Sabarkantha News : સાબરકાંઠામાં સ્પા સેન્ટરો (Spa Centers)ને લઈને જિલ્લા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. સ્પા-મસાજની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને સંચાલકો માટે નવા નિયમો લાગુ કર્યા છે.
કર્મચારીઓની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત

સાબરકાંઠામાં સ્પા સેન્ટર નિયમો (Spa Center Rules) હેઠળ હવે દરેક સંચાલકે પોતાના ત્યાં કામ કરતા કર્મચારીઓની સંપૂર્ણ માહિતી પોલીસને આપવી પડશે. કર્મચારીનું નામ, સરનામું, ઓળખનો પુરાવો અને મોબાઈલ નંબર સહિતની વિગતો પોલીસ સમક્ષ રજૂ કરવાની રહેશે.
આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સ્પા સેન્ટરો (Spa Centers)માં કામ કરતા કર્મચારીઓ અંગે જરૂરી માહિતી તંત્ર પાસે ઉપલબ્ધ રહે અને કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે તપાસની જરૂર પડે ત્યારે પોલીસને સરળતાથી માહિતી મળી શકે તેવો છે.
3 કિમીના વિસ્તારમાં 7 જેટલા સ્પા સેન્ટરો
સાબરકાંઠામાં વીરપુર બાયપાસથી મોતીપુરા સુધીના વિસ્તારમાં અનેક સ્પા સેન્ટરો કાર્યરત હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને RTO સર્કલથી મોતીપુરા વચ્ચેના આશરે 3 કિલોમીટરના વિસ્તારમાં 7 જેટલા સ્પા સેન્ટરો ધમધમી રહ્યા છે.
આ વિસ્તારમાં સ્પા સેન્ટરોની સંખ્યા વધતા તેમની કામગીરી અને નિયમોના પાલન અંગે તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્પા-મસાજની આડમાં દેહવ્યાપાર અથવા નશીલી પ્રવૃત્તિઓ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તે માટે નિયમોનું કડક પાલન કરાવવાની દિશામાં પગલાં લેવાયા છે.
વિદેશી કર્મચારી હોય તો પાસપોર્ટ-વિઝાની માહિતી પણ જરૂરી
જાહેરનામા મુજબ, જો કોઈ સ્પા સેન્ટરમાં વિદેશી કર્મચારી કામ કરતો હોય તો તેના પાસપોર્ટ અને વિઝા સંબંધિત વિગતો પણ પોલીસ સમક્ષ રજૂ કરવી પડશે. આ ઉપરાંત તમામ કર્મચારીઓની માહિતી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્પા સંચાલકોની રહેશે.
સાબરકાંઠા કલેક્ટર (Sabarkantha Collector) દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો ભંગ કરનાર સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જાહેરનામું 27 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે. હવે સ્પા સેન્ટરોમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેના પર તંત્રની નજર રહેશે.
