Sabar Dairy Director Fight News : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આસ્થાનું કેન્દ્ર એવી સાબરડેરી (Sabar Dairy) આજે રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. ડેરીના ચેરમેનની ચેમ્બરમાં જ ડિરેક્ટરો વચ્ચે ભારે હંગામો સર્જાયો હતો. ગંભીર આક્ષેપ છે કે બે સિનિયર ડિરેક્ટરોએ ભેગા મળીને અન્ય એક ડિરેક્ટર જશુ પટેલ પર હુમલો કર્યો અને તેમને ખુરશી પરથી નીચે પાડી દઈ લાતો મારી હતી.
શું હતી વિવાદની જડ?
મળતી માહિતી મુજબ, સાબરડેરીમાં સરહદી વિસ્તારના દૂધમાં ચાલી રહેલી કથિત ગરબડનો મુદ્દો ચર્ચામાં હતો. ડિરેક્ટર જશુ પટેલે આ મામલે સત્તાધીશો પાસે વિગતો અને માહિતી માંગી હતી. દૂધમાં ગરબડની માહિતી માંગતા જ અન્ય ડિરેક્ટરો ઉશ્કેરાઈ ગયા હતા અને મામલો બિચક્યો હતો.

Sabar Dairyમાં ચેરમેનની હાજરીમાં જ હુમલો!
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ઘટના ચેરમેનની ચેમ્બરમાં જ ઘટી હતી, જ્યાં બે સિનિયર ડિરેક્ટરોએ એકસંપ થઈને જશુ પટેલ પર હુમલો કર્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. ખુરશીમાં બેઠેલા જશુ પટેલને લાતો મારીને ક્રૂરતાપૂર્વક નીચે પાડી દેવામાં આવ્યા હતા. અચાનક થયેલા આ હુમલા અને નીચે ગબડી પડવાને કારણે જશુ પટેલને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે સહકારી રાજકારણમાં અને સંસ્થાના વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસ કાર્યવાહીની તજવીજ
આ ઘટના બાદ સાબરકાંઠાના સહકારી આલમમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે. ભોગ બનનાર ડિરેક્ટર જશુ પટેલે આ મામલાને ગંભીરતાથી લઈ હુમલો કરનાર ડિરેક્ટરો વિરુદ્ધ કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. શિસ્તબદ્ધ ગણાતી સંસ્થામાં આ પ્રકારે પદાધિકારીઓ વચ્ચે થતી મારામારીએ પશુપાલકોમાં પણ રોષ જગાવ્યો છે.
આ પણ વાંચો:સાબરડેરીમાં બોઈલર સફાઈ દરમિયાન 1 શ્રમિકનું મોત અને 2ને ઈજા, નગરપાલિકા તંત્ર હરકતમાં !
આ પણ વાંચો:સાબરડેરી દ્વારા દૂધના ભાવ માં વધારો કરાતા પશુપાલકો ને રાહત
