Gandhinagar News/ RBI-અમદાવાદ દ્વારા રાજ્યની સહકારી બેંકો માટે ‘સાયબર સંબંધિત છેતરપિંડીનો સામનો કરવો’ વિષય પર દ્વિતીય કાર્યશાળાનું આયોજન…

આ કાર્યશાળા સાયબર છેતરપિંડી (Cyber Fraud)ના જોખમનો સામનો કરવામાં સલામત ડિજિટલ ચુકવણીની પ્રથાને (ઇકોસિસ્ટમને) પ્રોત્સાહન આપવા માટે…

Gujarat Gandhinagar
Cyber Fraud, સેમિનાર, બેન્કિંગ પ્રથા, અમદાવાદ, ડિજિટલ ધરપકડ

Gandhinagar News: ભારતીય રિઝર્વ બેંકે તેના નિયંત્રણ હેઠળની સંસ્થાઓ સાથેના તેના નિરીક્ષણીય અને વિકાસલક્ષી એવા નિરંતર સંકલન તેમ જ જોડાણના ભાગરૂપે આજે અમદાવાદ (Ahmedabad) ખાતે સાયબર સંબંધિત છેતરપિંડીની ઘટનાઓ અને તે વિષયક વધતી જતી નવી નવી તરકીબો વિશે જાગૃતિ લાવવા માટે “સાયબર સંબંધિત છેતરપિંડીઓનો સામનો કરવો” વિષય પર એક કાર્યશાળા (Cyber Fraud Seminar)નું આયોજન કર્યું.

Cyber Fraud, સેમિનાર, બેન્કિંગ પ્રથા, અમદાવાદ, ડિજિટલ ધરપકડ

ગુજરાતભરમાં કાર્યરત 94 શહેરી સહકારી બેંકો,જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો અને રાજ્ય સહકારી બેંકના અધિકારીઓ સહભાગી થયા

સાયબર સંબંધિત છેતરપિંડીઓ મુદ્દે નિયંત્રણ હેઠળની સંસ્થાઓમાં જાગૃતિ લાવવા માટેની વર્તમાન શૃંખલાના ભાગરૂપે અગાઉ‌ ગત 25 ફેબ્રુઆરી 2026 ના રોજ 100 નાની શહેરી સહકારી બેંકો (Urban Co-operative banks) માટે આવી પ્રથમ કાર્યશાળા આયોજીત કરવામાં આવી હતી.

આ બીજી કાર્યશાળામાં ગુજરાતભરમાં કાર્યરત એવી 94 શહેરી સહકારી બેંકો, જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો અને રાજ્ય સહકારી બેંકના મુખ્ય કાર્યકારી અધિકારીઓ, વરિષ્ઠ સંચાલકગણ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી વિભાગ (IT Department)ના વડાઓએ ભાગ લીધો.આ કાર્યશાળા સાયબર છેતરપિંડી (Cyber Fraud)ના જોખમનો સામનો કરવામાં સલામત ડિજિટલ ચુકવણી (Digital Payment)ની પ્રથાને (ઇકોસિસ્ટમને) પ્રોત્સાહન આપવા માટે હિતધારકો સાથે સતત સંકલન સાધવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રયાસોના એક ભાગ સમાન છે.

આ પ્રસંગે તજજ્ઞ વક્તા તરીકે ભારતીય રિઝર્વ બેંકના જનરલ મેનેજર વિજય રૈના અને ગાંધીનગર સ્થિત ‘સાયબર સેન્ટર ફોર એક્સેલન્સ’ના પોલીસ અધિક્ષક સંજય કુમાર કેશવાલાએ માર્ગદર્શન આપ્યું હતું.

બેંકો દ્વારા નવા ગ્રાહકોની નોંધણીની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકની તપાસ જરૂરી

આ કાર્યશાળામાં એક મજબૂત કાર્યપ્રથા તેમ જ નિરીક્ષણીય વ્યવસ્થા, કડક આંતરિક નિયંત્રણો, સુચારુ પ્રક્રિયાઓ અને સાયબર સંબંધિત છેતરપિંડીઓને નિવારવા તેમ જ તેના જોખમને નિયંત્રિત કરવા માટે અદ્યતન તકનીકોના ઉપયોગના મહત્વ પર ભાર મુકવામાં આવ્યો. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના વક્તાઓએ સાયબર સંબંધિત નાણાકીય છેતરપિંડીઓની ઘટનાઓમાં તાજેતરમાં જોવા મળેલ વૃદ્ધિ, એમાં પણ ખાસ કરીને “ડિજિટલ ધરપકડ” (Digital Arrest)ની ઘટનાઓ, પર ભાર મુકવા ઉપરાંત બેંકો દ્વારા નવા ગ્રાહકોની નોંધણીની પ્રક્રિયા દરમિયાન ગ્રાહકની જરૂરી તેમ જ પૂરતી તપાસ (ડ્યુ ડિલિજન્સ) કરવી અને તેના વ્યવહારો પર સતત દેખરેખ રાખવી જરૂરી હોવાની અગત્યતા પર પણ ભાર મૂક્યો.

વધુમાં, ભારતીય રિઝર્વ બેંકે શહેરી સહકારી બેંકોના વરિષ્ઠ નેતૃત્વને તેમની સંસ્થાઓમાં સાયબર સંબંધિત સ્થિતિસ્થાપકતાને એક મુખ્ય વ્યૂહાત્મક ઉપાય તરીકે અગ્રિમતા આપવા તેમ જ અપનાવવા આહ્વાન કર્યું તેમ જ સ્થાનિક સમુદાયને સાંકળી લેતી સઘન ઝુંબેશો, સ્થાનિક ભાષામાં ચેતવણીઓ, વગેરેના માધ્યમે જાગૃતિ લાવવા વિનંતી કરી.

Cyber Fraud, સેમિનાર, બેન્કિંગ પ્રથા, અમદાવાદ, ડિજિટલ ધરપકડ

Cyber Fraud વિષયક સેમિનારમાં “ગોલ્ડન અવર” માં છેતરપિંડીની તાત્કાલિક જાણ કરવા પર ભાર

પોલીસ અધિકારી કેશવાલાએ ગુજરાત પોલીસ (Gujarat Police)ના ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ના ઉપક્રમે સાયબર છેતરપિંડીઓને રોકવા, આવી છેતરપિંડીઓ અંગે જાણ કરવા અને તેની તપાસ કરવાને લક્ષમાં રાખીને કરવામાં આવેલ કેટલીક શરૂઆતો અંગે જણાવ્યું. વધુમાં, કેશવાલાએ ભારતમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 (Helpline 1930)નું માળખું અને તેની કામગીરી તેમ જ બેંકોની સમયસરની કાર્યવાહી સાયબર છેતરપિંડીનો ભોગ બનેલાઓને તેમના પૈસા પરત મેળવવામાં કેવી રીતે મદદરૂપ થઈ તે વિશે વિગતે જાણકારી પૂરી પાડી.

સાથે સાથે, કેશવાલાએ સાયબર છેતરપિંડી કરનારાઓ વિશ્વાસ, ભય, લોભ, તાકીદ અને આળસ જેવી માનવીય લાગણીઓનો ઉપયોગ કરે છે તેનો ઉલ્લેખ કરતાં આવી છેતરપિંડી થયા પછીના તુરંતના સમય -“ગોલ્ડન અવર” માં છેતરપિંડીની તાત્કાલિક જાણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

કાર્યશાળામાં ભાગ લેનારા વિવિધ બેંકોના પ્રતિનિધિઓ દ્વારા સાયબર છેતરપિંડીઓને રોકવા માટે જરૂરી એવું માર્ગદર્શન મેળવવા તેમ જ આ બાબતે કેટલાક ઉપાયો સુચવતા આંતર-સંવાદયુક્ત સત્ર સાથે કાર્યક્રમ સમાપ્ત થયો‌ હતો .

આ તબક્કે ભારતીય રિઝર્વ બેંકે, બેંકો અને અન્ય હિતધારકો સાથે પોતાના સતત સંકલન અને ભારતીય બેંકિંગ પ્રથા (Banking System)ની સ્થિતિસ્થાપકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવા માટે યોગ્ય પગલાં લેતા રહેવાની પોતાની કટિબદ્ધતા પુન: વ્યક્ત કરી.

આ કાર્યશાળામાં ભારતીય રિઝર્વ બેંક તથા વિવિધ સહકારી બેંકોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.


આ પણ વાંચો: સાયબર છેતરપિંડી રોકવા RBI અમદાવાદમાં એક્શન મોડમાં, Cyber Fraud થાય તો ‘1930’ પર તુરંત કરો કોલ

આ પણ વાંચો: ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં સાયબર હુમલો, સર્વર હેક કરીને રૂ.7 કરોડ ટ્રાન્સફર

આ પણ વાંચો: સાયબર હુમલાઓ સામે ગુજરાતનું ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત કરવા કોર કમિટી–ટાસ્કફોર્સની રચના