Gujarat ATS Arrest Rehmat Ali Ahmedabad: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને એક મોટી સફળતા મળી છે. પાકિસ્તાન બોર્ડર પરથી પંજાબમાં હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સપ્લાય કરનારા વોન્ટેડ આરોપી રહેમત અલી શેખની અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પંજાબ પોલીસની પકડથી બચવા માટે નેપાળ અને બિહાર થઈને ગુજરાતમાં છુપાયો હતો.
એમ્બ્રોઈડરીના કારખાનામાં મજૂર બનીને છુપાયો હતો
ગુજરાત ATS ના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે, પંજાબના અમૃતસરના રાજાસાસી પોલીસ સ્ટેશનના હથિયાર અને ડ્રગ્સ સ્મગલિંગ કેસનો મુખ્ય આરોપી રહેમત અલી અમદાવાદમાં છે. આ બાતમીના આધારે ATS એ રખિયાલના એક એમ્બ્રોઈડરી કારખાનામાં દરોડો પાડીને તેને દબોચી લીધો હતો. આરોપી અહીં ઓળખ છુપાવીને મજૂર તરીકે કામ કરવાની પેરવીમાં હતો.
શું છે આખું નેટવર્ક?
પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રહેમત અલી પાકિસ્તાનથી આવતા નાર્કોટિક્સ અને હથિયારોના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો સક્રિય હિસ્સો છે. જાન્યુઆરી મહિનામાં તેણે પાકિસ્તાન બોર્ડર પરથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવા ખતરનાક હથિયારો મેળવીને પંજાબના અન્ય સાગરિતો સુધી પહોંચાડ્યા હતા.
આ કેસની તપાસ દરમિયાન પંજાબ પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની પાસેથી ૪૨ કિલો હેરોઈન, ૪ હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ અને ૪૬ જીવતા કારતૂસ જેવા વાંધાજનક સાધનો મળી આવ્યા હતા. પોતાના સાગરિતો પકડાઈ જતાં રહેમત અલી પંજાબથી ભાગીને નેપાળ આશ્રય લેવા જતો રહ્યો હતો અને ત્યાંથી બિહાર થઈને ગુજરાતમાં છુપાવવા માટે આવ્યો હતો, જ્યાં આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાતમાં હથિયારો મળવાનો સિલસિલો
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર હથિયારો મળી આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ બાબતની વિગતો તપાસતા જાણવા મળે છે કે જાન્યુઆરી 2026માં વડોદરાના મંજુસર પાસેની એક હોટલમાંથી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે પિસ્તોલ અને ૫૬ જીવતા કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેવી જ રીતે, નવેમ્બર2025માં ગીર સોમનાથમાં હાથ ધરવામાં આવેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન એક ધાર્મિક સ્થળ (દરગાહ) માંથી તલવાર, કુહાડી અને કાટા જેવા હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉભા થતા ગંભીર પડકારોને સૂચવે છે.
હાલમાં ATS તપાસ કરી રહી છે કે અમદાવાદમાં રહેમત અલીને કોણે આશરો આપ્યો હતો અને શું ગુજરાતમાં પણ તેનું કોઈ મોટું નેટવર્ક સક્રિય છે? આરોપીને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ બોટ ઝડપાઈ
આ પણ વાંચો: દાઉદનો ‘ખાસ’ ગણાતો ટાઇગર મેમણ કેમ છે ચર્ચામાં? 32 વર્ષ બાદ ટાડા કોર્ટનો આવ્યો નવો ચુકાદો
આ પણ વાંચો: સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો
