Gandhinagar News/ ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે કુલ 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે વધુ 10 ટ્રેનસેટ્સ…

Metro Trainsets (મેટ્રો ટ્રેનસેટ્સ) કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે, ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ ડ્રાઇવરલેસ…

Gujarat Gandhinagar
Metro Trainsets, સુરત, ગાંધીનગર, કોલકાતા, ડ્રાયવરલેસ

Gandhinagar News: ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ (Metro Trainsets) માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે.

34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ (Metro Trainsets) માટે ઓર્ડર અપાયો

આ ટ્રેનો કોલકાતા (Kolkata)માં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે, જે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવે છે. આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને તો મજબૂત કરશે જ, સાથે-સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ ઉજાગર કરશે. આ પહેલ રોજગાર અને કૌશલ્ય વિકાસની તકો પેદા કરશે તેમજ તેના થકી વિદેશી હૂંડિયામણ (Foreign exchange)ની પણ બચત થશે.

અમદાવાદ-ગાંધીનગર કોરિડોરના મુસાફરો માટે ટ્રેનની ફ્રીકવન્સી વધશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા. આજે તેમના સુદૃઢ માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, અને અમદાવાદ-ગાંધીનગરના લાખો નાગરિકો મેટ્રો ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે.

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આજે રાજ્ય શહેરી પરિવહન માળખાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 (Ahmedabad Metro Phase 2) હેઠળ અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં, 68.2 કિમી મેટ્રો નેટવર્ક પહેલેથી જ કાર્યરત છે, જેમાં હાલમાં 32 ટ્રેનસેટ્સ સેવામાં છે. તેમાં વધુ 10 ટ્રેનસેટ્સનો ઉમેરો થવાથી મુસાફરોના પરિવહન માટે ટ્રેનની ફ્રીકવન્સી વધી જશે, ટ્રેનો માટે રાહ જોવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.

ગુજરાતમાં હાલ 108 કિમી મેટ્રો રેલ નેટવર્ક, આગામી વર્ષોમાં 190 કિમી સુધી વિસ્તરવાનો અંદાજ

હાલમાં, સુરત ખાતે 40.3 કિમી લાંબા મેટ્રો રેલ નેટવર્ક (Metro Rail Network)નું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પૂર્ણ થયે સુરત શહેર (Surat) ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. આ વિકાસ પરિવહન સુવિધાને સરળ બનાવશે, ભીડમાં ઘટાડો કરશે અને સુરતની વધતી જતી શહેરી વસ્તી માટે લાભકારી બનશે.

ગુજરાત રાજ્ય (Gujarat)માં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક 108 કિમી સુધી વિસ્તરેલું છે, અને આગામી વર્ષોમાં 190 કિમી સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે. તેમાં 6.04 કિમીની અગાઉથી આયોજિત એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ થાય છે, જે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વધુમાં, રાજકોટ અને વડોદરા જેવા અન્ય મુખ્ય શહેરોમાં પણ મેટ્રો રેલ સેવાઓનું વિસ્તરણ કરવા માટેની દરખાસ્તો વિચારણા હેઠળ છે, જેથી રાજ્યભરમાં આધુનિક, કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના લાભો વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય.

ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ અત્યાધુનિક ડ્રાઇવરલેસ હશે

ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ અત્યાધુનિક ડ્રાઇવરલેસ (ડ્રાઇવર વગરની, Driverless) ટેક્નોલોજીથી સજ્જ હશે, જે સમયપાલકતા, સલામતી અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનોમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ્સ, ઑપ્ટિમાઇઝ્ડ સ્પીડ પ્રોફાઇલ્સ અને ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ હશે, જે વિશ્વસનીય કામગીરીની ગેરંટી આપે છે. વધુમાં, સીસીટીવી સર્વેલન્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ફેઇલ-સેફ ડોર ઓપરેશન્સ અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન એટલે કે અવરોધોને શોધવા માટેની પદ્ધતિઓ જેવા મુસાફરો-કેન્દ્રિત સુધારાઓ મુસાફરોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ નવીન વિશેષતાઓ ગુજરાતની મેટ્રો ટ્રેનોને આધુનિક, સ્માર્ટ અને ટકાઉ શહેરી પરિવહનના મોડેલ તરીકે સ્થાપિત કરશે.

એક્સપ્રેસવેથી લઈને હાઈ-સ્પીડ રેલ સુધી, ગુજરાત ભારતના પરિવહન માળખાના વિકાસમાં સતત અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દાહોદ ખાતે ભારતનું પ્રથમ 9000 HP લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન કરતી ફેક્ટરી, અને નમો ભારત ટ્રેનો તેના મજબૂત ઉદાહરણો છે. ગુજરાતના મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ સમયસર અમલીકરણ, તકનીકી નવીનીકરણ અને ટકાઉ શહેરી વિકાસ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું શાનદાર ઉદાહરણ છે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસ દ્વારા ગુજરાત આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન નોંધાવી રહ્યું છે.


આ પણ વાંચો: દશેરાએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રન…નૂતન વર્ષથી શુભારંભ…

આ પણ વાંચો: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું

આ પણ વાંચો: સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય માટે કમિશનરનું જાહેરનામું