Gandhinagar News : આજે રાયસણ, ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સિલેન્સ (IACE) ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષા(State Level)ની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’(Health Conference) સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મંત્રીના હસ્તે ‘સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – 2025’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પરિષદને સંબોધતા મંત્રી પ્રફુલ પાનશેરીયા(Praful Panchsheriya)એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને સ્વાસ્થ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા અને છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના આરોગ્યને અસર કરતા સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિબળોને ઓળખી તેમાં હકારાત્મક સુધારા લાવવાનો છે.

રાજ્યમાં શિશુ મૃત્યુદર ઘટાડવાના પ્રયાસો અંગે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા ઓક્સિજન અને કાર્ડિયાક જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાઓથી સજ્જ 11નવી ‘મિની આઈસીયુ’ એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ દ્વારા અંતરિયાળ વિસ્તારના નવજાત શિશુઓને સમયસર મોટી હોસ્પિટલોમાં ખસેડી તેમનો જીવ બચાવી શકાશે.
દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ(Health Conference)માં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવશે
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, આ દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદ(Health Conference)માં માતા અને બાળ આરોગ્ય સુખાકારી, માનસિક અને પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ, સંચારી રોગોની અટકાયત જેવા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્યપ્રદ ગુજરાત અને વિકસિત ભારત’*ના વિઝનને સાકાર કરવા માટે દરેક નાગરિકનું સ્વસ્થ હોવું અનિવાર્ય હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય કમિશનર (અર્બન) ડૉ. સંધ્યા ભૂલ્લાર, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચરણ, વર્લ્ડ બેંક હેલ્થ સાઉથ એશિયાના પ્રેક્ટિસ મેનેજર ડૉ. અપર્ણા સોમનાથન, SHSRC ના એક્સિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એ.એમ. કાદરી, અધિક નિયામક (જાહેર આરોગ્ય) ડૉ. નિલમ પટેલ, અધિક નિયામક (પરિવાર કલ્યાણ) ડૉ. નયન જાની સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, NGO પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામીણ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા
