કોરોના વાઈરસની બીજી લહેર સામે અમદાવાદની સ્વાસ્થ્ય સુવિધાઓ હાંફી રહી છે. શહેરમાં પ્રતિદિન નોંધાતા નવા કેસો તેના જૂના રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવતા હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ કોરોનાનું હોટ સ્ટોપ બનીને ઉભરી રહ્યું છે. ત્યારે આવમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં થલતેજના સ્મશાનગૃહની બહાર PPE કિટના ઢગલા જોવા મળી રહ્યાં છે, જેના પરિણામો કોરોના સંક્રમણનો ખતરો વધી શકે છે.
હાલ શહેરમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધ્યો છે, ત્યારે શબ વાહિનીઓ દ્વારા અનેક કોરોના સંક્રમિત દર્દીઓની ડેડબોડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે આવી છે. આ દરમિયાન મૃતકના કેટલાક સ્વજનો પીપીઈ કિટ પહેરીને અંદર જતા હોય છે, જ્યારે કેટલાક સ્વજનો બહાર રાહ જોતા હોય છે. જો કે અંતિમ સંસ્કાર બાદ લોકો પીપીઈ કિટ ત્યાં રઝળતી મૂકીને જતા રહેતા હોય છે.
હાલ છેલ્લા કેટલાક દિવસોથી સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. જેના પરિણામે મૃતકના સ્વજનો સ્મશાનગૃહની બહાર જ રાહ જોતા હોય છે. એવામાં આવી પીપીઈ કિટ બહાર રઝળતી હોવાના કારણે કોરોના સંક્રમણ વધી શકે છે. આથી વહીવટી તંત્ર દ્વારા આ પીપીઈ કિટનો સત્વરે યોગ્ય નિકાલ કરે તે જરૂરી છે.
શહેરમાં અનેકવાર ધ્યાને આવ્યું છે કે PPE કિટ સ્મશાનની બહાર રઝળતી હોય છે, જેને કારણે કોરોનાનું સંક્રમણ વધી જાય છે. ત્યારે ડોકટરો પણ લોકોને આવી જગ્યાએથી દૂર રહેવા સલાહ આપે છે. તંત્ર દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવે તો કેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે જેની તંત્રએ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. હોસ્પિટલોમાં PPE કિટ નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો સ્મશાનમાં પણ આની યોગ્ય નિકાલની વ્યવસ્થા થવી જોઈએ. જ્યારે અગાઉ પણ આ સ્મશાન ચર્ચામાં આવ્યું હતું કે જેમાં એક જ એમ્બ્યુલન્સમાં બે ડેડબોડી લઇ જવામાં આવી હતી. ત્યારે આ સ્મશાન કેમ અવારનવાર બેદરકારીની ચર્ચામાં રહે છે.