Navsari News: આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ (Naresh Patel) તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ગામીત (Jayram Gamit)ના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.
દક્ષિણ ગુજરાત (South Gujarat)ના ખેડૂતો સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે જેમાં 15,295 ખેડૂતો અને 18,309 હેક્ટર વિસ્તાર પ્રભાવિત થયો છે, એમ આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતુ.
તા. 25-10-2025થી તા. 1-11-2025 દરમિયાન ગુજરાત રાજયમાં વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. 25-10-2025થી તા. 1-11-2025 દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે નવસારી જિલ્લા સહિત ઘણા જિલ્લાઓમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોચ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel) રાજ્યમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) અને વાતાવરણમાં આવેલા પલટાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે જિલ્લાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જેને અનુલક્ષીને સ્થાનિક મંત્રીઓ દ્વારા પણ જિલ્લાઓમા થયેલા નુક્સાન અને તંત્ર દ્વારા લેવામાં આવતા પગલાઓ ઉપર જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આજરોજ આ બાબતને અનુલક્ષીને આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ મગનભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામ ચેમાભાઈ ગામીતના ઉપસ્થિતીમા નવસારી જિલ્લા (Navsari)માં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.
કોઇ પણ ખેડૂત સહાયમાંથી બાકાત ન રહે તેની તકેદારી રાખવા સૂચના
બેઠકમાં મંત્રીઓએ જિલ્લામાં થયેલા નુકશાન, કાપણી કર્યા બાદ ખેતરમા સૂકાવેલ પાક, તંત્ર દ્વારા સેટેલાઇટના આધારે અને ત્યાર બાદ સ્થળ ઉપર જઇ કરવામાં આવેલ સર્વે અંગે, તથા નુકસાની અંગે સંકલીત રીપોર્ટ કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. બન્ને મંત્રીઓએ કોઇ પણ ખેડૂત સહાયમાંથી બાકાત ન રહે તથા સર્વેનો રીપોર્ટ સુયોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી.
આદિજાતી મંત્રી નરેશ પટેલે પ્રભાવિત જિલ્લાઓ અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણો અંગે જાણકારી આપી, તાપી (Tapi) અને નવસારી જિલ્લાનું નિરીક્ષણ કરતા આ બન્ને જિલ્લામાં વધારે નુકશાન થયુ છે અને કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ડાંગરને ભારે નુકશાન થયુ છે એમ જણાવ્યું હતું.
સર્વેની બાબતમા તેમણે ખાસ જણાવ્યું કે, ફિલ્ડમા સર્વે માટે જતી વખતે ખેડૂતોની સાથે લાગણીસભર વ્યવહાર થાય. તથા આગામી 31મી ઓક્ટોબર સુધી હજી પણ વરસાદની આગાહી છે તો સર્વે કરતી વખતે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
કુલ 15,295 ખેડૂતો અને 18,309 હેક્ટર વિસ્તાર પ્રભાવિત
વધુમાં મંત્રીએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો (Farmers) સહાય માટે હાથ લંબાવતા નથી. પરંતુ આ વખતે એક આફત સમાન આ કમોસમી વરસાદએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે આવા સમયે સરકાર અને વહીવટી તંત્ર ખેડૂતોની પડખે જ છે એમ લાગણી ભર્યો ઉદગાર વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાનના સર્વે સહિત સહાય વિતરણ તથા સમગ્ર વર્ષ દરમિયાન બાગાયત અને ખેતીપાકોમા કમોસમથી થતા નુકશાન અંગે મંત્રીઓને અવગત કર્યા હતા.
નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ 355 ગામોમાં નોંધપાત્ર નુકસાની
જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરાએ જિલ્લાના ખેતી પાકો અને બાગાયતી પાકોમાં થયેલ નુકસાનની પ્રાથમિક આંકડાકીય માહિતી આપી હતી. જે અનુસાર સમગ્ર નવસારી જિલ્લામાં તમામ તાલુકાઓ મળી કુલ-355 ગામોમાં નોંધપાત્ર નુક્શાની જોવા મળી છે. જેમાં 15,295 ખેડૂતોને જિલ્લાના કુલ વાવેતર પૈકી 18,309 હેક્ટર વિસ્તારમા નુકશાની નોંધાઇ છે.
નોંધનીય છે કે, જિલ્લામાં ખાસ કરીને મુખ્ય ડાંગર પાકને વધુ નુકસાન થયુ છે અને શાકભાજી પાકને પણ વધતા ઓછા પ્રમાણમાં નુકશાન થયુ છે. જિલ્લાનો વાવેતર વિસ્તાર કુલ 45,829 હેક્ટર છે, જેમાંથી 16,841 હેકટર વાવેતર વિસ્તાર કાપણી પૂર્ણ થયેલો વિસ્તાર અને 28,779 વાવેતર વિસ્તાર કાપણી બાકી હોય તેવો વિસ્તાર છે એમ જાણકારી આપી હતી.
બેઠકમાં મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ઉભા પાક ને નુકશાન
આ પણ વાંચો:અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મોડી રાતથી શરૂ થયો વરસાદ
આ પણ વાંચો:આ તારીખો નોંધી લેજો! અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની ચેતવણી!
