ઉજવણી/ ચોટીલામાં શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાયો

સાહિત્યકારની સ્મૃતિને જીવંત રાખવા રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ એવા ચોટીલા ખાતે રૂપિયા ૫ કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવાશે.

Gujarat
કસુબીનો રંગ222 ચોટીલામાં શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાયો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલા ખાતે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને “કસુંબીનો રંગ” ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘‘મેઘાણી એટલે એક વ્યક્તિમાં અનેક વ્યક્તિત્વ’’ તેમ જણાવતા કહ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણી રચિત પ્રત્યેક કૃતિઓ અમર છે. તે જમાનામાં લખાયેલી તેમની કૃતિઓ આજે પણ એટલી જ ગવાય છે, અને લોકો યાદ પણ કરે છે. આવા સાહિત્યકારની સ્મૃતિને જીવંત રાખવા રાજ્ય સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ એવા ચોટીલા ખાતે રૂપિયા ૫ કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવાશે.

કસૂંબીનો રંગ111 ચોટીલામાં શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાયો

શિક્ષણ મંત્રી એ ઉમેર્યું હતું કે, ઐતિહાસિક સાહિત્યકારની સ્મૃતિ સ્થાપવાનો આ નવો અધ્યાય શરૂ થયો છે. ચોટીલા ખાતે નિર્માણ પામનાર મ્યુઝિયમના માધ્યમથી મેઘાણીજીના સાહિત્યનુ દર્શન ભવિષ્યની પેઢીને પ્રેરણારૂપ બની રહેશે, સાથો – સાથ અહીં આવતા લોકોમાં રાષ્ટ્રીય ભાવના બળવત્તર બને તે પ્રકારનું આયોજન કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ચોટીલાના ભાગ્ય ખુલી જશે. અત્યાર સુધી ચામુંડા માતાજીના દર્શનાર્થે લોકો આવતા હતા, પરંતુ હવે માતાજીના દર્શનની સાથે દુનિયાભરમાંથી પર્યટકો આ મ્યુઝીયમ નિહાળવા પણ આવશે.તેમણે વધુમાં કહયું હતું કે, મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણીજીના વિચારો ૧૦૦ વર્ષ પહેલા જેટલા પ્રસ્તુત હતા, એટલા જ આજે પણ પ્રસ્તુત છે. મેઘાણીજીનું સાહિત્ય તે સમયે લોકોમાં જેટલું પ્રિય હતું, તેટલુ આજે પણ છે.

ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીની ઉજવણી કાર્યક્રમોની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં સમગ્ર વર્ષ દરમિયાન મેઘાણીજીના ઉત્સવો ઉજવીને ગુજરાતને મેઘાણીમય બનાવવું છે. મેઘાણીજીના સાહિત્યનુ અંગ્રેજી અને અન્ય ભાષામાં અનુવાદ થાય સાથો – સાથ ડાયરાઓ અને સેમિનાર-વેબીનારના માધ્યમથી મેઘાણીજીના વિચારોને ઘર – ઘર સુધી પહોંચાડવાનું સુદ્રઢ આયોજન કરાયું છે તેમણે આ તકે મેઘાણીજીના વ્યક્તિત્વ-સાહિત્યને લોકો સુધી પહોંચાડવાના કાર્યમાં ગુજરાતનાં મીડિયાકર્મીઓએ આપેલ પ્રદાનને બિરદાવ્યું હતું

કસુબીનો રંગ333 ચોટીલામાં શિક્ષણ મંત્રીના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે ‘‘કસુંબીનો રંગ’’ ઉત્સવ ઉજવાયો

આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.“કસુંબીનો રંગ” ઉત્સવ ઉજવણી કાર્યક્રમ અગાઉ શિક્ષણ મંત્રીશ્રીએ ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળની મુલાકાત લઈ તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ નગરપાલિકા ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું ઝવેરચંદ મેઘાણીના પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સર્વેએ  મેઘાણીના જીવન ઉપર આધારીત ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળી હતી. આ તકે મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના પુસ્તકાલયોમાં મેઘાણી કોર્નર સ્થાપવાના હેતુથી જિલ્લાના ગ્રંથપાલશ્રીઓને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે અભયસિંહ રાઠોડ, યોગેશભાઈ ગઢવી તથા રાધાબેન વ્યાસ સહિતના કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા કલેકટર એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. એન. કે. ગવ્હાણે, સી.યુ.શાહ યુનિવર્સિટીના પ્રમુખ  ડો. જીતેન્દ્રભાઈ સંઘવી, વાઇસ હેમંત ત્રિવેદી, અગ્રણી જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડો. અનિરુદ્ધસિંહ પઢિયાર, જયદીપભાઈ ખાચર, ચંદ્રશેખરભાઈ દવે સહિત અધિકારી – પદાધિકારીશ્રીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.