે એ વાત અગત્યની છે કે 2019 વર્લ્ડકપ માટે હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે અને એમણે એમની આવડતથી સિલેકટર્સ પર સાચા સમયે પ્રભાવ પાડ્યો છે. પરંતુ જાડેજાએ કહ્યું કે તેઓ વધુ આગળનું વિચારતા નથી. જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, ‘વર્લ્ડકપમાં હજી થોડો સમય છે, અમારે એ પહેલાં ઘણાં મેચ રમવાનાં છે અને હું અત્યારથી કોઈ સ્ટેટમેન્ટ આપી શકું નહી. મારો લક્ષ્ય છે કે મને જયારે પણ ચાન્સ મળે ત્યારે હું આજ જેવું જ પ્રદર્શન કરું. મારું ધ્યાન અત્યારે આ સીરીઝમાં સારું પરફોર્મ કરવા પર છે.’
